દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ

March, 2016

દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ (જ. 10 ઑગસ્ટ 1853, સૂરત; અ. 5 ડિસેમ્બર 1912) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર તથા સંપાદક. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. શાળાજીવનથી જ પુસ્તકો અને હસ્તલિખિત ગ્રંથો વાંચવાનો શોખ લાગેલો. સૂરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં બીબાં ગોઠવવાનું કામ કર્યું. 1876માં નોકરી માટે મુંબઈ ગયેલા ઇચ્છારામે થોડો સમય ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચલાવ્યું. થોડો સમય ગોડાઉન-કીપરની અને પછી ‘મુંબઈ સમાચાર’માં પ્રૂફરીડરની કામગીરી બજાવી. 1877માં સૂરત પાછા ફરી મિત્રો સાથે તેમણે ‘શારદાપૂજક મંડળી’ સ્થાપીને 1878થી ‘સ્વતંત્રતા’ માસિક શરૂ કર્યું. તેમાં અંગ્રેજ રાજસત્તા સામે નીડરતાપૂર્વક લખ્યું. રાજદ્રોહના ગુનાસર અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી, પણ ફીરોઝશાહ મહેતાએ કરેલા બચાવથી નિર્દોષ છૂટ્યા. 1879માં ‘સ્વતંત્રતા’માં તેમણે ‘હિંદ અને બ્રિટાનિયા’ નામક રાજકીય નવલકથા લખવા માંડી. પણ ‘સ્વતંત્રતા’ બંધ પડ્યું. પછી મુંબઈ જઈ તેમણે મિત્રો અને સાક્ષરોની સહાયથી ‘ગુજરાતી’ સાપ્તાહિક 1880થી શરૂ કર્યું. અનેક અડચણો વચ્ચે પણ તેમણે તે મૃત્યુ પર્યંત ચલાવેલું.

‘હિંદ અને બ્રિટાનિયા’ (1886) નવલકથાએ ઇચ્છારામને ખૂબ ખ્યાતિ અપાવી. ‘રાજકીય કાદંબરી’ તરીકે ઓળખાયેલી આ નવલકથાની પ્રેરણા ઇચ્છારામને મીરઝા મુરાદઅલી બેગની ‘ઑન ધ માઉન્ટન ટૉપ’ની લેખમાળામાંથી મળી હતી. આ નવલકથામાં ભારતની તત્કાલીન રાજકીય સ્થિતિની ચર્ચા છે. ‘ગંગા – એક ગુર્જર વાર્તા’ તથા ‘શિવાજીની લૂંટ’ (1888) સામાજિક નવલકથા તથા ઐતિહાસિક વાર્તા છે. ‘ટીપુ સુલતાન’ ભાગ 1 (1889) અધૂરી ઐતિહાસિક નવલકથા છે. ‘સવિતાસુંદરી’ (1890) વૃદ્ધવિવાહની ઠેકડી ઉડાડતી સામાજિક નવલકથા છે, તો ‘રાજભક્તિવિડંબણ’ (1889) ભાણ પ્રકારની  રચના છે.

ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ

‘ચન્દ્રકાન્ત’ ભાગ 1, 2, 3 (1889, 1901, 1907) ધર્મતત્વચર્ચાનો ગ્રંથ હોવા છતાં ખૂબ લોકપ્રિય બનેલો. સાત ખંડ લખવાની ઇચ્છા લેખકના અવસાનના કારણે પૂરી થઈ શકેલી નહિ. આ ગ્રંથમાં લેખકે વેદાંતના વિચારોની સરળ ભાષામાં સર્દષ્ટાંત સમજૂતી આપી છે.

ઇચ્છારામની મધ્યકાલીન સાહિત્યના સંશોધક-સંપાદક તરીકેની કામગીરી નોંધપાત્ર છે. જેના તે દસ ભાગ પ્રગટ કરવા ઇચ્છતા હતા તે ‘બૃહત્કાવ્યદોહન’ના આઠ ભાગ(1886, 1887, 1889, 1890, 1895, 1900, 1912, 1913)માં મધ્યકાલીન કવિઓના જીવનની માહિતી આપતા લેખો અને તેમનાં કાવ્યો સંપાદિત કરીને આપવામાં આવ્યાં છે. ‘પુરુષોત્તમ માસની કથા’ (1872), ‘ઓખાહરણ’ (1885), ‘નળાખ્યાન’ (1885), ‘પદબંધ ભાગવત’ (1889), ‘કૃષ્ણચરિત્ર’ (1895), ‘આદિ ભક્તકવિ નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ (1913) એ એમના અન્ય સંપાદનગ્રંથો છે. મધ્યકાલીન કવિઓ અને કવિતા વિશે ઉપલબ્ધ સામગ્રીને એકત્ર કરવાનો નોંધપાત્ર પ્રયાસ તેમણે કર્યો છે. મહાભારતનાં વિવિધ પર્વોનો અન્ય વિદ્વાનો પાસેથી અનુવાદ કરાવી તેનું સંપાદન ‘મહાભારત’ ભાગ 1, 2, 3(1904, 1911, 1921)માં એમણે કર્યું છે.

સંસ્કૃત-અંગ્રેજીમાંથી અનુવાદની પ્રવૃત્તિ પણ ઇચ્છારામે ઠીક ઠીક પ્રમાણમાં કરી હતી. ‘રાસેલાસ’ (1886), ‘યમસ્મૃતિ’ (1887), ‘મહારાણી વિક્ટોરિયાનું જીવનચરિત્ર’ (1887), ‘ચારુચર્યા અથવા શુભાચાર’ (1889), ‘અરેબિયન નાઇટ્સ’ : ભાગ 1–2 (1889), ‘કથાસરિતસાગર’ ભાગ 1–2 (1891), ‘કળાવિલાસ’ (1889), ‘વિદુરનીતિ’ (1890), ‘કામંદકીય નીતિસાર’ (1890), ‘સરળ કાદંબરી’ (1890) ‘શ્રીધર ગીતા’ (1890), ‘શુકનીતિ’ (1893), ‘બાળકોનો આનંદ’ ભાગ 1–2 (1898), ‘ઔરંગઝેબ’ (1898), ‘પંચદશી’ (1900), ‘વાલ્મીકિ રામાયણ’ (1919) વગેરે એમના અનૂદિત ગ્રંથો છે.

ઇચ્છારામની 41 જેટલી મૌલિક, સંપાદિત અને અનૂદિત કૃતિઓમાંથી ‘હિંદ અને બ્રિટાનિયા’ તથા ‘ગંગા – એક ગુર્જર વાર્તા’નું મરાઠીમાં પણ ભાષાંતર થયેલું.

પ્રસાદ બ્રહ્મભટ્ટ