દેશપાંડે, પુરુષોત્તમ યશવંત

March, 2016

દેશપાંડે, પુરુષોત્તમ યશવંત (જ. 11 ડિસેમ્બર 1899, અમરાવતી; અ. 1986) : મરાઠી લેખક. મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. (1925) અને પછી પુણે વિશ્વવિદ્યાલયમાંથી એલએલ.બી.-(1927)ની પરીક્ષા આપ્યા પછી વકીલાત શરૂ કરી. યુવાનવયથી જ રાજકારણમાં રસ હતો. અને એથી 1921, 1932 અને 1942ના સ્વાતંત્ર્યસંગ્રામમાં એમણે ભાગ લીધો. 1932 અને 1942ના આંદોલનમાં ભાગ લેવા બદલ એમને કારાવાસ ભોગવવો પડ્યો. જેલવાસ દરમિયાન વૈદિક તથા બૌદ્ધ સાહિત્ય, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ તથા સ્વામી રામતીર્થના સાહિત્યથી એ અત્યંત પ્રભાવિત થયા. ગાંધીવાદ તરફ પણ એમનું પ્રબળ આકર્ષણ હતું. 1941માં તેમણે ‘ભવિતવ્ય’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. 1948–52 દરમિયાન તેઓ મધ્ય પ્રદેશ ‘ઇંટુક’ના અધ્યક્ષ રહ્યા.

એમની પહેલી નવલકથા ‘બંધનાંચ્યા પલીકડે’ (1927) વેશ્યાની છોકરીના જીવન પર આધારિત હોવાથી અને એમાં સમાજ અને જીવનમૂલ્યોની સામે પડકાર હોવાથી રૂઢિવાદી સમાજે એની આકરી ટીકા કરી. તે પછી પ્રગટ થયેલી સાત નવલકથાઓ પૈકી ‘સૂકલેલે ફૂલ’,  ‘આણિ સદાફૂલી’ (1933) – એ બે નવલકથાઓ વિશે પણ ખૂબ ખળભળાટ થયો.  તેમની અન્ય નવલકથાઓમાં ‘વિશાલ જીવન’ (1939), ‘કાળી રાણી’ (1941), ‘નવે જગ’ (1941), ‘આહુતિ’ (1959), ‘મેરીઘોષ કી ધર્મઘોષ’(1972)નો સમાવેશ થાય છે. 1933માં એમનો કાવ્યસંગ્રહ ‘નિર્માલ્યમાલા’ (1933) પ્રગટ થયો. એ સંગ્રહનાં કાવ્યોમાં વિષય તથા છંદની ર્દષ્ટિએ અનેક નવા પ્રયોગો થયા. એમનો નિબંધસંગ્રહ ‘નવી મૂલ્યે’ (1946) ચર્ચા જગાડનારો બન્યો. એ બદલાતા સાહિત્યિક માનદંડો રજૂ કરતો અને પરંપરિત માનદંડોને પડકારતો હોવાથી એની પણ ઘણી આકરી ટીકા થઈ, પણ નવી પેઢીમાં એ આવકારપાત્ર બન્યો. એમનું ‘અનામિકાચી ચિંતનિકા’ (1960) વિવિધ પ્રવાસોનું મુક્તવર્ણન છે. એ પુસ્તક માટે એમને 1962માં સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો પુરસ્કાર મળ્યો હતો. એમણે જ્ઞાનદેવના ‘અમૃતાનુભવ’ને આધારે ‘અનુભવામૃત – રસ-રહસ્ય’ (1962–65) નામથી ત્રણ ખંડમાં સરળ રીતે જ્ઞાનદેવની ચિંતનસમૃદ્ધિનો પરિચય આપ્યો છે. ‘ભારતીય સંસ્કૃતિલા આહવાન’ (1944) તથા ‘સોવિયત રશિયા આણિ હિન્દુસ્તાન’(1944)માં એમણે સમાજવાદ અને આપણું જીવનદર્શન બંનેની તુલનાત્મક સમીક્ષા કરી છે. જ્ઞાનેશ્વરનું ચરિત્ર તથા ‘ઑથેન્ટિક યોગ’ આ બે અંગ્રેજીમાં લખેલા તેમના ગ્રંથો પણ જાણીતા છે.

1952માં પૅરિસ ખાતે ભરાયેલી ‘ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ ફૉર કલ્ચરલ ફ્રીડમ’ પરિષદમાં તથા સોવિયત સંઘના તાશ્કંદ ખાતે ભરાયેલી આફ્રો-એશિયાઈ લેખક પરિષદમાં તેમણે ભારતીય પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. વિદર્ભ સાહિત્ય સંઘ જેવી સાહિત્યિક સંસ્થાઓના અધ્યક્ષ તરીકે તેમણે સેવાઓ આપી હતી. આમ, પુરુષોત્તમ દેશપાંડેની પ્રતિભા બહુમુખી હતી.

અરુંધતી દેવસ્થળે

અનુ. ચન્દ્રકાન્ત મહેતા