દેશપાંડે, પાંડુરંગ ગણેશ

March, 2016

દેશપાંડે, પાંડુરંગ ગણેશ (જ. 19 ડિસેમ્બર 1900, નારાયણગામ, જિ. પુણે; અ. 15 જૂન 2002, પણજી, ગોવા) : સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી લેખક. પિતાનું નામ ગણેશરાવ તથા માતા સરસ્વતીબાઈ. પાંડુરંગના શિક્ષણની શરૂઆત પરંપરિત રીતે થઈ. વડદાદા રામચંદ્ર માધવ દેશપાંડે પાસેથી શિક્ષણના પ્રારંભિક પાઠ શીખ્યા. પાંડુરંગે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના ચિંચોડી અને વડગામમાં મેળવ્યું. 1912માં અમદાવાદ ખાતે સ્થાનાંતર થતાં 1917 સુધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ મૅટ્રિક સુધીનું શિક્ષણ વલસાડ ખાતે પ્રાપ્ત કર્યું. ઉપરાંત સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતનો ઘનિષ્ઠ અભ્યાસ પૂરો કર્યો. 1919માં મૅટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવાતી તેમાં સમગ્ર ઇલાકામાં ચોથા ક્રમે ઉત્તીર્ણ થયેલા.

પાંડુરંગ ગણેશ દેશપાંડે

શરૂઆતનું કૉલેજ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં મેળવ્યા પછી મુંબઈનું હવામાન માફક ન આવતાં અમદાવાદ ખાતેની ગુજરાત કૉલેજમાં અભ્યાસ ચાલુ રાખ્યો. આઝાદીની લડતની અસર નીચે 1920માં સરકારી ગુજરાત કૉલેજ છોડીને મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. 1920થી 1924 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક-કક્ષાનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ દેશાટન દરમિયાન પાંડુરંગે આબુ, દિલ્હી, સિમલા, પ્રયાગ, કાશી, ડાલ્ટનગંજ, ઝરિયા, ચંદ્રનગર, દક્ષિણેશ્વર તથા જબલપુર ઇત્યાદિ સ્થળોની મુલાકાત લીધી હતી.

1925–30 સુધી પાંડુરંગ ચિંચોડીમાં સ્થિર થયા અને ઘરની ખેતીવાડી, શાહુકારી અને કોર્ટકચેરીની કામગીરી સંભાળી. 1930માં અમદાવાદ પરત આવ્યા અને ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંગત સચિવ તેમજ વિદ્યાપીઠ ગ્રંથાલયમાં ગ્રંથપાલ તરીકે સેવાઓ આપી. પાંડુરંગને આઝાદીની લડતમાં ભાગ લેવા બદલ ત્રણ માસની જેલની સખત સજા થઈ હતી. 1934 સુધી સ્વાતંત્ર્યની ચળવળના ભાગ રૂપે ભૂગર્ભપ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહ્યા. 1932માં પાંડુરંગનાં લગ્ન થયાં. 1935–49 સુધી તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષક અને ગ્રંથપાલ તરીકે સેવાઓ આપી. ત્યારબાદ 1951 સુધી નવજીવન પ્રેસમાં લેખક, અનુવાદક તથા પ્રૂફરીડર તરીકે કામગીરી કરી. 1951–55 સુધી ગાંધી સ્મારક સંગ્રહાલય(દિલ્હી)માં વ્યવસ્થાપક તરીકે જવાબદારી સંભાળી. ત્યારબાદ 1967 સુધી ભારત સરકારના ‘સંપૂર્ણ ગાંધી વાઙ્મય’ વિભાગમાં ભાષાંતરકાર, પત્રસંગ્રાહક તેમજ સંપાદક તરીકે કાર્ય કર્યું. 1967થી અંગ્રેજી–ગુજરાતી તેમજ ગુજરાતી–અંગ્રેજી શબ્દકોશ તૈયાર કરવાના કાર્યમાં વ્યસ્ત રહ્યા હતા.

તેમનાં પ્રકાશનોમાં ‘લોકમાન્ય ટિળક’ (1956), ‘ગાંધીસાહિત્યસૂચિ’ (1945), ‘આધુનિક ભારત’ (1946), ‘હિંદુસ્તાનની જાતિસંસ્થા’ (1960), ‘અંગ્રેજી–ગુજરાતી કોશ’ (1970) તથા ‘ગુજરાતી–અંગ્રેજી કોશ’ (1974) નોંધપાત્ર ગણાય છે. તેમણે બાળકો માટે 1956માં ચિત્રમય શબ્દકોશ તૈયાર કર્યો છે. 1996માં ઇંગ્લૅન્ડના ઑક્સફર્ડ પ્રેસે તેમનો અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ પુન:પ્રકાશિત કર્યો છે.

નવનીત દવે