દેવું : ચોક્કસ સમયગાળા દરમિયાન આવક કરતાં ખર્ચ વધારે થાય ત્યારે તેને પહોંચી વળવા માટે હાથ ધરવામાં આવતો એક ઉપાય. વ્યક્તિ, ખાનગી પેઢીઓ તથા સરકાર અને અન્ય જાહેર સંસ્થાઓને સંજોગોવશાત્ તેનો સહારો લેવો પડે છે.

પ્રાચીન સમયમાં દેવાને અનિષ્ટ ગણવામાં આવતું. દરેક આર્થિક ઘટકે પછી તે વ્યક્તિ હોય કે જાહેર સંસ્થા પોતાના ખર્ચનું આયોજન પોતાની આવકની મર્યાદામાં રહીને જ કરવું જોઈએ એવો સર્વસામાન્ય ખ્યાલ પ્રચલિત હતો. જાહેર અર્થતંત્રના કેટલાક પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રાજ્ય જેવી જાહેર સંસ્થા માટે ‘સમતોલ અંદાજપત્રક’(આવક જેટલું ખર્ચ)ની હિમાયત કરી હતી. અલબત્ત, તે જમાનામાં રાજ્યનાં કાર્યો ખૂબ જ મર્યાદિત હતાં. જેરિમી બેન્થામ જેવા વિચારકો તો એમ પણ માનતા કે ‘ઓછામાં ઓછું શાસન કરે તે સારામાં સારી સરકાર.’ તેથી જ રાજ્યનો દરજ્જો ‘પોલીસ સ્ટેટ’ નો હતો. રાજ્ય માત્ર ફરજિયાત કાર્યો જ કરતું; જેમાં મુખ્યત્વે સંરક્ષણ, આંતરિક શાંતિ અને સુવ્યવસ્થા તથા ન્યાયપાલિકાની સંરચનાનો સમાવેશ થતો હતો. પરંતુ હવે રાજ્ય એ કલ્યાણલક્ષી સંસ્થા બની છે જેને પરિણામે તેનાં કાર્યોનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવા બદલાયેલા સંજોગોમાં રાજ્ય અને જાહેર સંસ્થાઓ સમતોલ અંદાજપત્રકના સિદ્ધાંતને વળગી રહી શકે તેમ નથી; તેથી જ્યારે પણ રાજ્યનો અનિવાર્ય ખર્ચ વધારે થાય છે ત્યારે તેને પહોંચી વળવા માટે જાહેર સંસ્થાઓ દેવાનો આશ્રય લેતી હોય છે. કેટલાક આધુનિક અર્થશાસ્ત્રીઓ તો એમ પણ માને છે કે દેવું અનિષ્ટ છે એ વિચારસરણી જ ભૂલભરેલી છે. અનિવાર્ય સંજોગોમાં, જ્યારે દેશ પર આક્રમણ થયું હોય, આંતરિક શાંતિ અને સુવ્યવસ્થા જોખમાઈ હોય, પ્રજા પ્રાકૃતિક આપત્તિઓ તળે પીડાતી હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે રાજ્યે દેવું કરીને પણ રાષ્ટ્રનું અને પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. રાજ્ય આર્થિક વૃદ્ધિ અને વિકાસ માટે દેવું કરે તો તે અનિષ્ટ નહિ પરંતુ લાંબે ગાળે કલ્યાણકારી નીવડી શકે છે. જે રાજ્ય માટે ઇષ્ટ છે તે વ્યક્તિ માટે પણ અમુક સંજોગોમાં ઇષ્ટ સાબિત થઈ શકે છે. દા.ત., બાળકોના શિક્ષણ માટે , કૌટુંબિક સ્વાસ્થ્ય અને આરોગ્યના રક્ષણ માટે, કુટુંબના સભ્યોના સર્વસામાન્ય કલ્યાણ માટે કે મૂડીરોકાણ દ્વારા ભવિષ્યમાં નફો કમાવાના હેતુ માટે વ્યક્તિ દેવું કરે તો તે ઇષ્ટ જ ગણવું જોઈએ. આધુનિક જમાનામાં દરેક દેશમાં આવી ખાનગી અને રાજ્યપ્રેરિત નાણાં સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે જે વિવિધ હેતુઓ માટે ધિરાણ આપે છે, ધિરાણ લેવા લોકોને પ્રોત્સાહિત કરે છે અને તે દ્વારા વ્યક્તિ અને સમાજ બંનેના આર્થિક કલ્યાણમાં સહભાગી બને છે. માત્ર અનુત્પાદકીય દેવું જ અનિષ્ટ ગણાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે