દેવલ, ચંદ્રપ્રકાશ

March, 2016

દેવલ, ચંદ્રપ્રકાશ (જ. 14 ઑગસ્ટ 1949, ગોટિયા, રાજસ્થાન) : પ્રખ્યાત રાજસ્થાની તથા હિન્દી કવિ અને વાર્તાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગી’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. ‘માર્ગ’, ‘કાપડ’, ‘ટૉપનામા’, ‘ઉદીક પુરાણ’ એમના રાજસ્થાની ભાષાના કાવ્યસંગ્રહો છે. ‘બોલો માધવી’ એમનો હિન્દી કાવ્યસંગ્રહ છે જેને મીરા ઍવૉર્ડ મળ્યો છે. ભારતીય ભાષા પરિષદ સન્માન એમને મળ્યું છે. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ભાષાંતર ઍવૉર્ડ મળ્યો છે. 2013માં એમને કે.કે. બિરલા ફાઉન્ડેશનનો ત્રેવીસમો બિહારી પુરસ્કાર એનાયત થયો. કેન્દ્ર-સરકારે 2011માં ‘પદ્મશ્રી’ એનાયત કરીને એમની સાહિત્યસેવાનું સન્માન કર્યું છે. 2009માં માતૃશ્રી કમલા ગોયેન્કા રાજસ્થાની સાહિત્ય સન્માન પ્રાપ્ત થયું છે. ‘ઝુરાપો’ રાજસ્થાની કવિતાનું સંકલન છે.

1973માં તેમણે જોધપુર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં એમ.એસસી.ની ડિગ્રી મેળવી. હાલ તેઓ જીવરસાયણશાસ્ત્રમાં સંશોધન કરે છે. 1975થી તેઓ અજમેરની જે. એન. એલ. મેડિકલ કૉલેજમાં જીવરસાયણશાસ્ત્ર વિભાગમાં રસાયણવિજ્ઞાની તરીકે કામગીરી કરે છે.

લગભગ 1965થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું અને તેમનાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ સંખ્યાબંધ રાજસ્થાની અને હિંદી સામયિકોમાં પ્રગટ થયાં છે. તે પૈકી કેટલાંકનો અનુવાદ અંગ્રેજીમાં થયો છે. એમણે ઉપનિષદોના અનુવાદ કર્યા છે. એમણે ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’, ‘વેઇટિંગ ફૉર ગોદ્દો’નો અનુવાદ કર્યો; વળી ભારતીય ભાષામાં મહત્વના કવિઓનાં કાવ્યોના અનુવાદો કર્યા છે.

સૂર્યમલ્લના મહાકાવ્ય ‘વંશ ભાસ્કર’નો અનુવાદ એમનું મહત્વનું કામ છે.

પુરસ્કૃત કૃતિ ‘પાગી’ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. આ કૃતિ ભાષા પરના પ્રભુત્વ, નિરૂપિત મનોવેદના અને તીવ્ર ભાવના તથા પરિપક્વ શૈલીને કારણે રાજસ્થાની સાહિત્યમાં મહત્વનું સ્થાન પામી છે.

બળદેવભાઈ કનીજિયા