દૂરબીન (Telescope) : દૂરની વસ્તુ નજીક દેખાય તે માટેનું સાધન. દૂરની વસ્તુનું પ્રતિબિંબ મેળવી તેનું આવર્ધન (magnification) કરવાથી આવું બની શકે છે. ફક્ત સુપરિચિત તારાઓ અને ગ્રહોનો જ અભ્યાસ નહિ, પરંતુ અન્ય અનેક અવકાશી પિંડ, જે દૂરબીન વગર જોઈ શકાતા નથી તેમનો અભ્યાસ પણ ખગોળવેત્તા માટે આ સાધનને કારણે શક્ય બન્યો છે, આમ દૂરબીન એ ખગોળવેત્તા માટે એક ઘણું જ ઉપયોગી સાધન છે, જે આકૃતિમાં દર્શાવેલ છે :

વક્રતાકારક દૂરબીન
(1) વસ્તુકાચ, (2) નેત્રકાચ, (3) સ્થાપન, (4) સ્ટૅન્ડ, (5) સંતુલનભાર.

દૂરબીન મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (1) પરાવર્તક (reflecting), (2) વક્રતાકારક (refracting). વક્રતાકારક દૂરબીનની શોધ પ્રથમ થઈ હતી. એક સાદા વક્રતાકારક દૂરબીનની રચનામાં એક નળીને એક છેડે વસ્તુકાચ (object lens) તરીકે ઓળખાતો એક મોટો બહિર્ગોળ (convex) લેન્સ હોય છે. બીજે છેડે નેત્રકાચ (eyepiece) તરીકે ઓળખાતો એક નાનો બહિર્ગોળ લેન્સ હોય છે. વસ્તુ ઉપરથી આવી રહેલાં પ્રકાશકિરણોને વસ્તુકાચ એકત્રિત કરી, નળીમાં તેનું ઊલટું પ્રતિબિંબ (inverted image) ઉત્પન્ન કરે છે, જેને નેત્રકાચ આવર્ધિત કરે છે. વસ્તુકાચ તથા નેત્રકાચ વચ્ચેના અંતરની યોગ્ય ગોઠવણી કરી, સ્પષ્ટ (sharp) પ્રતિબિંબ મેળવવામાં આવે છે, જેને ‘ફોકસિંગ’ કહે છે. આવાં દૂરબીનમાં વસ્તુનું ઊલટું પ્રતિબિંબ (upside down image) જોવા મળે છે. પણ ખગોલીય વસ્તુઓ જોવા માટે ખગોળવેત્તાને તેનાથી કોઈ તકલીફ થતી નથી. વસ્તુનું પ્રતિબિંબ સીધું (erect) દેખાય તે માટે દૂરબીનમાં એક બીજો લેન્સ ગોઠવવાની આવશ્યકતા રહે છે. આવા દૂરબીનને ભૂમીય દૂરબીન (terrestrial telescope) કહે છે.

વક્રતાકારક દૂરબીનમાં એક મોટો ગેરફાયદો એ છે કે જ્યારે પ્રકાશ લેન્સમાંથી પસાર થાય ત્યારે વિકૃતિ (distortion) ઉદભવે છે. 1663માં  જેમ્સ ગ્રેગરીએ લેન્સને બદલે અરીસા વાપરવાનું સૂચન કર્યું. 1668માં સર આઇઝેક ન્યૂટને સૌપ્રથમ સંતોષકારક પરાવર્તક દૂરબીન બનાવ્યું.

પરાવર્તક દૂરબીનમાં એક છેડે મોટો અંતર્ગોળ અરીસો (concave mirror) રાખવામાં આવ્યો, જે વસ્તુ ઉપરથી આવતા પ્રકાશને એકત્રિત કરી, નળીને બીજે છેડે રાખેલા સાદા અરીસા ઉપરથી તેને પરાવર્તિત કરે. આ સાદો અરીસો, પ્રકાશને નળીની બાજુમાંથી પરાવર્તિત કરી નેત્રકાચ નજીક પ્રતિબિંબ ઉત્પન્ન કરે છે, જે તેનું આવર્ધન કરે છે. વક્રતાકારક દૂરબીન કરતાં પરાવર્તક દૂરબીનમાં થોડાક ઓછા ગેરફાયદા હોય છે; કારણ કે પ્રકાશને વસ્તુકાચમાંથી પસાર થવું પડતું નથી. આજે ઘણીબધી વેધશાળાઓમાં ઉપયોગમાં લેવાતાં મોટાં દૂરબીન પરાવર્તક પ્રકારનાં હોય છે.

કેટલીક વેધશાળામાં ખગોળશાસ્ત્રી રેડિયો-દૂરબીનનો ઉપયોગ કરે છે, જે વાસ્તવમાં દૂરબીન નથી હોતું પરંતુ રેડિયોનું એક મોટું એરિયલ હોય છે.

એરચ મા. બલસારા