દિવેટિયા, ક્ષેમેન્દ્ર વીરમિત્ર (ક્ષેમુ)

March, 2016

દિવેટિયા, ક્ષેમેન્દ્ર વીરમિત્ર (ક્ષેમુ) (જ. 1 ઑક્ટોબર 1924, અમદાવાદ; અ. 30 જુલાઈ 2009, અમદાવાદ) : ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી સ્વરકાર તથા ગાયક કલાકાર. અંગત વર્તુળમાં ‘ક્ષેમુ’ નામથી લોકપ્રિય. પિતા અમદાવાદની ગુજરાત કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તથા ગુજરાત સંગીત મંડળના આદ્યસ્થાપક હતા. માતાનું નામ સરયૂબા. ગુજરાત કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર તથા ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી (1946). તેમને ક્રિકેટનો ભારે શોખ. ગુજરાત કૉલેજની ક્રિકેટ ટીમમાં સતત પાંચ વર્ષ (1941–1946) જાણીતા ટેસ્ટ ખેલાડી જશુ પટેલના સુકાનીપદે રમ્યા. ત્યારબાદ એન્ટરટેનર્સ ક્રિકેટ ક્લબની સ્થાપના કરી. તેના નેજા હેઠળ બીજાં આઠ વર્ષ (1947–55) ક્રિકેટ રમ્યા. 1955–56માં આકાશવાણી પર સૌપ્રથમ વાર ક્રિકેટ મૅચોનો આંખે દેખ્યો અહેવાલ (ક્રિકેટ કૉમેન્ટ્રી) રજૂ કર્યો.

ક્ષેમેન્દ્ર વીરમિત્ર દિવેટિયા

નાનપણથી શાસ્ત્રીય સંગીત પ્રત્યે લગાવ. શરૂઆતમાં જયસુખલાલ ભોજક પાસે તાલીમ લીધી (1934–40). કૉલેજશિક્ષણ પૂરું થયા બાદ પ્રથમ હમીદ હુસેનખાંસાહેબ પાસે (1942–44) અને ત્યારબાદ વી. આર. આઠવલે પાસેથી (1948–50) શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. અમદાવાદની ‘રંગમંડળ’ નાટ્યસંસ્થાને કારણે તથા આકાશવાણીને કારણે સ્વરરચનાની શરૂઆત કરી. 1962માં સુગમ સંગીતને વરેલી અમદાવાદ ખાતેની ‘શ્રુતિ’ સંસ્થામાં જોડાયા. આ સંસ્થા સાથેનો તેમનો સંબંધ લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો. ઉપરાંત અમદાવાદ ખાતેની શાસ્ત્રીય સંગીતને વરેલી ‘આલાપ’, સુગમસંગીતને વરેલી ‘શ્રવણમાધુરી’ અને ‘સ્પંદન’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી નૃત્યસંસ્થા ‘કદંબ’, રાસ-ગરબાની પ્રવૃત્તિઓ કરતી ‘નૂપુરઝંકાર’ અને ‘વેણુનાદ’ જેવી સંસ્થાઓ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા હતા. આકાશવાણી અમદાવાદના ઉપક્રમે તેમણે અનેક સંગીત-રૂપકોનું આયોજન કર્યું હતું. સાથોસાથ આકાશવાણી પર તથા પત્ની સુધાબહેન દિવેટિયા સાથે સુગમસંગીતના અનેક કાર્યક્રમોનું જાહેરમાં આયોજન કર્યું (1951–84). ગુજરાત રાજ્ય યુવકસેવા તથા સાંસ્કૃતિક વિભાગ તરફથી તેમણે સતત દસ વર્ષ સુધી સુગમસંગીતનાં સંમેલનોનું આયોજન અને સંચાલન કરેલું. ગુજરાત રાજ્ય ગુજરાતી ચલચિત્ર કરમુક્તિ સમિતિ તેમજ ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના સભ્યપદે તેમણે સેવાઓ આપી હતી. ‘રંગમંડળ’ નાટ્યસંસ્થા; ભારતીય નાટકસંઘ; આઇ.એન.ટી. (મુંબઈ); ‘ત્રિવેણી’ વડોદરા તથા અમદાવાદની ‘દર્પણ’ સંસ્થા દ્વારા રજૂ થયેલ કુલ 19 નાટકોમાં તથા નૃત્યનાટિકાઓમાં અન્ય સાથે સ્વરનિયોજન કરેલું. 1986થી ઘણાં વર્ષો સુધી આકાશવાણીના દિલ્હી ખાતેના સંગીત ઑડિશન બૉર્ડના તથા આકાશવાણી અમદાવાદના સ્થાનિક ઑડિશન બૉર્ડના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપેલી.

તેમના દ્વારા સ્વરનિયોજન કરેલાં ગીતોની રેકર્ડ હિઝ માસ્ટર્સ વૉઇસ (HMV) દ્વારા ઉતારવામાં આવી છે તથા ગીત, ગરબા, ભજન અને ગઝલોની કૅસેટો પણ અન્યત્ર ઉતારવામાં આવી છે; જેમાં 1984માં તૈયાર થયેલ ‘સંગીતસુધા’ શીર્ષક હેઠળની કૅસેટો વિશેષ નોંધપાત્ર છે. તેઓ આકાશવાણી, અમદાવાદના માન્યતાપ્રાપ્ત સ્વરનિયોજક (Approved composer) છે, જેની મારફત તેમણે ઘણા સંગીત-કાર્યક્રમો રજૂ કર્યા હતા.

તેમણે દેશવિદેશમાં જે અનેક સંગીતકાર્યક્રમો રજૂ કર્યા હતા તેમાં મુખ્ય કાર્યક્રમો આ પ્રમાણે છે : 1961માં અમદાવાદના રાજભવન ખાતે બ્રિટનનાં મહારાણી એલિઝાબેથની મુલાકાત દરમિયાન પંડિત જવાહરલાલ નહેરુની ઉપસ્થિતિમાં સુગમ સંગીતનો વિશેષકાર્યક્રમ; 1965માં શ્રીલંકાના પાટનગર કોલંબો ખાતે રજૂ થયેલ કાર્યક્રમ, જ્યાં તેમનું ગુજરાતી સમાજ દ્વારા જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું; 1966માં ભારતીય વિદ્યાભવન, મુંબઈ ખાતે; 1968માં પાટકર હૉલ, મુંબઈ ખાતે તથા 1970માં ભાઈદાસ હૉલ, મુંબઈ ખાતે ‘આ માસનાં ગીતો’ શીર્ષક હેઠળ જાહેર કાર્યક્રમ; ઉપરાંત, ગાંધીશતાબ્દી દરમિયાન ગુજરાતમાં જુદા જુદા ઠેકાણે ગાંધીગીતોના કાર્યક્રમો (1969); દિલ્હી ખાતે ભારતની જુદી જુદી ભાષાઓમાંથી ખાસ પસંદ કરેલાં ગીતોનો ‘ભારત કી ઝાંકી’ શીર્ષક હેઠળ કાર્યક્રમ (1968); 1965ના પ્રજાસત્તાક દિને દિલ્હીના નૅશનલ સ્ટેડિયમ પર સમૂહ-સંગીત કાર્યક્રમ.

તેમને મળેલા ઍવૉર્ડોમાં ગુજરાતી ચલચિત્ર ‘કાશીનો દીકરો’માં સર્વશ્રેષ્ઠ સંગીતકારનો ઍવૉર્ડ; વડોદરાની ‘ત્રિવેણી’ સંસ્થા દ્વારા સુગમ સંગીતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ માટેનો ઍવૉર્ડ (1979) તથા 1988માં ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારનો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે