દાંત કચકચાવવા (bruxism) : રાતના ઊંઘમાં દાંતને એકબીજા જોડે ઘસવાની ક્રિયા. જે વ્યક્તિને તે થતું હોય તેને માટે તે ખાસ મહત્વનું લક્ષણ (symptom) હોતું નથી; પરંતુ તેની સાથે સૂનારને તે ક્યારેક અકળાવે છે. સામાન્ય રીતે મનાય છે કે બાળકોમાં તેનું મુખ્ય કારણ આંતરડામાંનાં કૃમિ છે – ખાસ કરીને ઑક્ઝયુરિસ વર્મિક્યુલારિસ. નિદાન માટેની મળની ચકાસણી કરવાથી તે કૃમિ કે તેનાં ઈંડાં દર્શાવી શકાય છે. આવી કોઈ તપાસ ભાગ્યે જ કરાવાય છે. તેને કારણે દાંતના મૂળ પર આવેલું ર્દઢબંધક (cementum) નામનું આવરણ જાડું થાય છે. તેને અતિર્દઢબંધકતા (hypercementosis) કહે છે. ઘણી વખત સહેજ જાગ્રત થયેલી વ્યક્તિ પાસું ફેરવે ત્યારે પણ બે જડબાં એકબીજા સાથે ઘસાવાથી આવો અવાજ થાય છે.

ક્યારેક તે ઉગ્ર કે દીર્ઘકાલી મનોવિકારનું લક્ષણ હોઈ શકે છે. ખાસ કરીને તકલીફ આપે એવાં સ્વપ્નો જોવાય ત્યારે દાંત કચકચાવવાનું લક્ષણ થઈ આવે છે. જો લાગણીજન્ય કે પરિસ્થિતિજન્ય લક્ષણ રૂપે દાંત કચકચાવવાનું થતું હોય તો તે સૂચવે છે કે બાળક તેનો ઉશ્કેરાટ શમાવી શકતું નથી. માનસિક ઊણપ (mental deficiency) કે બેભાન અવસ્થા કરતા રોગો(દા.ત., તાનિકાશોથ, meningitis)માં દાંત કચકચાવવાનું લક્ષણ ઘણી વખત જોવા મળે છે. ઉપચાર રૂપે કૃમિની સારવાર કરવાનું તથા બાળકના વાતાવરણમાં સુધારો કરવાનું સૂચવાય છે. આ ઉપરાંત બાળકને અન્ય કોઈ મહત્ત્વના મનોવિકાર કે રોગ નથી તે પણ જોઈ લેવાય છે.

શિલીન નં. શુકલ