દવે, પ્રશાંત (સાંઈરામ)

March, 2016

દવે, પ્રશાંત (સાંઈરામ) (જ. 7 ફેબ્રુઆરી 1977, જામનગર) : ગુજરાતી લોકસંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રે જાણીતા બનેલા કલાકાર અને રાષ્ટ્રભક્ત કવિ. સંગીત અને શિક્ષણનો વારસો પિતા પાસેથી મળ્યો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવા માગતા આ કલાકારે વર્ષ 1997માં લોકકલાક્ષેત્રે પદાર્પણ કર્યું અને 31 વર્ષની ઉંમરે 31 જેટલા વિષયો પર હાસ્ય અને લોકસાહિત્યના ઑડિયો-વીડિયો આલબમો આપ્યાં. વર્ષ 2000માં આકાશવાણી, રાજકોટના બી હાઈ ગ્રેડના વાર્તાકાર તરીકે માન્યતા મેળવી. તેમની ‘ચમન બનેગા કરોડપતિ’ કૅસેટે રાજ્યભરમાં લોકપ્રિયતા મેળવી છે. રાજ્યનાં જુદાં જુદાં નગરો ઉપરાંત દુબઈ, લંડન, કૅન્યા, મસ્કત, ટાન્ઝાનિયા તથા અબુધાબીનો સાંસ્કૃતિક પ્રવાસ ખેડ્યો. તેમણે ચારણી સાહિત્યના પ્રસ્તુતીકરણમાં પણ નિપુણતા મેળવી છે.

કાવ્યરચનાના ક્ષેત્રે તેમણે ‘ગુજરાત ચાલીસા’ ઉપરાંત ગુજરાતની ગૌરવગાથાનાં 51 ઉપરાંત ગીતો લખ્યાં છે. તેમનાં કાવ્યોમાં કન્યાકેળવણી, સ્ત્રીભ્રૂણ-હત્યા, એઇડ્સ, ઉત્તરાયણ, પર્યાવરણ, નર્મદા જેવા વિષયો જોવા મળે છે. તેમણે નર્મદા પર ગીતો રચવા ઉપરાંત બાળગીતો પણ રચ્યાં છે. ‘સાંઈરામના હસતા અક્ષર’ આ તેમનો હાસ્ય-દર્દ તથા દેશભક્તિથી સભર સર્વપ્રથમ કાવ્યસંગ્રહ છે. ઇન્ટરનેટ દ્વારા હાસ્ય અને ગુજરાતી લોકસાહિત્યને વિશ્વકક્ષાએ મૂકવાનો તેમણે પ્રયાસ કર્યો છે. તેવી જ રીતે ગુજરાતના યુવાવર્ગમાં પણ લોકસાહિત્ય અને સંગીતનો પ્રચાર-પ્રસાર થાય તેવા તેમના પ્રયાસો છે. તેમણે તથા તેમના પિતાશ્રીએ સાથે તૈયાર કરેલ ‘સત્તાવનથી સુભાષ’ એવા શીર્ષક હેઠળનું મહાનાટક ખૂબ લોકપ્રિય બન્યું છે. વ્યવસાયે તેઓ પ્રાથમિક શાળાના આચાર્ય છે.

વર્ષ 2006–07 માટે પ્રશાંત દવે અને તેમના પિતા વિષ્ણુપ્રસાદ દવેને ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી સંયુક્ત રીતે સન્માન્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે