દલાલ, ચંદુલાલ ભગુભાઈ

March, 2016

દલાલ, ચંદુલાલ ભગુભાઈ (જ. 6 નવેમ્બર 1899, ધ્રાંગધ્રા; અ. 2 માર્ચ 1980, અમદાવાદ) : ગુજરાતના એક સ્વાતંત્ર્યસૈનિક, ગાંધીવાદી સમાજસેવક, સંનિષ્ઠ વહીવટદાર, લેખક, સંપાદક.

મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ 1922–25 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના વાણિજ્ય વિદ્યામંદિરમાં અધ્યાપનકાર્ય કર્યું. 1927માં તેઓ અમદાવાદ નગરપાલિકામાં હિસાબનીસ તરીકે જોડાયા, જ્યાં ઑડિટર તરીકે તેમને બઢતી આપવામાં આવી. ચંદુલાલ 1936માં લંડન ગયા અને લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં ડિપ્લોમા ઇન પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન(D.P.A.)નો બે વર્ષનો અભ્યાસક્રમ એક વર્ષમાં પૂરો કર્યો. અમદાવાદ નગરપાલિકામાં 1947માં તેઓ ચીફ ઑફિસર બન્યા. 1952માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની રચના થઈ ત્યારે તેમને ચીફ ઑડિટરના હોદ્દા પર નીમવામાં આવ્યા. નગરપાલિકાના સેવાકાળ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની આજ્ઞાથી 1950–51માં નવ માસ સુધી આસામના ધરતીકંપ માટે મળેલ રાહતફાળાના હિસાબી કાર્યની સંપૂર્ણ ચોકસાઈપૂર્વક જવાબદારી બજાવી, જે માટે આસામની સરકારે તેમનું બહુમાન કર્યું. 1957માં મ્યુનિસિપલ કૉર્પોરેશનમાંથી નિવૃત્ત થયા બાદ, સાબરમતી આશ્રમના ગાંધી સ્મારકનિધિના સંગ્રહાલયના નિયામક તરીકે સેવા આપી. સવિનય કાનૂનભંગની ચળવળ(1930–32)માં ભાગ લેવાને કારણે તેમણે બે વાર જેલની સજા ભોગવેલી. 1942ની ‘હિંદ છોડો’ લડતમાં મ્યુનિસિપાલિટીના નોકરોની હડતાળમાં આગેવાની લેવાને કારણે તેમની હિંદ સંરક્ષણ ધારા હેઠળ ધરપકડ કરી નવ માસની કેદની સજા અને રૂ. 250 દંડ કરવામાં આવ્યો હતો.

ચોકસાઈ, નિષ્ઠા, પ્રામાણિકતા અને સાદાઈ તેમના મુખ્ય ગુણ હતા. નોકરી દરમિયાન તેમણે સંપૂર્ણ વફાદારી અને કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી. તેઓ મક્કમતાથી નિયમોનું પાલન કરાવતા હતા.

નરહરિભાઈ પરીખના અવસાનથી અધૂરું રહેલું મહાદેવભાઈની ડાયરીના ભાગ 7થી 19ના સંપાદનનું અતિકઠણ તથા મહત્વનું કાર્ય તેમણે ગાંધીજી પ્રત્યેના ભક્તિભાવ તથા આદરથી પૂરું કરીને નોંધપાત્ર સેવા કરી છે. તે ભાગોની પાદટીપોમાં અનેક ઉપયોગી નોંધો મૂકી છે. તેમણે ‘ગાંધીજીની દિનવારી’ ગુજરાતી તથા અંગ્રેજીમાં તૈયાર કરવાનું  મહત્વનું કાર્ય કર્યું. તેમના અન્ય ગ્રંથોમાં સામાજિક નવલકથા ‘માશી ભાણેજ’ (1948), ‘દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન’ (1956), ‘ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત’ (1957થી 1959) પાંચ ભાગમાં, ‘રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો’ (1962), ‘હરિલાલ ગાંધી’ (1979) ગુજરાતી તથા હિંદીમાં, ‘વ્યાપારી ભૂગોળ’ (1934), ‘આંકડાશાસ્ત્રનાં મૂળતત્વો’ (1935) તથા ‘સ્વ.મહાદેવભાઈ દેસાઈ : સ્મૃતિચિત્રો’ (1983, મરણોત્તર)નો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે