દલવાડી, પૂજાલાલ રણછોડદાસ

March, 2016

દલવાડી, પૂજાલાલ રણછોડદાસ (જ. 17 જૂન 1901, ગોધરા; અ. ૨7 ડિસેમ્બર 1985) : ગુજરાતી કવિ. 1918માં મૅટ્રિક થઈ ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો હતો. થોડો સમય વ્યાયામ-શિક્ષક તરીકે પણ કાર્ય કરેલું. શ્રી અરવિંદના પ્રબળ આકર્ષણને કારણે પછીથી તે પોંડિચેરી-આશ્રમના નિવાસી બન્યા હતા. એમની કવિતા ઉપર બલવંતરાયની રચનારીતિનો પ્રબળ પ્રભાવ છે. મુક્તકો અને દીર્ઘ કાવ્યો એમણે લખ્યાં છે, પરંતુ એમનો પ્રિય સાહિત્યપ્રકાર તો સૉનેટ છે.

પૂજાલાલ

1938માં ‘પારિજાત’ નામનો સંસ્કૃતિનિરૂપણરીતિની અસર ઝીલતો કાવ્યસંગ્રહ એમણે પ્રગટ કર્યો હતો. એમાં પણ અધ્યાત્મભાવનું અને સૉનેટ-પ્રકાર પરત્વેનું એમનું આકર્ષણ સ્પષ્ટ વરતાતું હતું. ‘પ્રભાતગીત’ (1947), ‘શ્રી અરવિંદવંદના’ (1951), અને એ પછી પણ ‘સાવિત્રી-પ્રશસ્તિ’(1976)માં અરવિંદપ્રશસ્તિનાં કાવ્યો આપનાર આ કવિએ ‘જપમાળા’, ‘ઊર્મિમાળા’, ‘ગીતિકા’, ‘શુભાક્ષરી’, ‘આરાધિકા’, ‘મા ભગવતી’નાં કાવ્યોનો સંયુક્ત સંચય ‘મહાભગવતી (1977) પ્રગટ કર્યો હતો. આ ઉપરાંત બાળકો અને કિશોરો માટેના ‘બાલગુંજાર’ (1945), ‘કાવ્યકિશોરી’ (1946), ‘ગીતમંજરી’ (1952), ‘બાલબંસરી’ (1960) (ચારેનો સંયુક્ત સંગ્રહ ‘બાલગુર્જરી’ – 1980) તેમજ ‘કિશોરકાવ્યો’ (1979), ‘કિશોરકુંજ’ (1979), ‘કિશોરકાનન’ (1979); અને ‘કિશોરકેસરી’ (1979)ના સંગ્રહો આપ્યા હતા. 1959માં પ્રગટ થયેલો એમનો સૉનેટ-સંગ્રહ ‘ગુર્જરી’, બલવંતરાયની અર્થાનુસારી પ્રવાહી પદ્યરચનાનો આશ્રય લે છે. આઠમા દાયકામાં અધ્યાત્મ અને વીરભાવનાં મુક્તકો-દુહાઓના એમના સંગ્રહો છે ‘મુક્તાવલી’ (1978), ‘શુક્તિકા’ (1979) અને ‘દુહાવલી’ (1980). એમાં એમની લાઘવયુક્ત અભિવ્યક્તિનો પરિચય મળે છે. એ પૂર્વે અને પછી પણ ‘વૈજયન્તી’(1962)થી આરંભી ‘દુ:ખગાથા’ (1983) સુધીના છએક કાવ્યસંગ્રહોમાં એમણે રાષ્ટ્રપ્રેમ અને અધ્યાત્મભાવની અભિવ્યક્તિ ગીતો અને છંદોબદ્ધ કાવ્યોમાં કરી છે. ભક્ત-માહત્મ્યનાં પણ કેટલાંક કાવ્યો આપ્યાં છે. ‘મીરાંબાઈ’ (1980) બાળકો માટે રચેલી એમની ગીતનાટિકા છે.

આ કવિનાં પ્રકૃતિ અને દેશભક્તિનાં કેટલાંક કાવ્યો સુંદર છે. અધ્યાત્મભાવ એમના વ્યક્તિત્વમાં વણાઈ ગયેલો છે. ચિંતનનો તંતુ પણ સારી પેઠે વણાયેલો છે. એમની વાણી પક્વ અને શિષ્ટ છે. ‘પ્રિયા કવિતાને’ એ એમનું સુપ્રસિદ્ધ કાવ્ય પૃથ્વી છંદની છટા અને મનોહર કલ્પનાલીલાથી સહુને આકર્ષી ગયેલું. કવિને છંદો પર સારી હથોટી છે. ‘છંદપ્રવેશ’(1979)માં એમણે છંદોનો પરિચય આપ્યો છે. ઉપરાંત ‘સાવિત્રીસારસંહિતા’ (1976) ‘શ્રી અરવિંદનું જીવનદર્શન અને કાર્ય’ વગેરે ગદ્યગ્રંથો પણ એમણે આપ્યા છે. ‘સાવિત્રી’ ભાગ 1થી 6, ‘મેઘદૂત’ (1980) વગેરે પદ્યાનુવાદના તો ‘માતાજીની શબ્દસુધા’ (1972) વગેરે એમના ગદ્યાનુવાદના ગ્રંથો છે. તેમણે સંસ્કૃત તેમજ અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો આપ્યા છે.

ચિમનલાલ ત્રિવેદી