થેબિત : ટેલિસ્કોપ વડે ચંદ્રને નિહાળતાં જોવા મળતો એક ગર્ત (crater). ચંદ્રની સપાટી ઉપર ‘મેર નુબિયમ’ નામનો સમતલ વિસ્તાર આવેલો છે. તેની જમણી તરફ ‘સીધી દીવાલ’ (Straight Wall) તરીકે ઓળખાતી વિખ્યાત રચના આવેલી છે. આ દીવાલની જમણી તરફ ચંદ્રની નૈર્ઋત્યે થેબિત આવેલો છે. તેનું ચોક્કસ સ્થાન 22° દક્ષિણ અને 4° પશ્ચિમ રેખાંશ પર છે.

થેબિત

થેબિત વાસ્તવમાં એક નહિ પણ ત્રણ ગર્તનું સંયોજન છે અને તે 60 કિમી.નો વ્યાસ ધરાવે છે. સીધી દીવાલ તરફની દિશામાં આવેલા ગર્તને એક બીજો ગર્ત થેબિત A છેદે છે. તે જ દિશામાં થેબિત Aને અન્ય એક ગર્ત છેદે છે, જેને થેબિત F કહે છે. આમ તે ત્રણ ગર્તનું સંયોજન છે. ચંદ્ર ઉપર ઉલ્કા કે ધૂમકેતુ ખાબકવાથી ગર્તની રચના થઈ હશે; પરંતુ એકબીજાને છેદતા ત્રણ ગર્ત કેવી રીતે રચાયા હશે તે એક પ્રશ્ન છે. આ વિસ્તારમાં ખાબકતી વખતે ટુકડા થઈ ગયેલી ઉલ્કા કે ધૂમકેતુના ટુકડા થોડા થોડા સમયાંતરે પડ્યા હોવા જોઈએ. પ્રથમ ખાબકેલા ટુકડા વડે થેબિત રચાયો હશે, જ્યારે પછીથી ખાબકેલા ટુકડાઓથી થેબિત A અને  થેબિત F રચાયા હશે.

અશોકભાઈ પટેલ