થિયેટર : રંગભૂમિ, એટલે કે મંચન માટેનું સ્થળ, તખ્તો કે રંગમંચ, પ્રેક્ષકોને બેસવા માટેની જગ્યા – પ્રેક્ષાગાર કે પ્રેક્ષકગૃહ, રંગવેશભૂષા કરવા અને સંગીત પ્રકાશ માટેનાં સાધનો પ્રયોજવા માટેનું નેપથ્ય, સન્નિવેશ તૈયાર કરવા અને એને સંઘરવા માટેના ખંડો, ટિકિટબારી, વાહનો માટેની જગ્યા, નાટ્યપ્રસ્તુતિની જાહેરાતો વગેરે નાટ્ય-રજૂઆત સાથે સંકળાયેલી અને એ માટે જરૂરી બનેલી સગવડો ધરાવતી ઇમારત. મૂળ ગ્રીક શબ્દ ‘થિયેટ્રોન’ એટલે તો પર્વતઢોળાવે ‘પ્રેક્ષકોને બેસવાની જગ્યા’ જ માત્ર; પણ એમાંથી વિકસેલા ‘થિયેટર’ શબ્દમાં એક છાપરા નીચે સઘળા નાટ્યપ્રસ્તુતિ-પ્રકારોની તૈયારી અને પ્રસ્તુતિ માટેની સર્વ સવલતોનો સમાવેશ થાય છે. જોકે નાટ્યપ્રસ્તુતિના બે હજાર વર્ષોના ઇતિહાસમાં ‘થિયેટર’ શબ્દનો વિવિધ સંદર્ભે ઉપયોગ થતો રહ્યો અને એ આવો અર્થવિકાસ પામ્યો છે : થિયેટર એટલે ઇમારત (‘પૃથ્વી થિયેટર’), નાટ્યજૂથ (‘ઇન્ડિયન નૅશનલ થિયેટર’), કોઈ નટ, લેખક કે દિગ્દર્શક(જેવી ભૂમિકાઓ)નું થિયેટર (દા. ત., ‘ચંદ્રવદન મહેતાનું થિયેટર’ એટલે એમનાં નાટકો, ‘‘જયશંકર ‘સુંદરી’નું થિયેટર’’ એટલે એમણે ભજવેલાં પાત્રો, ‘જશવંત ઠાકરનું થિયેટર’ એટલે એમનાં દિગ્દર્શિત નાટકો), કોઈ નાટ્યપ્રવાહ કે વિચારધારાનું થિયેટર (એપિક, ઍબ્સર્ડ થિયેટર), સ્થળવિશેષનું સૂચન (‘શેરી થિયેટર’) વગેરે.

પ્રારંભે ગ્રીસમાં અર્ધગોળાકારે આવેલા પર્વતોના ઢોળાવે બેઠેલા બહુસંખ્ય પ્રેક્ષકો સામે વચ્ચેની સપાટ જગ્યામાં નટો અભિનય કરતા, ‘ઑરકેસ્ટ્રા’ની બાજુમાં લાકડાનાં ઝૂંપડાં(skene)માં નટો વેશ બદલે, (skene પરથી ર્દશ્ય માટેનો scene શબ્દ બન્યો છે), સ્કેનની બાજુની દીવાલ કે રંગસ્થળ માટે વપરાતા શબ્દ proskenion પરથી હાલનો proscenium પર્યાય વિકસ્યો, જે તખ્તા અને પ્રેક્ષકો વચ્ચેનો પડદો બાંધવા આજે વપરાય છે. ગ્રીસના એપિડોરસમાં પ્રકૃતિને ખોળે બે કે ત્રણ નટો અને વૃંદ (chorus) દ્વારા પ્રસ્તુત પ્રારબ્ધવાદી પાત્રો પ્રેક્ષકો નિહાળતા; રોમનોએ નટપ્રેક્ષકસંપર્કની એ જ રચના બંધ મહાલયમાં કરીને, એમાં સુશોભિત ર્દશ્યરચના ઉમેરી.

મધ્યકાળમાં ધાર્મિક પ્રચાર માટે શેરીઓમાં બાંધેલા મંચે કે ગાડાં ઉપર સ્વર્ગ અને નરકનાં ર્દશ્યો રજૂ થતાં અને પ્રેક્ષકો ચોતરફથી એને ઘેરીને જોતા. સોળમી સદીમાં રાણી એલિઝાબેથના સમયમાં નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં ત્રણ બાજુ ત્રણ માળની ગૅલરીઓમાં બેસીને અને વચ્ચેની ખુલ્લી જગ્યામાં ઊભીને પ્રેક્ષકો જોઈ શકે એ માટે એમની વચ્ચે ખુલ્લો મંચ હોય છે. એમાં અભિનય પણ બે માળે શક્ય બનતો. સત્તરમી સદીમાં પ્રેક્ષાગારનો વિસ્તાર થયો. અઢારમી સદીમાં તો પ્રેક્ષકો અને નટો વચ્ચે સુશોભિત દર્શન (proscenium arc) પાછળ રંગબેરંગી સ્થળસૂચક પડદાઓ બંધાયા.

ઓગણીસમી સદીના અંતે પ્રકૃતિવાદ અને વાસ્તવવાદે નટ-પ્રેક્ષકને કહ્યું કે ‘આ પડદો ચોથી દીવાલ છે, ત્યાં આરામથી પણ અંધારે બેઠેલા પ્રેક્ષકોથી સભાન બન્યા વિના, પ્રકાશિત મંચે જીવનના ટુકડા જેવો અભિનય થવો જોઈએ.’ આ માટે જરૂરી બનેલી વાસ્તવિક ર્દશ્યરચના, પ્રકાશ અને પાત્રોની સ્થિતિગતિનું સંયોજન કરવા દિગ્દર્શકની ભૂમિકા વિકસી. આ દરમિયાન નટ જેમ અંતર્મુખ બન્યો, તેમ એનું નટકર્મ ક્યાંક કઠપૂતળી જેવું યંત્રવત્ પણ બન્યું. સંચારમાધ્યમો વિકસતાં નાટ્ય-આલેખ ભૌગોલિક તથા સાંસ્કૃતિક સરહદો ઓળંગવા લાગ્યો.

યુદ્ધોત્તર સમયમાં લોકશાસનની વધતી પ્રક્રિયાના પડઘા રૂપે નટ ફરી પ્રેક્ષકો વચ્ચે ધસી ગયો અને પ્રેક્ષકોએ એને ત્રણ બાજુથી ઘેરી લીધો. એમાં એક રીતે પરંપરિત (લોક) નાટ્યના નટ-પ્રેક્ષક-સંબંધનાં સાતત્ય અને પ્રભાવ જણાય છે. આજે તો વચ્ચે બેઠેલા પ્રેક્ષકોની ચોતરફ પણ નટો અભિનય કરે છે કે નાટ્ય-આલેખને અનુરૂપ અભિવ્યક્તિ માટે પ્રેક્ષકો સામે, ડાબે-જમણે, ચોતરફ કે એમની વચ્ચે પણ બેઠકો ગોઠવવામાં આવે છે. નાટ્યપ્રસ્તુતિઓ શેરી કે ગલીઓમાં અને પ્રાકૃતિક સ્થાનો(environmental theatre)માં થાય છે. નટો હવે પ્રેક્ષકોને પ્રસ્તુતિની પ્રક્રિયામાંય સામેલ કરે છે.

ઈ. સ. પૂ.થી આજ સુધી યુરોપની જેમ જ ભારત, ચીન જેવા પૂર્વના દેશોમાં નાટ્યનો ઇતિહાસ એના પ્રસ્તુતિસ્થળની પણ તવારીખ છે. એ સ્થળ, એમાં સર્જાતા નટ-પ્રેક્ષક-સંબંધ, નાટ્યસાહિત્યના પ્રવાહો, ‘અભિનય’ની પ્રક્રિયા, નટ-લેખક-દિગ્દર્શકની ભૂમિકાઓ વગેરે થિયેટરનાં નિર્ણાયક તત્વો પરસ્પર એ રીતે પ્રભાવક રહ્યાં છે કે એમાંથી કોઈ પણ એકની કથા થિયેટરનો ઇતિહાસ પણ બની શકે. જેવું રંગસ્થળ એવાં નાટકો, નટ-પ્રેક્ષક વચ્ચે જેટલું અંતર એવું નાટ્ય-પ્રત્યાયન. માનવમનનાં ઊંડાણો ફંફોસતાં વાસ્તવવાદી નાટકો પ્રોસેનિયમ આર્કવાળાં બંધ થિયેટરોમાં જ પ્રભાવક બને તો મુક્તાકાશી શેરી-થિયેટર સામાજિક-રાજકીય ર્દષ્ટિએ વિચારોત્તેજક હોય.

આમ, વિભાવના તરીકે થિયેટર સમગ્ર નાટ્યપ્રવૃત્તિનું કેન્દ્ર છે. પ્રક્રિયા તરીકે એ સમાજનું જેમ ફરજંદ (product) છે, તેમ સમાજનું નિર્માતા (producer) પણ છે. ક્યારેક માત્ર એ સમાજનું દર્પણ બન્યું છે તો ઘણી વાર એણે સમાજને દિશા ચીંધી છે. માનવજ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજો, વિચારસરણીના વળાંકો, માનવીની સામે ઊભી થયેલી કટોકટીઓ, રાજકીય ઊથલપાથલો, કોઈએ એકલ હાથે કે આખા સમૂહે ઝીલેલા આ બધા પડકારોનો થિયેટરે પ્રતિઘોષ પાડ્યો છે તો ક્યારેક આર્થિક રસહિતોને લીધે માનવીની ક્ષુલ્લક લાગણીઓ અને માગણીઓ સંતોષવા મનોરંજનને નામે હીન પ્રદર્શનો પણ એણે કર્યાં છે. એના ક્યાંક ટૂંકા, તો ક્યાંક પ્રલંબ ગાળા પછી કોઈ ને કોઈ પ્રયોગશીલ નટ, લેખક, દિગ્દર્શક કે રંગકર્મી એમાંથી ઊપસતો આવ્યો છે અને થિયેટર ફરીથી એની અગ્ર ભૂમિકાએ સમાજમાં સ્થાન પામતું રહ્યું છે.

સંસ્કૃતિએ સંસ્કૃતિએ વિશેષ પ્રકારની નાટ્યપ્રણાલીઓ એણે જન્માવી છે. સમૂહસંચારમાધ્યમોએ એનું દોહન કર્યું છે. તેથી પૂર્વ અને પશ્ચિમના દેશોના થિયેટરમાંનો નટ-પ્રેક્ષકનો સંબંધ, અભિનયપ્રકારો, મંચનભૂમિ વગેરે નિરનિરાળાં રહ્યાં છે. એ જ રીતે સમાજજીવનમાં થતા ફેરફારો નાટ્ય-પ્રત્યાયન ઉપર પ્રભાવક બન્યા છે.

ભરતનાટ્યશાસ્ત્રના રચનાકાળથી વીસમી સદી સુધીમાં ભારતીય થિયેટરે પણ વિવિધ રૂપ ધર્યાં છે. મોટેભાગે રાજ્યાશ્રયે રજૂ થતાં સંસ્કૃત નાટકોમાં પ્રખ્યાત કથાનકો, રસકેન્દ્રી અભિનયશૈલી, અનેક અંકો-પ્રવેશકો અને વિષ્કંભકોમાં વિભાજિત થતાં નાટ્યસ્થળો તથા સમયો અને મોટેભાગે સુખાંત નાટ્ય-પ્રણાલી તત્કાલીન ભારતીય જીવનની અભિવ્યક્તિ હતી. એને સમાંતર અનેક પરંપરિત લોકરંગભૂમિઓ હતી જેની બીજી ત્રીજી પેઢીનાં પરંપરિત લોકથિયેટરો આજે દેશભરમાં વિવિધ ભાષા-પ્રદેશો પરત્વે અસ્તિત્વમાં છે : ‘જાત્રા’, ‘ખ્યાલ’, ‘રામલીલા’, ‘યક્ષગાન’, ‘થેરુકુટ્ટુ’ વગેરે. ‘ભવાઈ’ એ જ પ્રણાલીની ગુજરાતની લોકરંગભૂમિ છે. એને કોઈ ચોક્કસ ઇમારત નથી હોતી, મંદિરના ચાચર(પ્રાંગણ)માં કે ગામને ચોરે અથવા ખુલ્લી વિશાળ જગ્યામાં એ ભજવાય; એની પ્રવાસી મંડળીઓ નૃત્ય, સંગીત અને વિશિષ્ટ ‘પાત્રોના વેશો’ જે અભિનય-પ્રણાલીએ ભજવે એ ભવાઈ થિયેટર.

ઓગણીસમી સદીના મધ્યભાગે ઇંગ્લૅન્ડના તત્કાલીન પ્રોસેનિયમ આર્ક થિયેટરમાં થતાં રંગદર્શી (રોમૅન્ટિક) ચમત્કૃતિભર્યાં નાટકોના નમૂને મુંબઈમાં પારસી અને ગુજરાતી થિયેટર વિકસ્યું. ‘હૉલ’ તરીકે નામકરણ પામેલાં મુંબઈ અને ગુજરાતનાં મોટા ભાગનાં શહેરી થિયેટરો મુખ્યત્વે વાસ્તવવાદી નાટકો રજૂ કરવા માટે પ્રોસેનિયમ આર્ક પાછળ ટિંગાતા પડદાથી વિભાજિત નટ-પ્રેક્ષક-સંબંધ વ્યક્ત કરે છે.

બીજી બાજુ, લોકશિક્ષણ અને વિકાસની પ્રક્રિયા દ્વારા સમાજપરિવર્તન માટે શેરી-ગલીને નાકે કે જાહેર ચોગાનોમાં સાંપ્રત સામાજિક પ્રશ્નો અંગે સમકક્ષ લોકભાગીદારીવાળાં શેરીનાટકો પણ ગુજરાતમાં ઠેરઠેર થાય છે. એમાં પરંપરિત લોકનાટકોની પ્રણાલીઓનું (નટ-પ્રેક્ષક-સંપર્ક પૂરતું) સાતત્ય દેખાય છે. બાંધેલી ઇમારતોમાં પણ તખ્તો કે રંગમંચ વચ્ચે હોય અને પ્રેક્ષકો ચોતરફથી ઘેરીને બેઠા હોય એવાં થિયેટરો પણ આજે વિદેશોમાં અસ્તિત્વમાં આવ્યાં છે, જેને ‘થિયેટર ઇન ધ રાઉન્ડ’ કહે છે. વયવિશેષ (દા. ત., બાળકો) માટેનું થિયેટર બે રીતે અસ્તિત્વમાં છે : બાળકો દ્વારા બાળકો માટેનું અને મોટેરાંઓ દ્વારા બાળકો માટેનું થિયેટર. એમાં પણ જુદાં જુદાં વયજૂથનાં બાળકો સારુ ખાસ પ્રકારનાં થિયેટરો હોઈ શકે; દા. ત., પાંચથી આઠ વર્ષ, અને નવથી ચૌદ વર્ષનાં બાળકો માટેની વિશેષ રંગભૂમિઓ રશિયામાં છે. વિશ્વવિદ્યાલયો દ્વારા વિશેષ પ્રકારના પ્રયોગો માટે યુનિવર્સિટી થિયેટરની પ્રણાલી ઊભી થઈ છે. એમાં કોઈ નાટક, અભિનયશૈલી કે વિચારને નાણી જોવાનો હોય, નાટ્યસર્જનની પ્રક્રિયા જ મહત્વની હોય અને એમાં વ્યાપારી ર્દષ્ટિબિંદુ ન હોવાને લીધે તાલીમ અને પ્રયોગ-કસોટી અગત્યનાં બની રહે. ગુજરાતમાં વડોદરા યુનિવર્સિટીનું ‘નટઘર’ એ રીતનું યુનિવર્સિટી થિયેટર ગણાય. રાષ્ટ્રીય નાટ્ય-સંસ્થા (NSD), દિલ્હીના તાલીમાર્થીઓનું ‘રેપરટરી થિયેટર’ છે; જે એ જ પ્રકારના પ્રયોગો કરે છે.

હસમુખ બારાડી