ત્રિવેદી, ત્રિભુવન પ્રેમશંકર

March, 2016

ત્રિવેદી, ત્રિભુવન પ્રેમશંકર (મસ્તકવિ) (જ. 23 સપ્ટેમ્બર 1865, મહુવા; અ. 27 જુલાઈ 1923) : મસ્તરંગી કવિઓમાં માનભર્યું સ્થાન પામનાર ગુજરાતી કવિ. તેમણે પ્રાથમિક પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. ‘વિભાવરીસ્વપ્ન’ (1894), ‘સ્વરૂપપુષ્પાંજલિ’ (1901) અને ‘કલાપીનો વિરહ’ (1913), એ ત્રણ એમના કાવ્યગ્રંથો  છે. આ કવિમાં જૂના પ્રવાહની સાથે અર્વાચીન કાવ્યપ્રવાહનું સુભગ દર્શન થાય છે. એમણે ફારસી કવિતાના મસ્તરંગો ઝીલ્યા છે. તો ભક્તિસંપ્રદાયોની અને વિશેષે ગોરખ સંપ્રદાયની અસર પણ એમનામાં કળામય રીતે પ્રગટ થઈ છે. સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી સાહિત્યના સંસ્કારો મિત્રો દ્વારા એમણે આત્મસાત્ કર્યા છે. તો ગુજરાતની તળપદી ભજનસમૃદ્ધિની મસ્તીને પણ પોતાની કરી છે.

‘વિભાવરીસ્વપ્ન’માં માત્રામેળ છંદોનું સૌંદર્ય પ્રગટ કરતા પ્રેમ વિશેના પોતાના વિશિષ્ટ દર્શનને મનોહર છટાથી એમણે વ્યક્ત કર્યું છે. એમની કલ્પનાશીલતા સુરેખ અને ચિત્રાત્મક વર્ણનો આલેખવાની કુશળતા  અને કાવ્યબાનીની ભાવમાધુરી આ રચનામાં આસ્વાદવા મળે છે. કવિની કલ્પનાનું ઉડ્ડયન આકર્ષે છે પણ એની સંકલનશક્તિ ર્દઢબંધવાળી નથી હોતી. એમની બીજી કૃતિ ‘સ્વરૂપપુષ્પાંજલિ’ 108 પદોની – ભજનોની માળા કહી શકાય. વેદાંતની ફિલસૂફી વણી લઈને કલ્પનાશક્તિ અને તાજગીભર્યા અલંકારોની સહાયથી એમણે ભજનોની સબળ વાણીનો પરિચય કરાવ્યો છે. ‘કલાપીનો વિરહ’ એક વિરહકૃતિ – કરુણપ્રશસ્તિકાવ્ય છે. એમાં કલાપીના વિરહની સંવેદના સાથે તત્વચર્ચાને વણી લઈને કવિએ ભજનકાવ્ય જેવી ચોટનો પણ અનુભવ કરાવ્યો છે. કવિનો કલાપી પ્રત્યેનો ઉત્કટ પ્રેમ વિવિધ ચારુત્વયુક્ત છટાઓમાં અવતર્યો છે. કાવ્યમાં કરુણ અને શાંત બંને છે પણ કૃતિ છૂટાં છૂટાં કાવ્યોની માળા જેવી બની છે. સૂફીવાદની અસર સાથે ગુજરાતના ભક્તિસંપ્રદાયના પ્રભાવને તે પ્રભાવક રીતે પ્રગટ કરી શક્યા છે.

ચિમનલાલ ત્રિવેદી