ત્રિવેદી, અરવિંદ (જ. ઇન્દોર, મધ્યપ્રદેશ) : ગુજરાતી રંગભૂમિ-ચલચિત્રોના જાણીતા અભિનેતા. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ નાટકો–ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક હતા. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજ્જૈન ખાતે વિનોદ મિલમાં કર્મચારી હતા. અરવિંદે ઉજ્જૈનની પ્રાથમિક હિંદી શાળામાં અભ્યાસ કર્યો હતો. પિતા લકવાગ્રસ્ત થયા પછી નાની ઉંમરે જ તેમની છત્રછાયા ગુમાવી.
નાટકના સંસ્કાર બાળપણથી જ પડ્યા હતા. ઉજ્જૈનમાં હતા ત્યારે રામલીલા જોવાનો ખૂબ શોખ હતો. રાત્રે રામલીલા જોતા અને દિવસે તેનાં વિવિધ પાત્રોનું અનુકરણ કરતા.
મોટા ભાઈ ભાલચંદ્ર મુંબઈમાં રહેતા હતા. પિતાના અવસાન પછી તેમણે બંને ભાઈઓને મુંબઈ બોલાવી લીધા. ઉપેન્દ્રભાઈ તો કૉલેજના અભ્યાસ સુધીયે પહોંચી શક્યા પણ અરવિંદભાઈનો અભ્યાસ વચ્ચે જ ખોડંગાઈ ગયો. કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષો ખૂબ જ સંઘર્ષમાં વીત્યાં. 1960માં અરવિંદભાઈ ભારતીય વિદ્યાભવનના હૉલના મૅનેજર તરીકે નિયુક્ત થયા. આ હોદ્દા પર તેઓ 1976 સુધી રહ્યા.
દરમિયાન મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી નાટકોમાં પગ જમાવી ચૂક્યા હતા. તેમનાં બે નાટકો ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘વેવિશાળ’ ભજવાવાં શરૂ થયાં હતાં. અરવિંદભાઈને પણ તેઓ નાટકમાં ખેંચી ગયા. ‘વેવિશાળ’ ઉપરાંત ‘પારિજાત’, ‘મેજર ચંદ્રકાંત’, ‘ગોરંભો’, ‘તરસ્યો સંગમ’, ‘પરિવાર’ વગેરે ઘણાં નાટકોમાં તેમણે કામ કર્યું. મોટા ભાગનાં નાટકોમાં તેમની ભૂમિકા સહાનુભૂતિપ્રેરક રહેતી, પણ ઉપેન્દ્રભાઈએ પોતાના નાટક ‘પારિજાત’માં અરવિંદભાઈને ખલનાયક બનવાનું કહ્યું અને આ પડકાર તેમણે ઉપાડી લીધો. એ પછી નાટકોમાં અને સમય જતાં ચલચિત્રોમાં વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓની હારમાળા શરૂ થઈ. નોંધપાત્ર બાબત એ છે કે અનેક વાર ચરિત્રભૂમિકાઓ ભજવીને કે અનેક વાર ખલનાયકની ભૂમિકાઓ ભજવ્યા છતાં અરવિંદભાઈ ક્યારેય કોઈ ચોક્કસ ચોકઠામાં પુરાયા નહિ.
ભારતીય વિદ્યાભવનમાં ફરજ બજાવતા હતા એ દિવસોમાં જ જાણીતા ચલચિત્ર-દિગ્દર્શક મનહર રસકપૂર સાથે અરવિંદભાઈનો પરિચય થયો. એ દિવસોમાં મનહરભાઈ ‘જોગીદાસ ખુમાણ’નું નિર્માણ કરી રહ્યા હતા. અરવિંદભાઈને તેમણે એમાં એક નાનકડી ભૂમિકા આપી. એ દિવસોમાં કેટલાંક ગુજરાતી ચલચિત્રોમાં નાનીમોટી ભૂમિકાઓ તેમણે કરી. મનહર રસકપૂરે તેર વર્ષ પછી ફરી ‘જોગીદાસ ખુમાણ’ ચલચિત્રનું નિર્માણ કર્યું ત્યારે અરવિંદભાઈએ તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વલ્લભ ચોકસીએ ગુજરાતી ભાષાનું પ્રથમ રંગીન ચલચિત્ર ચુનીલાલ મડિયાની નવલકથા પર આધારિત ‘લીલુડી ધરતી’નું નિર્માણ કર્યું. તેમાં અરવિંદભાઈએ ખલનાયકની ભૂમિકા ભજવી.
ગુજરાત સરકારની કરમુક્તિની નીતિ પછી ગુજરાતી ચલચિત્રોના નિર્માણમાં આવેલા ઘોડાપૂરમાં મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીની જેમ જ અરવિંદભાઈ પણ ગુજરાતી ચલચિત્રો પર છવાઈ ગયા અને અનેક ચલચિત્રોમાં ખલનાયકથી માંડીને વિવિધ ચરિત્રભૂમિકાઓ ભજવીને લોકપ્રિયતા મેળવી. ‘રાજા ભરથરી’માં અશ્વપાલ અને ગોરખનાથની બેવડી ભૂમિકા બદલ ગુજરાત રાજ્ય સરકારનું શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક મેળવ્યું. ‘કુંવરબાઈનું મામેરુ’માં નરસિંહની ભૂમિકા યાદગાર બની રહી, એવી જ રીતે ‘ગોરા કુંભાર’ અને ‘સંત દેવીદાસ’માં કેન્દ્રીય ભૂમિકાઓ ભજવવા ઉપરાંત ‘સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈ’માં જાંબાઝ પોલીસ અધિકારી છેલભાઈ દવેની ભૂમિકા પણ યાદગાર બની રહી. ‘સંતુ રંગીલી’માં સંતુના દારૂડિયા મામાની ભૂમિકા એટલી સરસ નિભાવી કે આ ચલચિત્ર હિંદીમાં નિર્માણ પામ્યું ત્યારે હિંદી ચલચિત્રઉદ્યોગમાં અનેક ખ્યાતનામ અભિનેતાઓ હોવા છતાં દારૂડિયા મામાની ભૂમિકા અરવિંદભાઈને જ સોંપવામાં આવી હતી.
હિંદી ચલચિત્રોના ખ્યાતનામ નિર્માતા-દિગ્દર્શક રામાનંદ સાગરે ‘રામાયણ’ ટીવી–શ્રેણીનું નિર્માણ કર્યું ત્યારે રાવણની પડકારરૂપ ભૂમિકા અરવિંદભાઈને સોંપી. કોઈ પણ ભૂમિકાને આત્મસાત્ કરવાની તેમની આવડતને કારણે રાવણની ભૂમિકા તેમણે એટલી અસરકારક રીતે ભજવી કે દેશભરમાં તેમને જબ્બર લોકપ્રિયતા મળી અને એ પછી ‘લંકેશ’ તેમનું ઉપનામ બની ગયું. 1990ના અરસામાં તેમણે પણ રાજકારણમાં ઝંપલાવ્યું અને લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે સાબરકાંઠા જિલ્લાની સંસદની બેઠક પરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા; ચલચિત્રક્ષેત્રે પ્રવૃત્તિ તેમણે ચાલુ રાખી.
હરસુખ થાનકી