તેરેશ્કોવા, વેલેન્ટિના

February, 2014

તેરેશ્કોવા, વેલેન્ટિના (જ. 6 માર્ચ 1937, તુતેવશ્કી, સોવિયેત યુનિયન) : વિશ્વની, પૂર્વ સોવિયેત સંઘની તથા રશિયાની પ્રથમ મહિલા અંતરીક્ષયાત્રી. 16 જૂન, 1963ના રોજ વોસ્ટોક-6 અંતરીક્ષયાનમાં તેણે અંતરીક્ષયાત્રા શરૂ કરી અને 71 કલાકમાં પૃથ્વીની 48 પ્રદક્ષિણા પૂરી કરીને, ત્રણ દિવસ પછી, 19 જૂન, 1963ના દિવસે પૃથ્વી પર સુરક્ષિત સફળ ઉતરાણ કર્યું.

વેલેન્ટિના તેરેશ્કોવા

તેણે વિમાનચાલક તરીકેની તાલીમ લીધી નહોતી પરંતુ તે એક બિનવ્યવસાયી નિષ્ણાત હવાઈ કૂદકાબાજ (parachutist) હતી. આ લાયકાતને આધારે 1961માં અંતરીક્ષયાત્રાની તાલીમ માટે તેને પસંદ કરવામાં આવી. પ્રથમ અંતરીક્ષયાત્રા પછી તેણે આ કાર્યક્રમ છોડી દીધો અને 3 નવેમ્બર, 1963ના રોજ રશિયન અંતરીક્ષયાત્રી ઍન્ડ્રિયાન નિકોલ્યેવ સાથે લગ્ન કર્યું. 1962થી 1990-91 દરમિયાન તેરેશ્કોવા સોવિયેત સંઘની સુપ્રીમ સોવિયેતની સક્રિય સભ્ય હતી. 1968માં તેણે સોવિયેત મહિલા સમિતિનું સંચાલન કર્યું. તથા 1974થી 1990-91 સુધી તે સુપ્રીમ સોવિયેત પ્રિસિડિયમની સભ્ય પણ રહી. તેરેશ્કોવાને ‘સોવિયેત સંઘની વીર નારી’નું બિરુદ આપવામાં આવ્યું તથા બે વખત ‘ઑર્ડર ઑવ્ લેનિન’નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને અનેક સંસ્થાઓએ સન્માન્યાં છે. ઘણા દેશોનું તેમને માનદ નાગરિકત્વ પણ પ્રાપ્ત થયું છે.

પરંતપ પાઠક