તેનાલિરામન : ઉત્તરના બીરબલના જેવું જ દક્ષિણ ભારતનું વિજયનગરના રાજા કૃષ્ણદેવના દરબારનું, પોતાના બુદ્ધિચાતુર્યથી તથા હાસ્યનિષ્પત્તિથી લોકોમાં વિખ્યાત બનેલું પાત્ર. એનું નામ રામન હતું, પણ દક્ષિણમાં નામની પૂર્વે ગામનું નામ જોડવામાં આવે છે. તેમ એ ‘તેનાલિ’ ગામનો હોવાથી ‘તેનાલિરામન’ નામે ઓળખાયો.

એ નાનપણથી જ બહુ ઊંચા બૌદ્ધિક સ્તરનો હતો. શબ્દોના અવનવા અર્થ બેસાડી લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દેતો હતો. એ સમયે વિજયનગરના મહારાજા કૃષ્ણદેવ અત્યંત લોકપ્રિય શાસક હતા. સારા રાજાને શોભે તેમ એમણે પોતાના દરબારમાં વિદ્વાનોને ઊંચું સ્થાન આપ્યું હતું. તેનાલિરામનને ત્યાં સ્થાન મેળવવું હતું. એક વાર કૃષ્ણદેવના ગુરુ થટ્ટાચાર્ય તેનાલિ ગામમાં થોડો સમય હવાફેર માટે આવ્યા. તેનાલિરામને એમની પાસે જઈ એના મનની વાત કહી. થટ્ટાચાર્યે રાજાને એની ભલામણ કરીને મુલાકાત કરાવી આપવા કહ્યું. તેનાલિરામને થટ્ટાચાર્યની ઘણી સેવા કરી. થટ્ટાચાર્ય ગયા પછી ઘણી રાહ જોઈ, પણ એમનો કંઈ સંદેશો ન આવ્યો એટલે એ થટ્ટાચાર્યને ત્યાં ગયો, પણ થટ્ટાચાર્યે એને મળવાની પણ ના પાડી. આમ છતાં એ હિંમત હાર્યો નહિ. તે સીધો કૃષ્ણદેવની સભામાં ગયો. ત્યાં વિદ્વાનો કોઈ કૂટ સમસ્યાની ચર્ચા કરતા હતા. તેનાલિરામને, બીરબલની જેમ ર્દષ્ટાન્ત આપીને એ સમસ્યા ઉકેલી. આથી રાજાએ એને દરબારમાં વિદૂષક તરીકે માનભર્યું સ્થાન આપ્યું. એને વિશે અનેક વાતો પ્રચલિત છે. જેમ કે એક વાર કોઈ કારણે રાજા એની પર ક્રોધે ભરાયા ને કહ્યું. ‘જા ક્યારેય તારું મોં ન બતાવીશ.’ બીજે દિવસે એ મહોરું પહેરીને દરબારમાં આવ્યો. રાજાએ ગુસ્સે થઈ સિપાઈઓને એને પકડવા કહ્યું. તેનાલિરામને કહ્યું, ‘મેં ગુનો કર્યો નથી. મારું મોં તમને બતાવ્યું નથી, મેં તો મહોરું પહેર્યું છે.’ એવો જ બીજો પ્રસંગ છે. તેનાલિરામનને ત્યાં કોઈ મહેમાન આવેલો તેણે તેનાલિરામન જોડે ઘૂસીને, એની આંખમાં ધૂળ નાંખી રાજાના હીરાની ચોરી કરેલી. આથી રાજાએ એને મોતની સજા કરેલી, ત્યારે મરતાં પહેલાં એની સજાની માફી સિવાય એની કોઈ પણ ઇચ્છા પૂરી કરવાનું રાજાએ કહ્યું, ત્યારે એણે માંગેલું કે એ કુદરતી મોતે મરે, રાજાએ ખુશ થઈ એને છોડી મૂકેલો, એને વિશે તેલુગુમાં અનેક હાસ્યરસિક ટુચકાઓ પ્રસિદ્ધ થયા છે. એ માત્ર હાસ્યરસને માટે જ જાણીતો નહોતો, પણ એણે તેલુગુમાં કેટલાંક હાસ્યપ્રધાન અને બુદ્ધિચાતુરીનાં કાવ્યો પણ રચ્યાં છે.

ચન્દ્રકાન્ત મહેતા