તેનસિંગ નૉર્કે (જ. 29 મે 1914, ત્સા-ચુ, નેપાલ; અ. 9 મે 1986, દાર્જિલિંગ) : વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર્વપ્રથમ સર કરનાર પર્વતારોહક. બૌદ્ધ ધર્મનું ચુસ્તપણે પાલન કરનાર થામી ગામના એક ખેડૂત-પરિવારમાં જન્મ. નાનપણમાં તે ખેતીમાં મજૂરી ઉપરાંત યાક ચરાવવાનું કામ કરતો. તેર વર્ષની વયે તે ઘરમાંથી બે વાર ભાગી ગયેલો. બીજી વાર ભાગી ગયા પછી તે તિબેટના શેરપાઓની વસ્તી ધરાવતા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં પર્વતારોહીઓના માલસામાનની હેરફેર કરતા મજૂરોના વ્યવસાયમાં જોડાયો. હિમાલય પર ચડાઈ કરવા સર એરિક શિપ્ટનના નેતૃત્વ હેઠળ આવેલા યુરોપના પર્વતારોહીઓની એક ટુકડી સાથે તે પહેલી વાર 1935માં હિમાલયના ચઢાણનું પ્રારંભિક સર્વેક્ષણ કરવા ગયો અને નૉર્થ કૉલ સુધી પહોંચી શક્યો. ત્યાર પછી તે અવારનવાર આવા સાહસિક પ્રવાસ ખેડતો રહ્યો. 1936માં રટલજના અને 1938માં ટિલમનના નેતૃત્વ હેઠળના સાહસિક અન્વેષણમાં તે જોડાયો હતો અને તે દરમિયાન તે  6907 મી.ની ઊંચાઈ સર કરી શક્યો. તે જ વર્ષે તેને હિમાલયન ક્લબ દ્વારા ‘ટાયગર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો.

1946માં બંદરપૂછના તથા ત્યારપછી તરત જ સિક્કિમની ઝેમુ હિમનદી પાર કરવાના અન્વેષણમાં તે જોડાયો હતો. 1947માં અર્લ ડેનમન દ્વારા આયોજિત એવરેસ્ટ પર ચઢવાના અભિયાનમાં તે સામેલ થયો; પરંતુ ખરાબ હવામાનને કારણે તે નૉર્થ કૉલથી પાછો ફર્યો. તે જ વર્ષે તે આંદ્રે રૉકના નેતૃત્વ હેઠળના ‘સ્વિસ-ગઢવાલ’ અભિયાનમાં જોડાયો અને તે દરમિયાન તેણે કેદારનાથ શિખર (6940 મી.) સર કર્યું. 1948માં ઇટાલિયન પ્રાચ્યવિદ્યાવિશારદ પ્રો. તૂચી સાથે તેણે લ્હાસાની મુલાકાત લીધી. 1951માં ફ્રેન્ચ અભિયાન દરમિયાન તેણે નંદાદેવીનું પૂર્વ શિખર સર કર્યું. 1952માં બે વાર તે એવરેસ્ટનાં બે જુદાં જુદાં સ્વિસ અભિયાનમાં જોડાયો, જેમાંથી બીજા અભિયાનના નેતા રેમન્ડ લૅમ્બાર્ટના માર્ગદર્શન હેઠળ તે આશરે 8598 મી. સુધી પહોંચવામાં સફળ થયો હતો. આ અભિયાનમાં પૉર્ટરોના સરદાર તરીકે નહિ પરંતુ એક પર્વતારોહી તરીકે તે જોડાયો હતો. 1952માં 8473 મી.ની. ઊંચાઈ તે સર કરી શક્યો. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી તેણે પૉર્ટરોની એક ટુકડી સંગઠિત કરી અને તેનો તે ‘સરદાર’/નાયક બન્યો. 1953માં કર્નલ જ્હૉન હન્ટના નેતૃત્વ હેઠળ એવરેસ્ટ પર ચડાઈ કરવા માટે આવેલા અભિયાનમાં ફરી પૉર્ટરોના સરદાર તરીકે તે જોડાયો. એવરેસ્ટ ચઢવાનો આ તેનો સાતમો પ્રયાસ હતો. આ અભિયાનની ફલશ્રુતિ તરીકે ન્યૂઝીલૅન્ડના એડમન્ડ હિલારી સાથે તેનસિંગે 29 મે, 1953ના દિવસે સવારમાં 11-30 કલાકે 8848 મી. ઊંચાઈ ધરાવતું એવરેસ્ટ શિખર સર કર્યું. પંદર મિનિટ બાદ ઉતરાણ શરૂ કરતાં પહેલાં તેણે બૌદ્ધ ધર્મની રીતરસમ મુજબ પર્વતની ટોચ પર નૈવેદ્ય ધર્યું હતું. તથા એવરેસ્ટની ટોચ પર તેણે સંયુક્ત રાષ્ટ્રો, ગ્રેટ બ્રિટન, ભારત અને નેપાળના ધ્વજ ફરકાવ્યા હતા.

તેનસિંગ નૉર્કે

તેનસિંગની આ વિસ્મયકારક અને અભૂતપૂર્વ સિદ્ધિ બદલ બ્રિટને તેને જૉર્જ મેડલ એનાયત કરેલો તથા નેપાલની સરકારે તેને ‘નેપાલ તારા’નો ખિતાબ બક્ષ્યો હતો. 1954માં પર્વતારોહણની તાલીમ આપતી સ્વિટ્ઝર્લૅન્ડની એક સંસ્થામાં તેણે વિધિસરની તાલીમ લીધી અને ત્યાર-પછી તે જ વર્ષે ભારત સરકાર દ્વારા દાર્જિલિંગ ખાતે સ્થાપેલ ‘હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ’ના પ્રથમ નિયામક તરીકે તે જોડાયો. 1954થી 1986 દરમિયાન તેણે ભારત અને વિદેશના અનેક પર્વતારોહીઓને તાલીમ આપી. તેના નેતૃત્વ હેઠળ આ સંસ્થાએ વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત કરી છે. શેરપાઓના કેન્દ્રીય સંગઠનના પ્રમુખ તરીકે પણ તેણે સેવાઓ આપી હતી. તે અનેક ભાષાઓનો જાણકાર હતો. બરફ પરની રમત સ્કીઇંગ પણ તે શીખ્યો હતો.

1954માં ભારત સરકારે તેનું ‘પદ્મભૂષણ’ ખિતાબથી સન્માન કર્યું હતું.

એવરેસ્ટ શિખર સર કર્યા  પછીનાં તેનાં પર્વતારોહણ અંગેનાં  સંસ્મરણોનું વિવરણ તેના કથન મુજબ માલ્કમ બર્ન્સે ‘આફ્ટર એવરેસ્ટ’ શીર્ષક હેઠળ પ્રગટ કર્યું (1978) છે તથા  રૅમ્સે ઉલ્મને ‘મૅન ઑવ્ એવરેસ્ટ’ નામથી તેની જીવનકથા લગભગ તેના જ શબ્દોમાં પ્રકાશિત કરી છે, જેનું અમેરિકન સંસ્કરણ ‘ટાયગર ઑવ્ સ્નોઝ’ શીર્ષકથી પ્રસિદ્ધ થયું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે