તેજપુર : અસમના શોણિતપુર જિલ્લાનું વહીવટી મથક. આ પૂર્વે તે દારાંગ જિલ્લાનું વડું મથક હતું. તે 26° 37´ ઉ. અ. તથા 92° 47° પૂ.રે. પર બ્રહ્મપુત્ર નદીના જમણા કાંઠે વસેલું છે. તે શિલૉંગથી 147 કિમી. ઈશાન તરફ આવેલું છે. વસ્તી : 1,00,477 (2011).

નગરના આસપાસના વિસ્તારમાં ચા, શેરડી, ડાંગર, શણ તથા રાઈની પેદાશ થાય છે. અહીંથી કૉલકાતા તરફ મોટા પાયા પર ચાની નિકાસ થાય છે, અને તે માટે નગરમાં ચા પર પ્રક્રમણ કરવાના એકમો  વિકસાવવામાં આવ્યા છે.

નગરમાં ઉચ્ચ શિક્ષણની કૉલેજો તથા સરકારી ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થા (ITI) છે. નગરની કૉલેજો ગુવાહાટી યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે.

આ નગર ઉત્તરીય રેલવેનું અંતિમ મથક છે. નગરની બાજુમાં સલાનિબારી હવાઈ મથક વિકસાવવામાં આવ્યું છે. લશ્કરી ર્દષ્ટિએ આ નગર વિશેષ મહત્વ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન મિત્ર રાષ્ટ્રોના સૈનિકોને ચીનના કુનમિંગ ખાતે ઉતારવા માટે અહીંના વિમાની મથકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારત-ચીન-યુદ્ધ (1962) દરમિયાન તે ભારતીય લશ્કરનું મહત્વનું થાણું હોવાથી ચીની સૈનિકોએ યુદ્ધના પ્રથમ તબક્કામાં જ આ નગર પર આક્રમણ કર્યું હતું.

પુરાણપ્રસિદ્ધ રાજા બાણાસુરનું પાટનગર શોણિતપુર એ જ આજનું તેજપુર એવી માન્યતા પ્રચલિત છે. 10મી સદીમાં નગર પાલ રાજાઓની રાજધાનીનું શહેર હતું. તે જમાનાના કેટલાક શિલાલેખો, કોતરણીઓ તથા મંદિરોના ભગ્ન અવશેષો અહીં છે. કામરૂપના 12મી સદીના શાસક વલ્લભદેવનાં પાંચ તામ્રપત્ર પણ ત્યાંથી મળી આવ્યાં છે.

નવનીત દવે