તુ ફુ (જ. 712, શાઓલિંગ; અ 770, હેન્ગચાઉ) : મહાન ચીની કવિ. જન્મ સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાં. પિતા અમલદાર હતા. નાનપણમાં માતાનું અવસાન થવાથી માસીએ એમનું પાલન કર્યું હતું. કવિતા, પ્રવાસ અને સનદી નોકરી એમના જીવનનો મુખ્ય પુરુષાર્થ હતો. 731થી 735 ચાર વર્ષ એમણે પ્રવાસ કર્યો. પછી અમલદાર થવા માટેની પરીક્ષા આપી પણ નાપાસ થયા. ફરીથી પ્રયાસ કર્યો. 744માં લોયાંગમાં એમનાથી 13 વર્ષ મોટા સમકાલીન મહાન કવિ લિ પો સાથે મિલન થયું. અમલદાર તરીકેની નિયુક્તિ માટે એ રાજધાની ગયા પણ ફરીથી નિષ્ફળ રહ્યા. 751માં એમણે રાજ્યની વિવિધ પદ્ધતિઓ વિશે ત્રણ કાવ્યો રચ્યાં અને સમ્રાટને મોકલ્યાં; પરિણામે એ રાજ્યમાં ગૌણ પદ પર નિયુક્ત થયા. 755માં સમગ્ર રાષ્ટ્ર માટે એક મહાન કરુણ દુર્ઘટના જેવો આન લુ શાનનો વિદ્રોહ થયો. એમણે ફરીથી પ્રવાસ કર્યો. હજુ તો મધ્યમ વયના હતા છતાં એમનામાં શ્વેતકેશી વાર્ધક્ય પ્રગટ થયું અને એમનું સ્વાસ્થ્ય લુપ્ત થયું. 757માં એ તત્કાલીન રાજધાનીમાં પહોંચી ગયા અને નવા સમ્રાટને એમણે પોતાની સેવા અર્પણ કરી. 758માં એ ફરીથી રાજ્યમાં ગૌણ પદ પર નિયુક્ત થયા; પણ સ્પષ્ટ વક્તા હતા તેથી એ પદભ્રષ્ટ થયા.  ચેન્ગટુમાં એમના જૂના મિત્ર યેન ચુ ગવર્નર હતા એથી એમના આશ્રયે 760થી 765 લગી એ ચેન્ગટુમાં રહ્યા. મિત્રના અવસાનને કારણે એમણે ફરીથી ઝેચુઆન અને હોનાનમાં પ્રવાસ કર્યો. 770માં હેન્ગચાઉમાં 58 વર્ષની વયે એમનું અવસાન થયું.

તુ ફુ

15 વર્ષની વયે જ લોયાંગના સ્થાનિક કવિઓમાં એ પ્રસિદ્ધ હતા. એમનાં આરંભનાં કિશોર વયનાં કાવ્યો અસ્તિત્વમાં નથી પણ પૂર્વ જીવનનાં યુવાનવયનાં કાવ્યોમાં અંગત વેદના અને પ્રકૃતિસૌંદર્ય કેન્દ્રમાં છે. લિ પોની કવિતાનો એમની કવિતા પર પ્રભાવ છે. જીવનભર એમણે લિ પોને અનુલક્ષીને સંબોધનરૂપ કાવ્યો રચ્યાં હતાં. 755માં આન લુ શાનના વિદ્રોહ પછી અને સવિશેષ તો 757માં ભૂખમરાથી એમના ભાઈનું અવસાન થયું પછી એમની કવિતામાં  અનન્ય કરુણાનું દર્શન થાય છે. એમનું અંગત જીવન પણ અત્યંત સંઘર્ષપૂર્ણ હતું તેથી એમની કવિતામાં અકિંચનો પ્રત્યે, મનુષ્યમાત્ર પ્રત્યે અસાધારણ અનુકંપા પ્રગટ થાય છે. એમની કવિતામાં વસ્તુવિષયમાં બૌદ્ધિક પ્રામાણિકતા, નમ્રતા, નર્મમર્મયુક્ત ગાંભીર્ય, સુખ-દુ:ખ પ્રત્યે હસતા સંતની સમતોલ ર્દષ્ટિ અને અભિજ્ઞતાપૂર્વકની સમાજાભિમુખતા છે  અને શૈલીસ્વરૂપમાં લાઘવ અને એથી કંઈક દુર્બોધતા છે. ચીની કવિતાના સમગ્ર ઇતિહાસમાં લિ પો અને તુ ફુ સર્વશ્રેષ્ઠ કવિઓ ગણાય છે. વસ્તુવિષય અને શૈલીસ્વરૂપના સંદર્ભમાં આ બે કવિઓની કવિતા પરસ્પરની પૂર્તિરૂપ મનાય છે. આ સારસ્વત સહોદરો ‘લિ-તુ’ના સંયુક્ત નામે પ્રસિદ્ધ છે.

નિરંજન ભગત