તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત

January, 2014

તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત : આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો એક સિદ્ધાંત. જે દેશ માટે સ્વાવલંબી બનવા કરતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોડાવું કેમ લાભકારક છે તે સમજાવે છે. બ્રિટિશ અર્થશાસ્ત્રી ડેવિડ રિકાર્ડોએ (1772–1823) પોતાના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી ઍન્ડ ટૅક્સેસન’ ગ્રંથમાં તેની સૌપ્રથમ સૈદ્ધાંતિક રજૂઆત કરી હતી. તેમની અગાઉ એડમ સ્મિથ આ સિદ્ધાંતની આંશિક રજૂઆત કરી ચૂક્યા હતા; પરંતુ રિકાર્ડોએ તેને એક પૂર્ણ સિદ્ધાંતનું સ્વરૂપ આપવાની કોશિશ કરી હતી. અર્થશાસ્ત્રના સૌથી જૂના સિદ્ધાંતોમાંનો તે એક છે. આ સિદ્ધાંતને તુલનાત્મક અનુકૂળતા કે લાભનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે.

જે માણસ પોતે જે વાપરે છે તે તમામ ચીજો જાતે પેદા કરતો નથી, પોતાને ફાવટ હોય તે ચીજવસ્તુઓ કે સેવાઓ પેદા કરે છે ને પછી તેના બદલામાં તેને આવશ્યક હોય તેવી ચીજવસ્તુઓ અન્ય ઉત્પાદકો પાસેથી મેળવી લે છે. તે જ રીતે દેશે પણ અનુકૂળતા અનુસાર. ચીજવસ્તુઓ અને સેવાઓ પેદા કરવી જોઈએ અને તેના અધિશેષ(surplus)ની નિકાસ કરી તેની અવેજીમાં પરદેશોમાંથી જરૂરી માલ-સામાન આયાત કરવો જોઈએ. દેશ દેશ વચ્ચે આ રીતે શ્રમવિભાજન (division of labour) કે વિશિષ્ટીકરણ (specialization) થાય તો ઉત્પાદકતા વધશે ને તે સૌ માટે લાભકર્તા થશે એમ આ સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે.

ત્રણ જુદી જુદી પરિસ્થિતિની ધારણા કરીને તેમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર કઈ રીતે લાભકારક છે તે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સમજાવે છે.

માનો કે બે દેશ વિશિષ્ટ સાધનો ધરાવે છે. એક દેશનાં સાધનો માત્ર ઘઉં પેદા કરી શકે એવાં છે ને બીજા દેશનાં સાધનો માત્ર કાપડ પેદા કરી શકે છે. આ બંને દેશો આર્થિક સ્વાવલંબન સ્વીકારે તો એક દેશે કાપડ વિના ને બીજા દેશે ઘઉં વિના રહેવું પડે. તેના બદલે તેઓ વ્યાપારથી જોડાય તો માલના સાટાથી કે અદલાબદલીથી બંને દેશોને ઘઉં ને કાપડ બંને ચીજ વપરાશ માટે મળી શકે છે. આ પરિસ્થિતિ જવલ્લે જોવા મળે છે, દેશનાં સાધનો એક જ ચીજ પેદા કરવાની ક્ષમતા ધરાવતાં હોય એવું સામાન્ય રીતે જોવા મળતું નથી.

બીજી પરિસ્થિતિનો હવે વિચાર કરીએ. દુનિયામાં ધારો કે બે દેશ છે. તેઓ બે જ ચીજો પેદા કરી શકે છે. આ ચીજો પેદા કરવા માટે શ્રમ જ ઉત્પાદનના સાધન તરીકે આવશ્યક છે. માની લઈએ કે એક કિલો ઘઉં પેદા કરવા માટે ભારતમાં 10 શ્રમએકમ (કલાક) જોઈએ છે ને ઇંગ્લૅન્ડમાં 20 શ્રમએકમ આવશ્યક છે. તે જ રીતે એક મીટર કાપડ બનાવવા માટે ભારતમાં 20 તો ઇંગ્લૅન્ડમાં 10 શ્રમએકમની જરૂર પડે છે. આ પરિસ્થિતિમાં એ તો સ્પષ્ટ છે કે ઘઉંના ઉત્પાદનમાં ભારત અને કાપડના ઉત્પાદનમાં ઇંગ્લૅન્ડ નિરપેક્ષ લાભ (absolute advantage) ધરાવે છે. સ્વાવલંબનને બદલે વ્યાપારના વિશિષ્ટીકરણની નીતિ આ દેશો અપનાવે તો તેમને લાભ થાય એમ છે.

1 કિલો ઘઉં = 1 મી. કાપડ એ દરે આ બે દેશો વચ્ચે વિનિમય થાય તો ભારતને 1 મી. કાપડ 10 શ્રમએકમોમાં મળશે. દેશમાં એ પેદા કરવા માટે એણે 20 શ્રમએકમનો ઉપયોગ કરવો પડ્યો હોત. તે જ પ્રમાણે ઇંગ્લૅન્ડ એક કિલો ઘઉં 10 શ્રમએકમના બદલામાં મેળવી શકે છે. દેશમાં 20 શ્રમએકમ વાપરીને એટલા ઘઉં તે પેદા કરી શક્યું હોત. અહીં આપણે સરળતા ખાતર  ધારી લઈએ છીએ કે ઘઉં ભારતથી ઇંગ્લૅન્ડ મોકલવાનો કે ઇંગ્લૅન્ડથી ભારત કાપડ લાવવાનો વાહનવ્યવહારનો કે બીજો કોઈ ખર્ચ થતો નથી.

સ્પષ્ટ અનુકૂળતા હોય તે ચીજ પેદા કરવાનું ને તેના વિનિમયમાં બીજી ચીજો મેળવવાનું દેશ સ્વીકારશે તો તેને લાભ થશે. આ વાત એડેમ સ્મિથે સમજાવી હતી. રિકાર્ડો તે વિશ્લેષણને આગળ ધપાવે છે. તેણે દર્શાવ્યું કે ઉત્પાદનનાં તમામ ક્ષેત્રોમાં એક દેશ કરતાં બીજો દેશ સરસાઈ કે અનુકૂળતા ધરાવતો હોય ત્યારે પણ દેશ પોતાને જે ચીજના ઉત્પાદનમાં તુલનાત્મક ર્દષ્ટિએ લાભ વધુ હોય તેના ઉત્પાદન પર ધ્યાન કેંદ્રિત કરે ને અન્ય ચીજો વેપાર દ્વારા બીજા દેશો પાસેથી મેળવવાનું રાખે તો તેને લાભ થશે.

આ બીજી પરિસ્થિતિમાં પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર લાભકારક કેવી રીતે છે તે જોઈએ :

ખર્ચની તુલના

ઉત્પાદન માટે આવશ્યક શ્રમ-એકમ (કલાકમાં)
1 કિલો ઘઉં 1 મી. કાપડ
ભારત 80 90
ઇંગ્લૅન્ડ 120 100

બંને ચીજોના ઉત્પાદનમાં ખર્ચની ર્દષ્ટિએ ભારત સ્પષ્ટ અનુકૂળતા ધરાવે છે. બેય ચીજના ઉત્પાદન માટે ભારતને ઇંગ્લૅન્ડ કરતાં ઓછા શ્રમએકમ ખર્ચવા પડે છે.

હવે આ પૂરેપૂરી અનુકૂળતાની તુલના કરીએ. ભારત 1 કિલો ઘઉં 80 શ્રમએકમમાં પેદા કરે છે. ઇંગ્લૅન્ડમાં આ માટે 120 શ્રમએકમ આવશ્યક છે. બીજી રીતે કહીએ તો ઇંગ્લૅન્ડમાં જરૂરી શ્રમએકમોના 67 % એટલે 2/3 શ્રમએકમો વાપરીને ભારત 1 કિલો ઘઉં પેદા કરી શકે છે. હવે કાપડ વિશે વિચાર કરીએ. ભારતમાં એક મી. કાપડ બનાવવા 90 શ્રમએકમ જરૂરી છે. જ્યારે ઇંગ્લૅન્ડમાં તે માટે 100 શ્રમએકમ વાપરવા પડે છે. અર્થાત્ ઇંગ્લૅન્ડમાં 1 મી. કાપડ બનાવવા માટે આવશ્યક શ્રમએકમોના 90 % શ્રમએકમોમાં ભારત એટલું કાપડ બનાવી શકે છે. આમ, ભારત ઇંગ્લૅન્ડ કરતાં કાપડના ઉત્પાદન કરતાં ઘઉંના ઉત્પાદનમાં તુલનાત્મક રીતે વધુ કાર્યક્ષમ છે. એમાં તેને તુલનાત્મક લાભ (comparative advantage) છે. ઇંગ્લૅન્ડના પ્રયત્નના 90 % પ્રયત્નમાં તે એક મી. કાપડ મેળવે છે. જ્યારે ઘઉંના ઉત્પાદન માટે માત્ર 67 % પ્રયત્ન તેને કરવો પડે છે.

ઇંગ્લૅન્ડની ર્દષ્ટિએ વિચારીએ તો તેને બેય ચીજો બનાવવામાં ભારત કરતાં વધુ શ્રમએકમ વાપરવા પડે છે, ને તેથી પૂરેપૂરી પ્રતિકૂળતા (absolute disadvantage) છે; પરંતુ ઘઉંના ઉત્પાદન માટે ભારતમાં જરૂરી શ્રમએકમોના 150 % (એટલે કે દોઢા) શ્રમએકમોનો તેણે ઉપયોગ કરવો પડે છે. એક મી. કાપડ માટે ભારતમાં આવશ્યક શ્રમએકમોના 111 % શ્રમએકમો તેને જોઈએ છે. તુલનાત્મક ર્દષ્ટિએ તેને કાપડના ઉત્પાદનમાં પ્રતિકૂળતા કે ગેરલાભ લઘુતમ છે.

આ પરિસ્થિતિમાં ભારતે ઘઉંના ને ઇંગ્લૅન્ડે કાપડના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી બીજી ચીજ વેપાર મારફતે મેળવવી જોઈએ. તેમાં તેમને લાભ થશે.

અહીં એક ધારણા સ્પષ્ટ કરી લઈએ. બે દેશ છે, તેઓ બે ચીજો પેદા કરી શકે છે. આ ધારણાઓ તો સરળતા ખાતર આપણે સ્વીકારી છે. ત્રીજી ધારણામાં એક ચીજ પેદા કરવા માટેના બે દેશોના ઉત્પાદનખર્ચના પ્રમાણ (80/120) અને બીજી ચીજ પેદા કરવા માટેના બે દેશોના ઉત્પાદનખર્ચના પ્રમાણ (90/100) વચ્ચે તફાવત છે. એમ આપણે સ્વીકારીએ છીએ. આ ધારણાઓવાળી પરિસ્થિતિમાં બંને દેશોને આંતરરાષ્ટ્રીય વ્યાપારથી લાભ થશે. એક દેશ બંને ચીજોના ઉત્પાદનમાં પ્રતિકૂળતા ધરાવે છે તે હકીકતથી આ સિદ્ધાંતમાં કોઈ ફેર પડતો નથી.

આ લાભ કઈ રીતે થાય છે તેની સાબિતી હવે જોઈએ.

બે દેશો વચ્ચે વ્યાપાર નથી, તેઓ સ્વાવલંબી છે. એમ ધારો બંને દેશો બેય ચીજો પેદા કરે છે. આ ચીજોના ભાવ દરેક દેશમાં તેમના ઉત્પાદનખર્ચ પરથી તે માટે વપરાતા શ્રમએકમ પરથી મુકરર થશે. ભારત એક કિલો ઘઉં 80 શ્રમએકમ દ્વારા ને 1 મી. કાપડ 90 શ્રમએકમ દ્વારા પેદા કરે છે. એટલે ત્યાં કાપડ ઘઉં કરતાં વધુ મોંઘું હશે. 1 કિ. ઘઉં = 80/90 અર્થાત્ 0.89મી. કાપડ : આ વિનિમય દર ત્યાં પ્રવર્તતો હશે.

ઇંગ્લૅન્ડમાં 1 કિ. ઘઉં અને 1 મી. કાપડ પેદા કરવા માટે અનુક્રમે 120 ને 100 શ્રમએકમ જરૂરી છે. અહીં ઘઉં મોંઘા હશે. 1 કિ. ઘઉં = 120/100 અર્થાત્ 1.2 મી. કાપડ આ બે ચીજો વચ્ચેનો વિનિમય દર હશે.

હવે સ્વાવલંબનની ધારણા દૂર કરીને વ્યાપાર શક્ય છે એમ માની આગળ વિચારીએ. જો ભારતને 1 કિ. ઘઉંના બદલામાં 0.89 મી. કાપડ કરતાં વધુ કાપડ મળે તો લાભ થશે. ઇંગ્લૅન્ડને 1 કિ. ઘઉં માટે 1.2 મી. કાપડ કરતાં ઓછી કિંમત ચૂકવવી પડશે તો ફાયદો થશે. આમ, ઘઉંની આંતરરાષ્ટ્રીય કિંમત 1.2 અને 0.89 મી. કાપડ વચ્ચે હશે તો બંને દેશોને વેપારથી લાભ થશે.

આંતરરાષ્ટ્રીય વિનિમયનો દર કિ. ઘઉં = 1 મી. કાપડ છે એમ ધારી લઈએ. આ પરિસ્થિતિમાં ઇંગ્લૅન્ડને કાપડની નિકાસ કરીને ઘઉંની આયાત કરવાથી લાભ થશે. વેપારની શક્યતા નહોતી ત્યારે 1 કિ. ઘઉં માટે તેને 120 શ્રમએકમ વાપરવા પડતા હતા. હવે 100 શ્રમકલાક મહેનત કરીને તે 1 મી. કાપડ પેદા કરી શકે છે ને પછી વિશ્વબજારમાંથી તેના બદલે 1 કિ. ઘઉં મેળવી શકે છે. વેપાર નહોતો ત્યારે જરૂરી પ્રત્યેક કિ. ઘઉં મેળવવા તેને 120 શ્રમએકમ જેટલો ખર્ચ થતો હતો. વેપાર થાય છે ત્યારે આ ખર્ચ માત્ર 100 શ્રમકલાક જેટલો થાય છે. 20 કલાકનો શ્રમસમય બચ્યો તેમાં તે વધુ કાપડ પેદા કરી શકે, પોતાનું જીવનધોરણ સુધારી શકે, અથવા વધુ ફુરસદ ને આરામ ભોગવી શકે.

ભારતને પણ સ્વાવલંબનના તબક્કામાં 1 મી. કાપડ મેળવવા માટે 90 શ્રમએકમનો ખર્ચ કરવો પડતો હતો. વેપાર આરંભાય છે પછી 1 કિ. ઘઉં 80 શ્રમએકમ વાપરીને તે પેદા કરે છે ને દુનિયાના બજારમાંથી તે તેના બદલામાં એક મી. કાપડ સહેલાઈથી મેળવી શકે છે. આ રીતે બચાવાયેલા પ્રત્યેક 10 શ્રમએકમનો તે વધુ ઉત્પાદન મેળવવા માટે ઉપયોગ કરી શકે છે.

આમ તુલનાત્મક લાભ હોય તે ચીજ પેદા કરવામાં વિશિષ્ટીકરણ (specialisation) સાધીને અને તેના અધિશેષની નિકાસ કરી અન્ય ચીજ આયાત કરવાથી બંને દેશને લાભ થાય છે. સ્વાવલંબી બને તેના કરતાં વેપાર કરીને દેશ વધુ ઉપભોગ કે વપરાશ કરી શકે છે.

અહીં પણ સરળતા ખાતર વેપારનો વાહનવ્યવહાર વગેરેનો ખર્ચ થતો નથી એમ ધારી લેવામાં આવ્યું છે તે નોંધવું જોઈએ. એને લક્ષમાં લઈએ તો આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ તેટલો ઓછો થાય, પણ બંને દેશોને લાભ તો રહે જ. આંતરરાષ્ટ્રીય વેપારથી બંને દેશોને લાભ થાય છે એમ કહીએ ત્યારે પ્રત્યેક દેશમાંની એક એક વ્યક્તિને લાભ થાય છે એવું આપણે કહેવા માગતા નથી, સમગ્ર રીતે દેશને થતા લાભની જ આ વાત છે.

બંને દેશમાં ઉત્પાદનક્ષેત્રે સ્થિર મળતરનો નિયમ અમલમાં છે એમ સરળતા ખાતર ધારીએ તો ભારત પોતાનાં બધાં સાધન ઘઉંના ઉત્પાદનમાં ને ઇંગ્લૅન્ડ કાપડના ઉત્પાદનમાં ખસેડશે, પોતાને અનુકૂળતા હશે તે ચીજ પેદા કરશે ને વેપાર દ્વારા અન્ય ચીજ મેળવશે. આ પ્રક્રિયા બંને માટે લાભકારક પુરવાર થશે.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી જે. એ. મિલે આ વિચારતંતુને આગળ ચલાવ્યો. શ્રમવિભાજનને વેપારથી બંને દેશોને લાભ થાય છે એ રિકાર્ડોની વાત સાચી પરંતુ તેમને એકસરખો લાભ થતો નથી એ વાત તરફ તેણે ધ્યાન દોર્યું. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે થતા લાભ દેશ દેશ વચ્ચે કઈ રીતે વહેંચાય છે તેનો મિલે વિચાર કર્યો છે. અહીં નિર્ણાયક પરિબળ છે સમતુલા વખતે સ્થિર થતો ઘઉં અને કાપડ વચ્ચેનો વિનિમયનો દર. આ દર 1:0.89 અને 1:1.2 વચ્ચે હશે એ તો રિકાર્ડોએ દર્શાવ્યું હતું પણ ખરેખર કેટલો હશે ? મિલે આ પ્રશ્નનો જવાબ પારસ્પરિક માંગનો સિદ્ધાંત રજૂ કરીને આપ્યો. સરળ ભાષામાં આ સિદ્ધાંતનો અર્થ એટલો જ થાય છે કે બે વસ્તુઓ વચ્ચેનો આંતરરાષ્ટ્રીય વિનિમયદર બંને દેશોની આયાત માટેની માંગ અને તેમની નિકાસની વસ્તુના પુરવઠા પર અવલંબે છે.

સાદાં અને સચોટ ઉદાહરણની મદદથી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વિકસાવેલ તુલનાત્મક લાભનો આ સિદ્ધાંત મૂળભૂત રીતે સંગીન છે. એ કેટલીક ધારણાઓ પર રચાયેલો છે એ વાત સાચી; દા. ત., દુનિયામાં બે જ દેશ છે, બે જ ચીજો અસ્તિત્વમાં છે. શ્રમ જ એકમાત્ર ઉત્પાદનનું સાધન છે, વાહનવ્યવહારનો ખર્ચ નથી, સાધનરોકાણ અને ઉત્પાદન વચ્ચે ચોક્કસ પ્રકારનો સંબંધ છે, આ બધી સિદ્ધાંત પાછળની ધારણાઓ છે. ઉપરાંત પૂર્ણ રોજગારીની ધારણા પણ અહીં કરવામાં આવી છે. પરંતુ આ ધારણાઓને કારણે તેની પાયાની દલીલની સંગીનતાને આંચ આવતી નથી. પછીના અર્થશાસ્ત્રીઓએ પ્રતિપાદિત કરેલી પાયાની વાત સ્વીકારી છે. આ સિદ્ધાંતના આધારે મુક્ત વેપારની નીતિની પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ભલામણ કરી હતી ને સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયમનોનો વિરોધ કર્યો હતો.

બદરીપ્રસાદ મ. ભટ્ટ