તુપોલેવ, આન્દ્રેય નિકોલાયેવિચ

January, 2014

તુપોલેવ, આન્દ્રેય નિકોલાયેવિચ (જ. 10 નવેમ્બર 1888, પુસ્તોમા ઝોવો, રશિયા; અ. 23 ડિસેમ્બર 1972, મૉસ્કો) : વિશ્વના પ્રથમ પરાધ્વનિક વિમાનની ડિઝાઇન અને રચના કરનાર રશિયાના વૈજ્ઞાનિક ઇજનેર. મૉસ્કોની ટૅક્નિક્લ કૉલેજમાંથી 1918માં સ્નાતક થયા. વિદ્યાર્થી તરીકે જ તેમણે ગ્લાઇડરની ડિઝાઇન કરી એ પ્રમાણે ગ્લાઇડરો બનાવ્યાં અને પ્રાયોગિક ધોરણે તેમનાં ઉડ્ડયન પણ કર્યાં.

નિકોલાઈ ઝુકૉર્વ્સ્કી સાથે મળીને  સેન્ટ્રલ ઍરોહાઇડ્રોડાઇનેમિક્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને તેમાં તેની સ્થાપનાના વર્ષ 1918થી 1936 સુધી, પ્રમુખ ડિઝાઇનરથી લઈને સહાયક નિર્દેશક સુધીના હોદ્દાઓ ઉપર કામગીરી બજાવી.

તેમના માર્ગદર્શન હેઠળ જુદાં જુદાં સો પ્રકારનાં નાગરિક અને લડાઈનાં વિમાનો બનાવવામાં આવ્યાં. તેમાં જાણીતાં થયેલ બે એન્જિનવાળાં TB-1, ત્રણ એન્જિનવાળાં ANT-9; ચાર એન્જિનવાળાં TB-3 છે. તેમણે બનાવેલું ANT-25 વિમાન ઉત્તર ધ્રુવ પરથી ઊડીને 1937માં મૉસ્કોથી અમેરિકામાં ગયું જે, તે જમાનાની વિરલ સિદ્ધિ હતી. તેમણે TU-104 નામનું બે એન્જિનવાળું જેટ વિમાન 1955માં બનાવ્યું, જે નિયમિત યાત્રીસેવા માટે ઉપયોગમાં લેવાયેલું વિશ્વનું પ્રથમ વિમાન હતું.

1936–37માં જર્મની અને અમેરિકાના  પ્રવાસ માટે તેમને લોકશત્રુ ગણીને લગભગ પાંચ વર્ષ કારાવાસની સજા થયેલી. જોકે તેઓ તો માત્ર ઔદ્યોગિક ધોરણે વિમાન બનાવવાની તાલીમ લેવા માટે ગયા હતા. જેલવાસ દરમિયાન તેમણે બે એન્જિનવાળા બૉમ્બર વિમાનની ડિઝાઇન કરી. 1939માં રશિયાએ તેમને જેલમાંથી મુક્ત કર્યા અને ફરી સન્માનનીય નાગરિક તરીકે પ્રતિષ્ઠિત કર્યા. તેમણે કારાવાસ દરમિયાન ડિઝાઇન કરેલ બૉમ્બર બનાવવામાં આવ્યાં, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉપયોગી સાબિત થયાં. આ શોધ માટે તુપોલેવને લેનિન પુરસ્કાર અપાયો.

તુપોલેવની પરમસિદ્ધિ વિશ્વના પ્રથમ પરાધ્વનિક વિમાનનાં ડિઝાઇન તથા નિર્માણ સંબંધી છે. આન્દ્રેય અને એલેક્સીએ ‘તુપોલેવ ટીયુ-144’ વિમાનનું આયોજન કર્યું. ડિસેમ્બર, 1968માં તેનું પરીક્ષણ કરાયું. મે, 1970માં મૉસ્કોમાં પ્રદર્શિત કરાયું. તેની લંબાઈ 65.7 મી., પાંખપ્રસાર 28.8 મી અને વેગ 2.2. મેખ (2300 કિમી. પ્રતિ કલાક) હતાં.

પ્રકાશ રામચંદ્ર