તલ : વનસ્પતિના દ્વિદળીવર્ગમાં આવેલ કુળ પિડાલિયેસીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sesamum indicum Linn. syn. Sesasum orientale Linn. (સં. તિલા; હિં. તિલ; ગુ. તલ તા. જીંગલી; તે. નુગુલ્લુ; મલ. કારુએલ્લુ; ઓ-રાસી; ક. થેલ્લુ; મ. તીળ; પં. તીલ; કે તીલી) છે.

ઉદભવ અને વિતરણ : તેના મૂળ નિવાસ વિશે વિવિધ મંતવ્યો અપાયાં છે. એક મત પ્રમાણે આફ્રિકાનો એબીસીનિયન વિસ્તાર તલની જંગલી જાતિનું ઉદભવસ્થાન છે. ખેતીલાયક જાતોનું પંજાબ, કાશ્મીર, મધ્યભારત, આસામ અને મ્યાનમાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન તથા તુર્કસ્તાનના અમુક ભાગમાં પણ વાવેતર થાય છે. તલનું વધુ વાવેતર ભારત, ચીન, સુદાન, મ્યાનમાર અને મેક્સિકોમાં થાય છે. ભારતમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસા, ગુજરાત, તમિળનાડુ અને કર્ણાટક રાજ્યમાં તેનું વાવેતર થાય છે.

તલ : (1) ફૂલ સાથેની ડાળખી, (૨) ઊઘડેલી પુષ્પકળી, (3) સ્ત્રીકેસર, (4) ફળ, (5) બીજ.

બાહ્ય લક્ષણો : તે 0.5થી ૨.0 મી. ઊંચી એકવર્ષાયુ, શાકીય વનસ્પતિ છે. જાત પ્રમાણે તેમાં 16, 3૨ કે 64ની સંખ્યામાં રંગસૂત્રો હોય છે. પ્રકાંડ સીધું, ઊભું અને ચોરસ આકારવાળું આછા લીલાથી જાંબલી રંગનું (મોટા ભાગે ઘેરા લીલા રંગનું) હોય છે. પ્રકાંડ ઉપર પર્ણો સમ્મુખ એકાંતરિક કે મિશ્રિત રીતે ગોઠવાયેલાં હોય છે. પર્ણ આશરે 3થી 17 સેમી. લાંબાં અને 1.0થી 7.0 સેમી. પહોળાં હોય છે. પુષ્પ ઘંટ આકારનાં અને સફેદ ગુલાબી કે પીળા રંગનો દલપુંજ (corolla) ધરાવે છે. તે સ્વપરાગિત, (self pollinated) પાક છે. ક્વચિત્ પરપરાગનયન થાય છે. તલનાં  બીજ રંગે સફેદ, ભૂખરાં કે કાળાં, લંબગોળ આકારનાં, 1000 બીજનું વજન ૨થી 3.5 ગ્રામ જેટલું હોય છે. તલના તેલનો રંગ આછો કે ગાઢો લીલાશ પડતો પીળો હોય છે.

આબોહવા અને જમીન : હૂંફાળી આબોહવા અનુકૂળ છે. વૃદ્ધિ પર ધુમ્મસ, સતત ભારે વરસાદ કે લાંબી સુકારાજનક પરિસ્થિતિની ખરાબ અસર થાય છે. 25° સે.થી 27° સે. તાપમાનમાં સ્ફુરણ, વૃદ્ધિ તથા પુષ્પનિર્માણ ઝડપી થાય છે. મેદાનોમાં કે 1250 મી. ઊંચાઈએ થઈ શકે છે. સારા નિતારવાળી, હલકી અને વધુ ભેજસંગ્રહશક્તિ ધરાવતી રેતાળ ગોરાડુ કે ગોરાડુ જમીન વધુ માફક આવે છે. અર્ધરણ પ્રદેશ જેવી રેતાળ કે ભારે કાળી  જમીનમાં પણ તે થઈ શકે છે. જમીનમાં પાણીનો લાંબા સમય સુધી થતો ભરાવો પાકને માફક આવતો નથી.

વાવણી : હળ કે ટ્રૅક્ટરથી ચાલતા કૃષિયંત્રથી બે ખેડ કરી જમીનને પોચી અને ભરભરી બનાવવામાં આવે છે. મુખ્યત્વે તલ, કપાસ, તુવેર, બાજરી, મકાઈ, ડાંગર કે મગફળી સાથે મિશ્રપાક તરીકે લેવાય છે. વાવણી બીજ છાંટીને કે ઓરીને કરવામાં આવે છે. હેક્ટરે 3થી 5 કિલો બીજ સાથે સૂકી અને ઝીણી માટી, રેતી કે છાણિયું ખાતર મિશ્ર કરીને 30 કે 45 સેમી.ના અંતરે વાવણિયા વડે ૨થી 3 સેમી. ઊંડાઈએ બીજને ઓરીને કરવામાં આવે છે. બે છોડ વચ્ચે 15થી 20 સેમી.નું અંતર જાળવી વાવણી બાદ 15થી 20 દિવસે પારવણી કરવામાં આવે છે. વાવણી સામાન્ય રીતે જૂનના છેલ્લા કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મેથી જુલાઈ માસમાં વાવણી થાય છે. શિયાળુ પાકની વાવણી ઑક્ટોબર કે નવેમ્બરમાં થાય છે. અર્ધશિયાળુ પાકની વાવણી ઑગસ્ટના પાછલા કે સપ્ટેમ્બરના આગલા પખવાડિયામાં કરવામાં આવે છે.

ખાતર : પાકને 20થી ૨5 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર તથા 30-60-30 નાઇટ્રોજન ફૉસ્ફરસ પોટૅશિયમ આપવાથી સારું ઉત્પાદન મળે છે. જે પૈકી ફૉસ્ફરસ અને પોટાશ પાયાના ખાતર તરીકે વાવણી પહેલાં ચાસમાં ઓરીને જ્યારે નાઇટ્રોજન વાવણી બાદ 30 અને 50 દિવસે બે હપતામાં આપવામાં આવે છે. પાસવાળી કરબડીથી વાવણી બાદ 15 અને 30 દિવસે બે આંતર ખેડ તથા 20 કે 25 દિવસે નિંદામણ કરાય છે.

રોગો અને જીવાત : ફૂગ, બૅક્ટેરિયા માઇકોપ્લાઝ્મા અને વિષાણુ દ્વારા તલના પાકમાં થતા રોગો આ પ્રમાણે છે :

1. તલનો ફાઇટોપ્થોરા બ્લાઇટ (ઝાળરોગ) : આ રોગ Phytophthora parasitica નામની ફૂગથી થતો હોય છે. વધુ વરસાદવાળાં વર્ષોમાં આ રોગથી ઘણું નુકસાન થાય છે. શરૂઆતમાં પાન પર ઝાંખા ભૂરા રંગનાં પાણીપોચાં ધાબાં દેખાય છે અને ધીમે ધીમે આ ધાબાં ભળી જઈને આખા પાનને ઘેરી લે છે. આવાં પાન ખરી પડે છે. આવાં ભૂખરા અને કાળા રંગનાં ધાબાં પર્ણદંડ, દાંડી કે થડ અને પુષ્પવિન્યાસ પર પણ પડે છે અને વધુ ભેજવાળા વાતાવરણમાં આવા રોગિષ્ઠ છોડ સુકાઈ જાય છે. તલની સીંગ પર આ રોગની અસર થાય ત્યારે સીંગમાં બીજ બંધાતાં નથી અને જે થોડાં ઘણાં બીજ બેસે છે તે ચીમળાયેલાં રહે છે.

આ રોગના નિયંત્રણ માટે રોગ દેખાય કે તરત 1 %વાળું બોર્ડોમિશ્રણ કે 0.2 %ના પ્રમાણમાં તાંબાયુક્ત દવા (કોપર ઑક્સિક્લોરાઇડ) અથવા ઝાઇનેબ 0.2 %નો છંટકાવ કરવો પડે છે. બીજો અને ત્રીજો છંટકાવ પહેલા છંટકાવ પછી પંદર દિવસના અંતરે કરાય છે.

2. પાનનાં ટપકાંના રોગ : Cercospora sesamai નામની ફૂગથી થતાં ટપકાં. આ ટપકાં ફૂલ બેસવાની પાકની અવસ્થાએ પાનની બંને બાજુએ ઝાંખાં બદામી હોય છે. ધીમે ધીમે તે એક બીજા સાથે મળી જઈ 8થી 10 મિમી. વ્યાસનાં બને છે. ભેજવાળા વાતાવરણમાં આવાં ટપકાં કાળાં પડી જઈ પાન ખરી પડે છે. રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય ત્યારે આવા રોગિષ્ઠ છોડનાં બીજમાં પણ રોગ લાગે છે.

અલ્ટરનેરિયા નામની ફૂગથી પણ પાનનાં ટપકાંનો રોગ થાય છે. આ રોગ કોઈ પણ અવસ્થામાં લાગે છે. ધરુ-અવસ્થામાં રોગ લાગે ત્યારે બીજપત્રો પર ભૂરા-લાલ રંગનાં ધાબાં પડે છે અને બીજપત્રો સુકાઈ જાય છે. પાન પર ગોળ કે અનિયમિત આકારનાં આઠથી દશ મિમી. વ્યાસનાં ભૂંખરાં ટપકાં પડે છે. આગળ જતાં આ ટપકાં ઘેરાં ભૂખરા રંગનાં બની જાય છે, જેમાં ગોળ એકાંતર કૂંડાળાં દેખાય છે. થડ પર ઊંડી ઊતરી ગયેલી ભૂખરી રેખાઓ પડે છે. રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય તો બધાં પાન ખરી જાય છે.

નિયંત્રણ : બીજ વાવતાં પહેલાં ત્રણ ગ્રામ/કિલો બીજને કૅપ્ટાન કે થાયરમ દવાની માવજત આપી બીજ વાવે છે.

છોડ 40 દિવસનો થાય ત્યારે 1 %વાળાં બોર્ડોમિશ્રણ કે 0.2 %વાળી તાંબાયુક્ત દવા અથવા 0.2 %વાળી ઝાઇનેબ દવા છાંટે છે. આવા બે છંટકાવ 15–15 દિવસના અંતરે કરે છે.

3. તલનો સુકારો : આ રોગ જમીનજન્ય ફૂગ Fusarium oxysporumથી થાય છે.

આ રોગથી છોડનાં પાન સુકાવા લાગે છે. છોડની જલવાહિનીમાં રોગકારક ફૂગની વૃદ્ધિ થવાથી આ રોગ થતો હોય છે. થડ કે દાંડી પર કાળાં ધાબાં દેખાય છે. પાન સુકાઈ છોડ આખો મરી જાય છે.

નિયંત્રણ : બીજને એક કિલોગ્રામ બીજદીઠ ત્રણ ગ્રામ કૅપ્ટાન કે થાયરમ ભેળવી માવજત આપે છે. શક્ય તેટલી પાકની ફેર-બદલી કરે છે.

4. સૂક્ષ્મ જીવાણુથી થતો ટપકાં અને ઝાળનો રોગ : આ બંને રોગો એક પ્રકારના બૅક્ટેરિયાથી પેદા થાય છે. રોગની શરૂઆતમાં પાન પર પાણીપોચાં ટપકાં દેખાય છે. રોગ છોડની કોઈ પણ અવસ્થામાં લાગે છે. રોગને લીધે પડતાં ટપકાં ઘેરાં ભૂરાં કે બદામી રંગનાં બની જાય છે. બીજા એક સૂક્ષ્મ જીવાણુથી આવાં ટપકાં બની જાય છે. પછી છોડ આખાને આગની ઝાળ લાગી હોય તેવું થઈ છોડ સુકાઈ જાય છે. આને ઝાળનો રોગ કહે છે.

આ રોગો આવતા હોય તેવા વિસ્તારમાં બીજને ઍગ્રિમાઇસીન (0.025 %)અને ઓગળી શકે તેવાં સેરેસાન (0.025 %) સાથે દ્રાવણ બનાવી ચાર કલાક તેમાં બીજ બોળી, છાંયડામાં સૂકવી વાવવાના ઉપયોગમાં લે છે.

છોડ જ્યારે એક માસનો થાય ત્યારે સ્ટ્રેપ્ટ્રોસાઇક્લીન દવા 100 લિટર પાણીમાં પાંચ ગ્રામ દવાને હિસાબે ઓગાળી પહેલો છંટકાવ કરે છે અને બીજા બે છંટકાવ પંદર દિવસના અંતરે કરે છે.

5. પાનનો કોકડવા : પાનનો કોકડવા રોગ વિષાણુથી થતો હોય છે. અને તેનું પ્રસરણ મશી દ્વારા થાય છે. રોગથી પાન કોકડાઈ નીચેની બાજુએ વળી જાય છે. અને જાડાં બને છે. રોગની અસરને લીધે ટોચ પરનાં પાન વિકાસ પામતાં નથી. રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય ત્યારે તલની સીંગો બંધાતી નથી.

6. ગુચ્છપર્ણનો રોગ : અંગ્રેજીમાં ‘ફાયલોડી’ નામે ઓળખાતો આ રોગ માઇકોપ્લાઝ્માથી થાય છે. ફૂલ આવવાના સમયે ફૂલ બેસવાની જગ્યાએ નાનાં નાનાં પાનના વિકૃત ગુચ્છ બને છે જેને કારણે સીંગ બેસતી નથી અને બીજના ઉત્પાદનમાં મોટું નુકસાન જાય છે. ચૂસિયા પ્રકારના મોલોમસી અને તડતડિયા જેવા કીટકો દ્વારા આ રોગનો ફેલાવો થાય છે.

આ કીટકોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવા છાંટવામાં આવે છે.

7. ઢીલો અંગારિયો : આ રોગ Ustilago tritici નામની ફૂગથી થાય છે. તેને કારણે કંટીમાં દાણા બેસતા નથી. અને દાણાની જગ્યાએ ફૂલના કાળા પાઉડર જેવાં બીજાણુઓ પેદા થાય છે.

તેનું નિયંત્રણ ઘઉંના ઢીલા અંતરિયા રોગની માફક કરવામાં આવે છે.

જીવાત : આ મહત્વના તૈલી પાકમાં વાવેતરથી કાપણી દરમિયાન અનેક જીવાતોનો ઉપદ્રવ થાય છે. જીવાતો તલનાં પાંદડાં, ફૂલ અને ડોડવા જેવા વિવિધ ભાગોને નુકસાન પહોંચાડે છે (નિયંત્રણ માટે જુઓ અધિકરણો કાતરા, કીટકનિયંત્રણ). ખપૈડી, કાતરા અને પાન વાળનારી ઇયળ પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પહોંચાડે છે; જ્યારે પાક થોડો મોટો થતાં ભૂતિયાં ફૂદાં અને પાન ખાનારી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. ફૂલ અને ડોડવા બેસતાં ગાંઠિયા ઇયળ, ડોડવાનાં ચૂસિયાં અને માથા બાંધનાર ઇયળનો ઉપદ્રવ થાય છે.

ડોડવાં(બેઢા)માંથી તલ ખરી પડે નહીં તે માટે પાન તથા ડોડવાં પીળાં પડી જાય ત્યારે દાતરડાથી જમીન નજીકથી છોડ કાપીને પૂળા  બાંધી ખળા કે શેઢા પર ઊભા ગોઠવી સૂકવવામાં આવે છે. છોડને ઊંધા પાડી ખંખેરીને તલ ભેગા કરી સાફ કરી સંગ્રહવામાં આવે છે. આ રીતે બધા દાણા મળી જાય ત્યાં સુધી આ પદ્ધતિ ચાલુ રાખવામાં આવે છે. અમેરિકા, ઇઝરાયલ અને સુદાનમાં યાંત્રિક કાપણી માટે છોડને એક સાથે પરિપક્વ બનાવવા એન્ડોથેલ, પેન્ટાક્લોરોફિનોલ, મેલેઇક હાઇડ્રેઝાઇડ અને સાયનોક્સ જેવાં રસાયણો છોડ પર છાંટવામાં આવે છે.

ઉત્પાદન : ભારતમાં તલનું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 150 કિગ્રા. અને મેક્સિકો અને વેનેઝુએલામાં હેક્ટરે સરેરાશ 600 કિગ્રા. જ્યારે સારી માવજતથી હેક્ટરે લગભગ 800 કિગ્રા. ઉત્પાદન મળે છે.

રાસાયણિક બંધારણ : 100 ગ્રામ સૂકા તલનાં 4.1 %થી 6.5 % ભેજ, 43. %થી 56.8 % ઇથર એકસ્ટ્રેક્ટ પ્રોટીન, 2.9 %થી 8.6 % કાચા રેસા, 9.1 %થી 25.3 % કાર્બોદિત પદાર્થ, 4.1 %થી 7.4 % ખનિજ પદાર્થ, 1.06 %થી 1.45 % કૅલ્શિયમ, 0.47 %થી 0.62 % ફૉસ્ફરસ અને અલ્પ માત્રામાં લોહ, આયોડિન, જસત, કોબાલ્ટ, મોલિબ્ડેનમ અને નિકલ હોય છે.

ઉપયોગો : તલનો સીધો ઉપયોગ ખાવામાં, ખાદ્ય તેલ મેળવવા, ચીકી, બિસ્કિટ, તલસાંકળી કે કચરિયું જેવી વાનગીઓમાં, વાળ માટે સુગંધિત તેલ, આંખ માટે અંજન, સુગંધિત અત્તરો, સાબુ, સૌંદર્ય- પ્રસાધનો, જંતુનાશક દવાઓ વગેરે બનાવવા માટે થાય છે. વેનેઝુએલામાં દૂધ ખાંડ અને તલને પીસીને પીણું બનાવવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર તલ બલકર, સ્નિગ્ધ, ભારે, અગ્નિદીપક, સ્તનમાં દૂધ વધારનાર, પિત્તલ, કેશને હિતાવહ, અલ્પમૂત્રકારક, વ્રણ વિશે પથ્યકારક, ગ્રાહક, તૂરા, મધુર, કડવા, પાકકાળે તીખા, શીત, મતિપ્રદ, દાંત માટે હિતકારક, વર્ણકર અને કફકારક હોય છે. તે વ્રણ અને વાયુનો નાશ કરે છે. સફેદ તલ કરતાં કાળા તલ વધારે ગુણકારી હોય છે. તલનું તેલ વ્રણશુદ્ધિ કરે છે. તલનો ઉપયોગ મૂત્રાઘાત, દાહ, ચહેરા પર થતી ફોલ્લીઓ, અગ્નિદગ્ધ વ્રણ, ઋતુસ્રાવ થવા માટે, દાંત હલતા હોય તે ઉપર, અપસ્માર (વાઈ), આધાશીશી, કૂતરા અને ધંતુરાના વિષ ઉપર, શરીર ઉપર ફોલ્લા થાય તે માટે, પ્રમેહ, વીર્યપતન, હરસ, અશ્મરી અને શુક્રાશ્મરી, તણખિયો પરમિયો, મસાજ રક્તગુલ્મ, વાળો વગેરે ઉપર થાય છે.

તેલ કાઢી લીધા પછી બાકી રહેતી આડપેદાશ ખોળ કહેવાય છે; જે દુધાળાં ઢોર માટે ખાસ અને મરઘાં બતકાંના આહાર તરીકે વપરાય છે. બગડી ગયેલો ખોળ સેંદ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.

વિજયસિંહ છત્રસિંહ રાજ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ