તલાટી : મહેસૂલ ખાતાનો વહીવટી અધિકારી તથા ગ્રામ પંચાયતનો મંત્રી. પંચાયતી ધારાની કલમ 10૨ અનુસાર દરેક ગ્રામપંચાયતને તલાટી હોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામની વસ્તી ખાતેદારોની સંખ્યા અને કાર્યોના પ્રમાણને ધ્યાનમાં રાખીને તલાટીની જગ્યા ફાળવવામાં આવે છે. હાલના માળખા પ્રમાણે મહેસૂલ ખાતા માટે તે તલાટીની કામગીરી તથા ગ્રામપંચાયતના મંત્રી તરીકે કામ કરે છે. તેથી તેને તલાટી અને મંત્રી તરીકે ઓળખવામાં આવે છે. જમીન હકપત્રક અને અન્ય બાબતોમાં તથા જમીનને મોંબદલો કરવાનો હોય ત્યારે તેણે મામલતદાર ઑફિસ સાથે કામ કરવાનું રહે છે, જ્યારે જમીન મહેસૂલ ઉઘરાવવા અંગે અને ગ્રામપંચાયતનાં બીજાં તમામ વહીવટી કાર્ય કરવા માટે તેણે તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે કામ કરવાનું હોય છે. ગામ નાનું હોય, જમીન ઓછી હોય તો બે કે ત્રણ ગામ વચ્ચે એક જ તલાટીની નિમણૂક કરવામાં આવે છે. જ્યાં મહેસૂલની કામગીરી વધુ હોય ત્યાં ગ્રામપંચાયત, સ્વભંડોળમાં ખર્ચ પાડીને કારકૂન કે સહાયક મંત્રી પણ રાખી શકે છે. તલાટીને સરપંચના હાથ નીચે મોટેભાગે કામગીરી બજાવવાની હોય છે. સરપંચને તે જરૂરી માહિતી પૂરી પાડે છે, પંચાયતમાં થયેલા ઠરાવો, કામગીરી નિયમો અને કાયદા અનુસાર થઈ છે કે કેમ, તેનો ખ્યાલ તે કરે છે. તલાટીએ પંચાયતનાં દફતર સાચવવાનાં હોય છે. દફતરમાં કોઈ ગેરકાયદેસર સુધારાવધારા ન થાય તથા હકપત્રકમાં સુધારાવધારા કે છેકછાક ન થાય તેની કાળજી તલાટીએ રાખવાની હોય છે.

ગ્રામપંચાયતના વિકાસની અને પ્રગતિની જવાબદારી સરપંચની છે તો તે અંગેનાં દફતરો જાળવવાની ઠરાવ-લખાણ અને તેના અમલની જવાબદારી તલાટીની હોય છે. પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારથી મહેસૂલખાતામાં કામ કરતા તલાટીને જિલ્લાપંચાયતના કર્મચારી તરીકે ગણવામાં આવ્યા છે. પંચાયતનું બજેટ તૈયાર કરવું, હિસાબ રાખવો, પંચાયત હેઠળ ચાલતાં કામો  પર દેખરેખ રાખવી, લગ્નનોંધ રાખવી, જન્મ-મૃત્યુની નોંધ રાખવી વગેરે અનેક કાર્યો અને ફરજો તે બજાવે છે. મહેસૂલખાતા તરફથી આવતાં પરિપત્રો-નોંધો અને હુકમોનો અમલ કરવાની જવાબદારી પણ તલાટીની ગણાય છે. ગ્રામપંચાયતના વહીવટી ક્ષેત્રમાં તલાટીની ભૂમિકા મહત્વની ગણાય છે. ગામડામાં મહેસૂલી તંત્રનો સમગ્ર આધાર તલાટી ઉપર રહેલો હોય છે. ગામડાંઓમાં દરેક ખેડૂતને ખાતાવહી આપવામાં આવતી હોય છે. આ ખાતાવહી ભરવાની જવાબદારી તલાટીની રહે છે. જે ખેડૂત જમીનનો વેરો ભરવા માટે આવે તે ખેડૂતની ખાતાવહીમાં, બૅંકમાં જેમ પાસબુકમાં ઍન્ટ્રી પાડવામાં આવે છે તે રીતે, ઍન્ટ્રી પાડવામાં આવે છે. એ ખાતાવહીમાં બધી વિગતો ભરવામાં આવે છે. જમીનની માલિકીમાં ફેરબદલો થયો હોય તો તેવા  સુધારા પણ ખેડૂતપોથીમાં કરવાની જવાબદારી તલાટીના શિરે રહે છે. ખેડૂતોને જમીનવિકાસ બૅંકમાંથી લોન લેવી હોય કે વિદ્યાર્થીને આર્થિક રીતે પછાત હોવાનો દાખલો લેવાનો હોય તો તે કામગીરી પણ તલાટી કરતો હોય છે. કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે જમીનમાં દબાણ કરે કે ખોટી રીતે કબજો લે તો તેને  મુક્ત કરવાની કામગીરી તલાટીએ કરવાની હોય છે. પંચાયતના સભ્યની કોઈ જગ્યા ખાલી પડી હોય કે ભરાઈ ન હોય તો તુરત જ તલાટીએ તેની લેખિત જાણ તાલુકાપંચાયતને કરવાની રહે છે. પંચાયતની સભાઓના એજન્ડા તૈયાર કરવાની કામગીરી પણ તેને કરવાની રહે છે. પંચાયત-હસ્તકના બાંધકામનો હિસાબ રાખવાની તેની જવાબદારી હોય છે. ખેડૂતો સમયસર વેરા-મહેસૂલ ભરપાઈ કરે તે અંગેની વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી પણ તેની જ રહે છે.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા