તરુણ ભારત

January, 2014

તરુણ ભારત : મરાઠી સાપ્તાહિક. સ્થાપક જાણીતા મરાઠી લેખક ગ. ત્ર્યં. માડખોલકરે 1930માં નાગપુરથી શરૂ કરેલું. એ સાપ્તાહિકમાં પ્રારંભમાં તરુણ લેખકોને અગ્રસ્થાન અપાતું. તે ઉપરાંત એમાં સમકાલીન રાજકીય, સામાજિક, સાંસ્કારિક પરિબળો વિશે પણ આકરી ટીકા થતી. એમાં તંત્રી દ્વારા થતી ચર્ચાઓમાં પત્રકારનું તાટસ્થ્ય નહોતું અને ભાષા પણ ઉગ્ર તેમજ આક્ષેપાત્મક હતી. વિશેષે કરીને એમાં ગાંધીજીની પ્રત્યેક પ્રવૃ્ત્તિ વિશે નિંદાત્મક ટીકાઓ થતી અને આથી મહારાષ્ટ્રમાં એમની જબરી ટીકાઓ થતી. એ સાપ્તાહિકના બહિષ્કારનું આંદોલન પણ થયેલું. છેવટે સાપ્તાહિક બંધ કરવું પડ્યું. પણ એ સાપ્તાહિકે નવોદિત લેખકોને સારું પ્રોત્સાહન આપ્યું અને એણે એક નવી વિચારધારા મહારાષ્ટ્રમાં ફેલાવી.

હવે (2012) તે નાગપુરથી દૈનિક તરીકે પ્રકાશિત થાય છે.

ચન્દ્રકાન્ત મહેતા