તમાકુ ઉદ્યોગ, ભારતમાં : પોર્ટુગીઝોએ સોળમી સદીમાં (1508) તમાકુ ભારતમાં દાખલ કરી. બીદદ્રલ્ફે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લખેલા 28મી ઑક્ટોબર 1613ના પત્રમાં સૂરતની આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં તમાકુ ઉગાડવામાં  આવતી હતી તેવો ઉલ્લેખ છે. ટર્વેર્નીઅરે ઈ. સ. 1659માં લીધેલી મુલાકાતની નોંધમાં આ બાબતને સમર્થન મળે છે. ગુજરાત અને માળવા વિસ્તારમાં પણ તમાકુ ઉગાડવાની નોંધ ટૉમસ રૉયના અંગ્રેજ સેક્રેટરી એડવર્ડ ટેરી(1616–1619)એ કરી છે. ઇલિયટના સંગ્રહમાંથી જાણવા મળે છે કે ઈ. સ. 1603માં શહેનશાહ અકબરના મદદનીશ બીજાપુરથી આગ્રા તમાકુ લાવેલા. પર્શિયન ભાષાની હસ્તપ્રત ‘મન્સીર-એ-રહીમ’માં આપેલી માહિતી મુજબ અકબર બાદશાહના સામ્રાજ્ય (1556–1605) દરમિયાન તમાકુ યુરોપમાંથી દક્ષિણના પ્રદેશોમાં અને દક્ષિણમાંથી ઉત્તરીય પ્રદેશોમાં દાખલ થયેલી અને ત્યારથી તે સામાન્ય વપરાશમાં છે.

9, ફેબ્રુઆરી, 1619ના રોજ ‘લાયન’ નામના જહાજ દ્વારા રેશમના બદલામાં 707 મહમુદી અને 6 પૈસાની કિંમતની 155 મણ તમાકુ પર્શિયા ખાતે નિકાસ કરવાની નોંધ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પત્રવ્યવહારમાં મળે છે. ઈ. સ. 1677 સુધીમાં તમાકુના ધૂમ્રપાનનો વ્યાપ એટલો બધો વધી ગયો હતો કે સમ્રાટ જહાંગીરે તમાકુના ઉપયોગ સામે સખ્ત શિક્ષા કરવાનો આદેશ આપ્યો, જેનો ઉલ્લેખ તેમના જીવનવૃત્તાંત ‘તાઝક’માં જોવા મળે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૂરત ખાતેના પ્રેસિડેન્ટે ગુજરાતના દરિયાકિનારાના પ્રખ્યાત બંદરે સ્વાલીના કમાન્ડરને તારીખ 30મી ડિસેમ્બર, 1630ના રોજ આદેશ આપેલો કે ‘પર્શિયા ખાતે જતા માલસામાનમાં કોઈ પણ સંજોગોમાં રૂ અને તમાકુને સ્વીકારવાં નહીં.’

ઉપર્યુક્ત હકીકત જોતાં ભારતમાં તમાકુ સોળમી સદીમાં આવી હોવી જોઈએ. પરંતુ સાતમી સદીમાં કવિબાણની ‘કાદમ્બરી’માં ખુશબૂદાર સિગાર બનાવી પી શકાય એવો ઉલ્લેખ છે, જેથી સોળમી સદી પહેલાં પણ ભારતમાં તમાકુ ઉપલબ્ધ હોવી જોઈએ. તમાકુનો ધૂમ્રપાનમાં, સૂંઘવામાં અને ખાવામાં ઉપયોગ થાય છે. ભારતમાં તેની શરૂઆત હુક્કાથી થઈ હોય એમ લાગે છે. ત્યાર પછી આમજનતાની બીડી, સૂફીઓની સિગારેટ, બુદ્ધિજીવીઓની ચૂંગી, જાગીરદારોની સિગાર, કામદારવર્ગની ફાકી અને સ્ત્રીઓ માટેની છીંકણી એમ વિવિધ રીતે વપરાશ થતો ગયો હશે.

તમાકુના પ્રકાર અને વિસ્તાર : ભારતમાં આશરે 4.5 થી 5.0 લાખ હેક્ટરમાં તમાકુનું વાવેતર થાય છે. છોડનાં સૂકાં પાંદડાં જ મુખ્ય પેદાશ છે અને તે જ તમાકુ તરીકે ઓળખાય છે. દર વર્ષે લગભગ 5000થી 6000 લાખ કિલોગ્રામ તમાકુનું ઉત્પાદન થાય છે. તમાકુ કુલ વાવેતરના ફક્ત 0.23 % વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. પરંતુ 1994–95ના વર્ષ દરમિયાન આબકારી જકાતમાંથી ભારત સરકારને આશરે રૂ. 3476 કરોડની અને આશરે રૂ. 500 કરોડની વિદેશી હૂંડિયામણની આવક થઈ હતી. તદુપરાંત તમાકુના વ્યવસાયમાં 65 લાખથી વધુ લોકોને રોજી મળે છે. લગભગ 7.5 લાખ ખેડૂતો આ ધંધામાં રોકાયેલા છે. ભારતમાં ઉગાડવામાં આવતી તમાકુ પૈકી સિગારેટ માટેની તમાકુ 20 % વિસ્તારમાં, આંધ્રપ્રદેશના ઈસ્ટ અને વેસ્ટ ગોદાવરી, ગૂંતૂર, કિષ્ણા, પ્રકાશમ, નેલોર, કર્નુલ, કરીમનગર, ખમ્મમ, મહેબૂબનગર અને વારંગલ જિલ્લાઓમાં આશરે 80–120 હજાર હેક્ટરમાં અને કર્ણાટક રાજ્યના હસન, મૈસૂર અને ચિત્રદુર્ગ જિલ્લાઓમાં આશરે 20–30 હજાર હેક્ટરમાં ઉગાડવામાં આવે છે.

બીડી માટેની તમાકુ કુલ તમાકુના 37 % વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્યના ખેડા, વડોદરા અને પંચમહાલ જિલ્લાઓમાં 1 લાખ 10 હજાર હેક્ટરમાં અને કર્ણાટકના બેલગામ અને મહારાષ્ટ્રના કોલ્હાપુર તથા સાંગલી જિલ્લાઓમાં આશરે 40 હજાર હેક્ટરમાં ઉગાડવામાં આવે છે. તદુપરાંત બીડી માટેની તમાકુનું વાવેતર આંધ્રપ્રદેશના કર્નુલ જિલ્લાના બ્રહ્મકોત્તકર વિભાગમાં આશરે 5000 હેક્ટરમાં કરવામાં આવે છે. હુક્કામાં વપરાતી કલકત્તી તમાકુ મુખ્યત્વે ઉત્તરપ્રદેશના ઇટાહ અને ફર્રુખાબાદ જિલ્લાઓમાં 7000 હેક્ટરમાં અને મુઝફ્ફરપુરમાં આશરે 1500 હેક્ટરમાં ઉગાડવામાં આવે છે. કલકત્તી તમાકુ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના પેટલાદ અને ખંભાત તાલુકામાં અને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓમાં  આશરે 10–15 હજાર હેક્ટરમાં ઉગાડવામાં આવે છે. પશ્ચિમ બંગાળના કુચબિહાર અને જલપાઈગુરી પરગણામાં પણ મોતીહારી તમાકુ ઉગાડવામાં આવે છે. મહારાષ્ટ્રના પંઢરપુર વિસ્તારમાં ઉગાડવામાં આવતી કલકત્તી (પંઢરપુરી) તમાકુ ગુણવત્તાની ર્દષ્ટિએ શ્રેષ્ઠ ગણાય છે. ખાવાની તમાકુ 12 % વિસ્તારમાં મુખ્યત્વે મધ્યગુજરાતમાં (ખેડા) લાલ અને કાળું ચોપડિયું, બિહારમાં (પૂર્ણિયા, સમસ્તીપુર અને વૈશાલી) ખૈની, પશ્ચિમ બંગાળમાં (કુચબિહાર અને જલપાઈગુરી) જત્તી અને તમિળનાડુમાં (કોઇમ્બતુર, મદુરાઈ અને પેરિયાર) સન ક્યોર્ડ અને સ્મોક ક્યોર્ડ નામથી ઉગાડવામાં આવે છે. છીંકણી માટેની તમાકુ મુખ્યત્વે તમિળનાડુ અને ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. ઓરિસા રાજ્યમાં પીકા (નાટુ) તમાકુ-ચુટ્ટા બનાવવા માટેની તમાકુ-કલહંડી અને કોરાપુટ જિલ્લાઓમાં આશરે 15 હજાર હેક્ટરમાં ઉગાડવામાં આવે છે. સિગારેટ અને દેશી ચિરૂટ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવતી નાટુ તમાકુ આંધ્રપ્રદેશમાં ઉગાડવામાં આવે છે. જ્યારે ચિરૂટ માટેની ફીલર તમાકુ તમિળનાડુના તિરુચિરાપલ્લી જિલ્લામાં આશરે 600 હેક્ટરમાં અને સિગાર રેપર તમાકુ પશ્ચિમ બંગાળના દિનહટ્ટા વિસ્તારમાં 5થી 6 હેક્ટરમાં કરવામાં આવે છે.

સિગારેટઉદ્યોગ : ભારતમાં કુલ અગિયાર પેઢીઓનાં સત્તર કારખાનાંમાં સિગારેટ બનાવવામાં આવે છે. આ ઉદ્યોગથી સીધી રીતે 20,000 માણસોને અને કુલ્લે એક લાખ માણસોને રોજી મળે છે.

સિગારેટ બનાવવી તે એક જટિલ પ્રક્રિયા છે. ગુણવત્તા પ્રમાણે સિગારેટ તમાકુની ગાંસડી  તૈયાર કરી ખેડૂત વેચાણ માટે પ્લૅટફૉર્મ પર લાવે છે. આ તમાકુની ગાંસડીની ટૉબેકો બોર્ડ દ્વારા જાહેર હરાજી કરવામાં આવે છે. જે વેપારી વધુ ભાવ આપે તેની સાથે ટૉબેકો બોર્ડ ખરીદીના કરાર કરે છે. ખેડૂતને નાણા બોર્ડ દ્વારા ચૂકવવામાં આવે છે. વર્જિનિયા (સિગારેટ) તમાકુ અને અન્ય નિકાસ થતી તમાકુનું નિયમન કરી શકાય, વેચાણમાંની ગેરરીતિઓ ડામી શકાય અને ખેડૂતો છેતરાય નહિ તે માટે ભારત સરકારના વાણિજ્ય વિભાગે ઈ. સ. 1975માં ગુન્તુર (આંધ્રપ્રદેશ) ખાતે ટૉબેકો બોર્ડની સ્થાપના કરી અને તેને કાયદા હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે. સિગારેટ તમાકુના ખેડૂત અને વેપારી બંનેએ ટૉબેકો બોર્ડ પાસે નોંધણી કરાવવવાની રહે છે, જેથી તમાકુનો વિસ્તાર અને તેનું ઉત્પાદન બંનેનું નિયમન કરી શકાય.

આ રીતે ખરીદેલ તમાકુની ગાંસડીઓને રીડાઇંગ ફૅક્ટરીમાં મોકલી આપવામાં આવે છે. જે આંધ્રપ્રદેશના ચિરાલા અને અનકપલ્લી વિસ્તારમાં આવેલી છે. રીડાઇંગ ફૅક્ટરીમાં ભેજ ચુસ્તપણે જાળવવામાં આવે છે. જેથી ગાંસડીને ફરી બાંધી શકાય અને પરિપક્વ થવા માટે 12–24 મહિના સુધી ગોડાઉનમાં બગાડ થયા સિવાય રાખી શકાય. તમાકુ પરિપક્વ થયા પછી તમાકુના પાનને સિગારેટ બનાવવા માટે ઝીણાં કાતરવામાં આવે છે. અને જુદી જુદી ગુણવત્તાવાળી તમાકુનું મિશ્રણ તૈયાર કરી, વિવિધ ગુણવત્તાવાળી સિગારેટો બનાવવા માટે માવો તૈયાર કરવામાં આવે છે, જેને સિલિન્ડરમાં પસાર કરવાથી ધૂળ અને કચરો દૂર કરી શકાય છે. સિગારેટ બનાવવા માટે સ્વયંસંચાલિત મશીનરી હોય છે, જેમાં કલાકની આશરે 1200થી 3000 સિગારેટ બને છે. સિગારેટ સાદી તેમજ ફિલ્ટરવાળી બનાવવામાં આવે છે. ભારતમાં 1995ની સાલમાં 91 અબજ સિગારેટનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

ભારતમાં માથાદીઠ વાર્ષિક સરેરાશ વપરાશ 101 સિગારેટનો છે, જ્યારે વિશ્વમાં સૌથી વધુ વપરાશ અમેરિકામાં 1829 સિગારેટનો છે. ભારતમાં  100 કરતાં વધુ માર્કાની તથા 35 જુદી જુદી કિંમત જૂથની સિગારેટનું વેચાણ થાય છે. ધૂમ્રપાન વિરોધી ઝુંબેશને કારણે ફિલ્ટરટિપ સિગારેટનો વપરાશ વધ્યો છે, પણ સિગારેટ તમાકુના વપરાશમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકા, જર્મની, યુ.કે અને જાપાનમાં સિગારેટનો વપરાશ વધુ છે. ત્યાં 95 % સિગારેટ ફિલ્ટરવાળી પીવાય  છે. અત્યારે સિગારેટ ઉપર વધુ આબકારી જકાત હોવાથી અને બીડી ઉપર નહિવત જકાત હોવાથી સિગારેટ અને બીડી બનાવતાં કારખાનાં વચ્ચે તીવ્ર હરીફાઈ જોવા મળે છે. પ્રતિનંગ  બીડીની કિંમત 8થી 12 પૈસા છે. તેની સામે ટકી રહેવા માટે સિગારેટ બનાવતી ‘આઈ.ટી.સી.’ કંપનીએ ‘હિરો’ માર્કાની સિગારેટની કિંમત વીસ પૈસા પ્રતિ નંગથી ઘટાડી ચૌદ પૈસા કરી છે અને તે બાર પૈસા પ્રતિનંગ કરવાના પ્રયત્નો ચાલુ છે. સિગારેટમાં 12 મિલિગ્રામ ટાર અને 1 મિલિગ્રામ નિકોટીનથી ઓછું પ્રમાણ હોય તો જ નિકાસ થઈ શકે તેમ હોઈ આ દિશામાં સંશોધન ચાલુ છે. પરદેશમાં આ પ્રકારની અને આના કરતાં પણ ઓછા ટાર અને નિકોટીન વાળી સિગારેટ વિકસાવવામાં આવી છે.

ભારતમાં પ્રથમ સ્વદેશી સિગારેટ કારખાનું સ્થાપવાનો જશ ગુજરાતી સાહસિક નરસી મોનજી(1887-1944)ને ફાળે જાય છે. તેમણે 1930માં મુંબઈ ખાતે ગોલ્ડન ટૉબેકો કંપનીની સ્થાપના કરી હતી જેની કથ્થાઈ કાગળવાળી ‘તાજ છાપ’ સિગારેટ દેશમાં ખૂબ લોકપ્રિય થઈ. ટૂંક સમયમાં આ કંપનીએ દેશના બીજા ક્રમના સૌથી મોટા સિગારેટ-નિર્માતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

બીડીઉદ્યોગ : બીડી બનાવવા માટેની બીડી પત્તી તૈયાર કરવા માટે શરૂઆતમાં વાંસની  લાકડીથી ટીપીને અને વાંસના ચાળણાનો ઉપયોગ કરીને ચાળણ તૈયાર કરવામાં આવતું હતું. ત્યાર પછી વાંસના ચાળણાની જગ્યાએ લોખંડની જુદી જુદી છિદ્રવાળી જાળીનો ઉપયોગ શરૂ થયો. બીડી–તમાકુનો જથ્થો વધવાની સાથે વાંસની લાકડીથી પત્તી તૈયાર કરવાની જગ્યાએ ચિખોદ્રા(તા. આણંદ, જિ. ખેડા)ના વતની મગનભાઈ બેચરભાઈ પટેલે, મેસર્સ ચરોતર આયર્ન ફૅક્ટરીના માલિક જયંતીભાઈ પંચાલ સાથે પરામર્શ કરી તમાકુની પત્તી તૈયાર કરવા માટેની મશીનરી  વિકસાવી. આવાં આશરે 300 મશીન તમાકુનું ચાળણ તૈયાર કરવા માટે જુદા જુદા વિસ્તારમાં વપરાય છે. ગુજરાતમાં તમાકુ પકવતા ખેડા અને વડોદરા જિલ્લાઓમાં ગામડે ગામડે પત્તી તૈયાર કરવાની ખળીઓ આવેલી છે. મેસર્સ સારડાએ, નિપાણી (જિ. બેલગામ, કર્ણાટક રાજ્ય) ખાતે 1979માં અને વિઠ્ઠલ ઉદ્યોગનગર (ગુજરાત) ખાતે 1984માં બીડીતમાકુનું ચાળણ તૈયાર કરવાનાં સ્વયંસંચાલિત મશીન બેસાડ્યાં છે.

બીડી  બનાવવા માટેનાં અગત્યનાં અંગ એટલે બીડી પત્તી અને ટીમરુપાન. આ પાન 1902ની સાલમાં મેસર્સ મોહનલાલ  હરગોવિંદદાસે બીડી બનાવવાના ઉપયોગમાં લીધાં. આ પહેલાં બીડી બનાવવા માટે આસીતરીનાં પાનનો ઉપયોગ થતો હતો. ધ બૉમ્બે ગેઝેટ(1879)માં બીડી બનાવવાની પ્રથમ નોંધ જોવા મળે છે. ટીમરુ પાન જંગલમાંથી એકત્ર કરવામાં આવે છે, જે મુખ્યત્વે મધ્યપ્રદેશ, ઓરિસા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતનાં જંગલોમાં થાય છે. તેમાંથી લગભગ 65 % મધ્યપ્રદેશનાં જંગલો પૂરાં પાડે છે. ઓરિસાના સંબલપુર વિસ્તારમાં ટીમરુ-પાન ઊંચી ગુણવત્તાવાળાં હોય છે. દર વર્ષે આશરે 60 હજાર કરોડ કિલોગ્રામ ટીમરુ-પાન બીડી બનાવવા માટે વપરાય છે. તે બીડીના કુલ ઉત્પાદન ખર્ચના 25 % થાય છે.

બીડી બનાવવાનો ઉદ્યોગ એક કુટિર-ઉદ્યોગ છે. સામાન્ય રીતે બીડી બનાવનાર કારીગર ઠેકેદાર પાસેથી તમાકુ અને ટીમરુ-પાન લઈ જાય છે અને બીડી તૈયાર કરી આપી જાય છે’ જ્યારે બીજી પદ્ધતિમાં કારખાનામાં જ બીડી બનાવવાનું કામ બીડી-કામદારો કરે છે. બીડી કામદારોનું શોષણ થતું હોવાથી 1969માં કેરળમાં 12000 માણસોને રોજી મળે તે અર્થે પ્રથમ બીડી બનાવવા માટેની સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી. મહારાષ્ટ્રમાં 1980ના ગાળામાં અને ગુજરાતમાં 1985માં આવી સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી છે.

બીડી બનાવવા માટે પ્રથમ ટીમરુ-પાનને લંબચોરસ આકારમાં જરૂરી માપ મુજબ કાપવામાં આવે છે. જુદી જુદી લંબાઈની બીડી બનાવવા માટે જુદા જુદા માપના લંબચોરસ બીબાનો ઉપયોગ કરવામાં આવે છે. ટીમરુ-પાનને પાણીમાં પલાળી વાળી શકાય તેવાં થાય પછી બીડી વાળવાના ઉપયોગમાં લેવામાં આવે છે. પાન પર તમાકુ-ચાળણ મૂકી, વીંટોવાળી બીડીના ઉપરના ભાગના પાનને નખ વડે અંદર વાળી દેવામાં આવે છે. જ્યારે નીચેના ભાગને ચપટો બનાવી દોરો બાંધવામાં આવે છે.

બીડી તૈયાર થયે તેમાં રહેલ ભેજ ઉડાડવા માટે તડકામાં રાખવામાં આવે છે અથવા ભઠ્ઠી(ઓવન)માં ગડીબંધ બીડીઓ મૂકી મોઢિયાં શેકવામાં આવે છે અને તે રીતે તેમાંથી ભેજ ઉડાડવામાં આવે છે. બીડીના 5, 10, 25 અથવા 50ની ઝૂડી બનાવી રૅપર લગાવી, વેચાણ માટે મૂકવામાં આવે છે. અત્યારે ટીમરુ-પાન ઉપરાંત સિગારેટ પેપરનો ઉપયોગ કરી સિગારેટ જેવી બીડી પણ બનાવવામાં આવે છે.

1901 સુધી જુદા જુદા માર્કા(છાપ)થી બીડી વેચાતી ન હતી; પરંતુ મુંબઈના મેસર્સ હરિભાઈ દેસાઈએ 1901માં, મેસર્સ મોહનલાલ હરગોવિંદદાસે (જબલપુર) 1902માં માર્કાની નોંધણી કરાવી.

બીડી ઓછી નુકસાનકારક બનાવવા માટે બીડી-તમાકુ સંશોધન કેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદે વિવિધ રીતો વિકસાવી છે, જેવી કે બીડીને ટાંકણી વડે દોરા નજીક બે કાણાં પાડવાથી સ્વાસ્થ્યને નુકસાન કરનાર ઘટકોના પ્રમાણમાં આશરે 30 % ઘટાડો કરી શકાય છે. બીડીમાં સુગંધિત રૂનું પૂમડું મૂકવાથી નુકસાનકારક ઘટકોના પ્રમાણમાં આશરે 60 % જેટલો ઘટાડો કરી શકાય છે.

ખાવાની તમાકુનો ઉદ્યોગ : ફક્ત ખાવા (chewing) માટે ઉપયોગમાં લેવાતી તમાકુ તમિળનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસા અને કેરળ રાજ્યોના અમુક વિસ્તારમાં થાય છે. જ્યારે ગુજરાતમાં ઉગાડવામાં આવતી લાલ ચોપડિયું અને કાળું ચોપડિયું તેમજ કલકત્તી તમાકુનું લાલ ચોપડિયું ખાવાની તમાકુ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં ઉગાડવામાં આવતી હુક્કાની તમાકુનો પણ ખાવાની તમાકુ તરીકે ઉપયોગ થાય છે. ખાવાની તમાકુમાં મુખ્યત્વે ઝરદા, કિમામ, મમરી, ગોળી, ગુટખા, કાતરેલી અને સુગંધિત કાતરેલી તમાકુ પ્રચલિત છે. ખાવાની તમાકુ બનાવવાનો ઉદ્યોગ ખાસ કરીને લખનૌ, વારાણસી, ઉનાઓ (ઉત્તરપ્રદેશ), મુઝફ્ફરનગર (બિહાર) અને ઉત્તર દિલ્હીમાં કેન્દ્રિત થયેલ છે; જ્યારે તમિળનાડુમાં ખાવાની તમાકુનો ઉદ્યોગ ઇરોડ, ડીંડીગલ, કરાઈકુડી, તીરુવરુર, થાન્જાવુર, પુડુકોટાઈ, કુમ્બાકોણમ્ અને વેદારણ્યમ્ ખાતે વિકસેલ છે.

ઝરદા બનાવવા માટે તમાકુની પત્તીને ચૂનાના પાણીમાં તેજાના (ઇલાયચી), લવિંગ, કેસર, કસ્તૂરી વગેરે) નાખી પાણી ઊડી જાય ત્યાં સુધી ઉકાળવામાં આવે છે. ત્યારબાદ છાંયડામાં સૂકવી પત્તીમાં કેસરી રંગ અથવા બીજા કુદરતી રંગ ઉમેરવામાં આવે છે.

કિમામ બનાવવા માટે તમાકુની પત્તીમાં ઉપર મુજબ જણાવેલ તેજાના નાખી પાણીમાં ઘાટું થાય ત્યાં સુધી ઉકાળવામાં આવે છે. કિમામને સૂકવીને તેમાંથી મમરી અથવા ગોળીઓ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તે પાન મસાલામાં વપરાય છે.

તમિળનાડુમાં ઉગાડવામાં આવતી ખાવાની તમાકુમાંથી મુખ્યત્વે બે પ્રકારની તમાકુ બનાવવામાં આવે છે. (1) સાદી કાતરેલી તમાકુ અને (2) સુગંધિત કાતરેલી તમાકુ.

તમાકુ તૈયાર કરતાં પહેલાં તમાકુના પાનને 1થી 10 %ના ગોળના દ્રાવણમાં પલાળવામાં આવે છે અને વધારાનું દ્રાવણ એક દિવસ નીતરવા દેવામાં આવે છે. ત્યારપછી પડા બનાવી તેની 6’×3’×4’ની ચાકી બનાવી દર ત્રીજા દિવસે ફેરવવામાં આવે છે. દસ દિવસ બાદ એક અઠવાડિયાને આંતરે પડ ફેરવવામાં આવે છે. આમ કરવાથી તમાકુ નરમ અને ચીકાશવાળી થાય છે. તેના સ્વાદમાં પણ સુધારો થાય છે અને તે સુગંધિત બને છે. તમાકુમાં  8થી 10 % ભેજનું પ્રમાણ જાળવવું જરૂરી છે. આ પ્રમાણે તૈયાર થયેલ તમાકુમાંથી ખાવાની તમાકુ બનાવવામાં આવે છે.

સાદી કાતરેલી તમાકુ : ઉપર મુજબ તૈયાર થયેલ તમાકુના પાનના 3થી 4 ઇંચના નાના નાના ટુકડા કરવામાં આવે છે અને પ્લાસ્ટિકની કોથળીમાં પૅક કરી વેચાણ અર્થે મૂકવામાં આવે છે. આ તમાકુ કડક અને તીખી બનાવવા માટે ક્યારેક મરચાનો અર્ક ઉમેરવામાં આવે છે.

સુગંધિત તમાકુ : તમિળનાડુમાં ઉગાડવામાં આવતી 40 % તમાકુનો ઉપયોગ સુગંધિત તમાકુ બનાવવામાં થાય છે. આ તમાકુ બનાવવાનાં આશરે 25 કારખાનાં છે. સુગંધિત તમાકુ ત્રણ પ્રકારની બનાવવામાં આવે છે : (1) નીચા ભાવની સામાન્ય તમાકુ, (2) ઊંચા પ્રકારની સુગંધિત તમાકુ અને (3) સ્પેશિયલ સુગંધિત તમાકુ.

(1) નીચા ભાવની સામાન્ય તમાકુ : આ તમાકુમાં મુખ્યત્વે તૂટેલાં ને હલકા પ્રકારનાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. તમાકુના પાનના આશરે 0.5 સેમી. પહોળાઈના નાના ટુકડા કરવામાં આવે છે. આ પ્રમાણે તૈયાર કરેલા ટુકડા ઉપર 5થી 10 % ગોળનું દ્રાવણ, મરચાંનો અર્ક અથવા એસેન્સ તેમજ સુગંધિત પદાર્થનો છંટકાવ કરવામાં આવે છે, આ તમાકુમાં 10–15 % ભેજ જાળવવામાં આવે છે. આ તમાકુ બટર પેપર / સેલોફેનમાં 5 ગ્રામના પૅકેટ (‘મંકી પૅક’) તૈયાર કરી વેચાણ માટે મૂકવામાં આવે છે.

(2) ઊંચા પ્રકારની સુંગધિત તમાકુ : આ તમાકુ બનાવવા માટે સારી ગુણવત્તાવાળા આખા પાનનો ઉપયોગ કરવામાં આવે છે. કટિંગ મશીનથી આ પાનના 6થી 8 સેમી. લંબાઈના ટુકડા કરી તેમાં મરચાંનો અર્ક, ગોળનું પાણી (1થી 10 % સુધી), મરી, મસાલા જેવા  કે આદું, મરી, જાયફળ, લવિંગ, કપૂર, રંગ વગેરે ઉમેરવામાં આવે છે. જુદાં જુદાં એસેન્સ જેવાં કે રોઝ સ્ટ્રૉંગ, રોઝ 555, જાયમીન, મેરી ગોલ્ડ, તામ્બૂલ બહાર, મસ્કપી, બલ્ગેરિયન રોઝ, ઇજમેટ, અને ફળનાં એસેન્સ ઉમેરવામાં આવે છે. ઉત્પાદકના જણાવ્યા પ્રમાણે, કાતરેલી તમાકુમાં 6 ભાગ મરચું, 2 ભાગ સૂંઠ, 2 ભાગ જાવંત્રી, 1 ભાગ મરી, 1 ભાગ ચૂનો, 10 ભાગ ગોળ, 2 ગ્રામ કપૂર અને એક જાયફળનો ઉપયોગ કરી મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ તૈયાર મિશ્રણ કાતરેલ તમાકુમાં ભેળવી ઢગલો બનાવી 10 કલાક સુધી ઢાંકી રાખવામાં  આવે છે. ત્યારબાદ તમાકુની સુકવણી  કરી 10 % જેટલો ભેજ જાળવી પાંચ અથવા દસ ગ્રામનાં પૅકેટ વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.

(3) સ્પેશિયલ સુગંધિત તમાકુ : આ તમાકુ ખાસ કરીને કેરળ રાજ્યના ગ્રાહકો માટે  બનાવવામાં આવે છે. આ તમાકુને ‘લુઝ તમાકુ’ તરીકે ઓળખવામાં આવે છે. તે તૈયાર કરવા માટે મધ્યમ કક્ષાના બીજા ગ્રેડના પાનનો ઉપયોગ થાય છે. બસો પચાસ કિગ્રા. તમાકુમાં 30 કિગ્રા. ગોળ ઉમેરવામાં આવે છે અને તેમાં થોડો ચૂનો  પણ ઉમેરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ તમાકુને એક મહિના સુધી ફેરવવામાં આવે છે. ત્યારબાદ પાનના નાના નાના ટુકડા કરવામાં આવે છે. પછી એક કિલોગ્રામ તમાકુમાં 2થી 3 કિગ્રા. મરી-મસાલા અને સ્થાનિક ઔષધીય વનસ્પતિ ઉમેરવામાં આવે છે. તે મિશ્રણને છાંયડામાં  સૂકવી ભેજ ઉડાડવામાં આવે છે, જેથી સુગંધ જળવાઈ રહે. આ પ્રકારે તૈયાર કરેલ તમાકુને ઍલ્યુમિનિયમ ફોઇલમાં પૅક કરી વેચાણ માટે મોકલવામાં આવે છે.

ગુટખા : ગુટખા બનાવવા માટે તમાકુની પત્તી, સોપારી, કાથો અને તેજાના (મરચાંનો અર્ક, ઇલાયચી, લવિંગ, ઇજમેટ) તેમજ સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વાર તમાકુની પત્તી ન વાપરતાં પત્તી પાણીમાં  પલાળીને કસવાળા પાણીનો ગુટખા બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

છીંકણીઉદ્યોગ : તમાકુની બીજી બનાવટોની માફક છીંકણીનો બહોળો વપરાશ નથી. આશરે 5 લાખ કિગ્રા. તમાકુનો ઉપયોગ છીંકણી બનાવવા માટે થાય છે. છીંકણીનો વધુ વપરાશ પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં થાય છે. છીંકણી બનાવવાનો ઉદ્યોગ ચેન્નાઈની આજુબાજુ વિકસ્યો છે. છીંકણી બનાવવા માટે ગુજરાતમાં પાકતી કાળા ચોપડિયા તમાકુનો  ઉપયોગ પણ કરવામાં આવે છે. ગુજરાતમાં શિહોર (સૌરાષ્ટ્ર) છીંકણી-ઉદ્યોગ માટે જાણીતું છે.

છીંકણી બનાવવા માટે તમાકુના પાનનો ચૂરો કરી શેકવામાં  આવે છે. ત્યાર પછી ખલ-દસ્તા વડે અથવા તો માટીની કૂંડીમાં ઘૂંટીને અથવા મશીનમાં બારીક ભૂકો તૈયાર કરવામાં આવે છે. એકદમ ઝીણી, (મેંદાની) ચાળણીથી ચાળીને તૈયાર થયેલ ભૂકીને ગરમ કરવામાં આવે છે. અને તેને ઠંડી પાડી તેમાં ચૂનો અને ઘી ઉમેરવામાં આવે છે. ત્યાર પછી મેંદાની ચાળણીથી ચાળીને છીંકણી તૈયાર કરવામાં આવે છે. કેટલીક વાર બોરિક પાઉડર, એમોનિયમના ક્ષાર અને સુગંધીદાર પદાર્થોનો ઉપયોગ છીંકણી બનાવવામાં કરવામાં આવે છે.

ગડાકુ તમાકુ ઉદ્યોગ : ભારતમાં ફક્ત ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આ પ્રકારની તમાકુ ઉગાડવામાં અને તૈયાર કરવામાં આવે છે. આશરે  પાંચ લાખ કિગ્રા. તમાકુ ગડાકુ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે.

ગડાકુ તમાકુના પાનને પાણીમાં અઠવાડિયા સુધી બોળી ગડિયા તૈયાર કરવામાં આવે છે. અને છાંયડામાં સૂકવી ભેજ ઉડાડી, દળીને પાઉડર તૈયાર કરવામાં આવે છે. આ પાઉડરમાં સારી ગુણવત્તાવાળો 60થી 70 % ગોળ ઉમેરી તૈયાર થયેલ મિશ્રણને સૂકવીને મમરી તૈયાર કરવામાં આવે છે. આ મમરી ચીલમ અથવા ચુંગીમાં વપરાય છે.

સિગાર અને ચિરૂટ ઉદ્યોગ : ભારતમાં સિગાર અને ચિરૂટ-ઉદ્યોગ વર્ષોથી પ્રચલિત છે. આ એક હસ્ત-ઉદ્યોગ છે, જેમાં મશીનરીનો ખાસ ઉપયોગ થતો નથી. તમાકુના આખા પાનમાંથી રગ કાઢી નાખ્યા પછી સિગાર અને ચિરૂટ બનાવવામાં આવે છે. સિગારની અંદરની તમાકુ ‘ફિલર’ તરીકે ઓળખાય છે. તે તમિળનાડુમાં ઉગાડવામાં આવે છે, જ્યારે ઉપરના  રૅપરની તમાકુ પશ્ચિમ બંગાળમાં ઉગાડવામાં આવે છે. ચિરૂટના બંને છેડા ખુલ્લા હોય છે. જેમાં આગળનો ભાગ જાડો અને પાછળનો છેડો પાતળો હોય છે. સિગાર પીવામાં ઓછી કડક અને સુગંધિત હોય છે. તે સિગારેટ કરતાં મોંઘી હોય છે. આપણા દેશમાં સિગાર અને ચિરૂટ બનાવવા માટે વાર્ષિક દસ લાખ કિગ્રા. તમાકુ વપરાય છે. સિગાર માટે ફક્ત 80,000 કિેગ્રા. તમાકુ વપરાય છે. બાકીની તમાકુ ચિરૂટ અને ચુટ્ટા(દેશી ચિરૂટ)માં વપરાય છે. દેશી ચિરૂટ (ચુટ્ટા) માટે આંધ્રપ્રદેશમાં ઉગાડવામાં આવતી નાટુ તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં આશરે 500 લાખ નંગ સિગાર અને ચિરૂટનું ઉત્પાદન થાય છે. સિગાર અને ચિરૂટનું 90 % ઉત્પાદન તમિળનાડુ રાજ્યમાં થાય છે.

તમિળનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી જિલ્લામાં સિગાર બનાવવાનાં કારખાનાં આવેલાં છે. તે રાજ્યના તિરુચિરાપલ્લી અને સાલેમ જિલ્લાઓમાં ચિરૂટ બનાવવાનાં 10 કારખાનાં છે, જ્યારે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ્ જિલ્લામાં અનકપલ્લી અને નરસિપટ્ટનમ્, શ્રી કાકુલમ્ જિલ્લામાં શ્રી કાકુલમ્, પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં ઇલુરુ અને લલ્લાવરમ્, ક્રિષ્ના જિલ્લામાં વિજયવાડા અને નુઝવીડ જ્યારે પૂર્વ ગોદાવરી જિલ્લામાં કોનકુડુરુ, રામચંદ્રપુરમ્ અને કાકીનાડા આમ 200 જેટલા મુખ્ય એકમો ગણી શકાય. કેટલાંક કારખાનાં ગુંતૂર જિલ્લાના તેનાલી અને પ્રકાશમ્ જિલ્લાના ચિરાલા ખાતે પણ આવેલાં છે.

દેશી ચિરૂટ : ચિરૂટ બનાવવા માટે સારાં પાનનો બાઇન્ડર તરીકે અને નુકસાનીવાળા તૂટેલાં પાનનો ફિલર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે સારી ગુણવત્તાવાળી તમાકુના પાનને સીધેસીધા ચિરૂટ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ પાન હલકી ગુણવત્તાવાળાં હોય અને જલાઈ સારી ન હોય તો પાનને ગોળના દ્રાવણ અથવા સીતાફળના દ્રાવણમાં અથવા આથો આવ્યા વગરની તાડીમાં બોળવામાં આવે છે જેથી તેની ગુણવત્તા અને જલાઈમાં સુધારો થાય છે. પાનની જલાઈ સુધારવા માટે ચૂનાના મંદ દ્રાવણમાં એક દિવસ બોળી રાખવાં જરૂરી હોય છે. ચિરૂટની રાખનો રંગ સફેદ બનાવવા માટે ફિલર તમાકુને તાડીમાં બોળવામાં આવે છે અથવા ખાવાના સોડાના દ્રાવણમાં બોળીને કાઢી લીધા બાદ ચિરૂટ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. ચિરૂટ બનાવવા માટે સુગંધિત પદાર્થો, ફળોનો રસ, જાયફળ, ઇલાયચી, જાવંત્રી, લવિંગ, વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. 25 અથવા 50નાં પૅકેટ બનાવી ચિરૂટ વેચાણ માટે મૂકવામાં આવે છે.

સિગાર : સામાન્ય રીતે એક કામદાર  મધ્યમ કદની 100થી 150 અને નાના કદની (સિગારેટ જેવી) 500 સિગાર પ્રતિદિન બનાવી શકે છે. ચિરૂટમાં બાઇન્ડર અને ફિલર  એમ બે પડ હોય છે. જ્યારે સિગારમાં ફિલર, બાઇન્ડર અને રૅપર – એમ ત્રણ પડ હોય છે. જેમાં ફિલર માટેની કેવી–1 અને ક્રિષ્ણા, બાઇન્ડર માટેની વીવ–2 અને કેવી–1નાં આખાં પાન અને રૅપર માટે ઓલર–10, ડિક્સીશેડ અને આર-જી તમાકુની જાતનો ઉપયોગ થાય છે.

ફિલર અને બાઇન્ડર તમાકુને ગોળના પાણીમાં બોળવામાં આવે છે. ત્યાર પછી પડા  તૈયાર કરી ચાકી બનાવી વારંવાર ફેરવવામાં આવે છે. આ પાનમાં 8થી 10 % ભેજ જળવાઈ રહેવો જોઈએ. આ તમાકુમાં એમોનિયાની સુગંધ આવે છે અને તેના લીધે પાન ઉપર ક્ષાર ઊપસી આવે છે. સિગાર બનાવતાં પહેલાં આ પાનનો છ મહિના સુધી સંગ્રહ કરવામાં આવે છે. સિગાર બનાવતાં પહેલાં પાન ઉપર સુગંધિત પદાર્થોનો છંટકાવ કરવામાં આવે છે.

મધ્યમ કદની (10 સેમી. કોરોના) 1,000 સિગાર બનાવવા માટે 4 કિલોગ્રામ કાચા માલની જરૂર પડે છે. જેમાં ફિલર 3 કિગ્રા., બાઇન્ડર 750 ગ્રામ અને 250 ગ્રામ રૅપર પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં બનાવવામાં આવતી સિગાર ‘ક્યૂબન’ પદ્ધતિથી બનાવવામાં આવે છે. દરેક સિગારને સેલોફેન કાગળમાં વીંટાળી લાકડાના બૉક્સમાં મૂકી પૅક કરવામાં આવે છે. સિગારની લંબાઈ અને માપને ધ્યાનમાં લઈ તેને પાંચ વિભાગમાં  વર્ગીકૃત કરવામાં આવે છે : (1) 7.5 સેમી. કોરોના અથવા સિગારીલો, (2) ડાવસોન., (3) 10 સેમી. કોરોના, (4) 12.5 સેમી. કોરોના અને (5) 15 સેમી. કોરોના અથવા બૅંગૉલ ટાઇગર. સિગારની લાક્ષણિકતાઓમાં કોરોના સિગાર સીધી અને આગળથી ગોળ હોય છે. આઇડેક્યુલસ-સિગાર પાતળી, મનોહર અને સળગાવવાનો છેડો સાંકડો હોય છે. વીફ-સિગાર બંને છેડેથી ખુલ્લી હોય છે અને ડાવસોનનો ચિરૂટ જેવો આકાર હોય છે. આ ઉપરાંત ‘બેલીડ’ સિગાર પણ બનાવવામાં આવે છે.

તમાકુની આડપેદાશ આધારિત ઉદ્યોગ : તમાકુના છોડની ગૌણ નીપજમાં સિગારેટ તમાકુમાંથી મળતું મુખ્ય બી છે, જેમાં આશરે  35 % તેલ હોય છે. મુખ્યત્વે આંધ્રપ્રદેશમાં વાર્ષિક 3000 ટન તેલનું ઉત્પાદન થાય છે. જેનો ઉપયોગ રંગ અને સાબુ બનાવવામાં કરવામાં આવે છે. બીજી આડપેદાશમાં તમાકુને જુદી જુદી બનાવટો માટે તૈયાર કરતી વખતે આશરે 10 % જેટલો દડ પડે તે છે. તેની વાર્ષિક ઉપલબ્ધિ આશરે 50થી 55 લાખ કિગ્રા. આંકવામાં આવે છે.

આ દંડમાંથી નિકોટીન સલ્ફેટ બનાવી શકાય છે, જે મેળવવાની ક્ષમતા આશરે 600–800 ટન જેટલી હોય છે. હાલમાં ગુજરાતમાં 14 કંપનીઓ નિકોટીન સલ્ફેટ બનાવવાનો પરવાનો ધરાવે છે; પરંતુ તેમાંથી ફક્ત પાંચથી છ કારખાનાં કાર્યક્ષમ રીતે ચાલે છે. નિકોટીન સલ્ફેટનો ઉપયોગ જંતુનાશક દવા  તરીકે થાય છે. 1991–92ના વર્ષમાં 6 લાખ કિલોગ્રામ નિકોટીન સલ્ફેટની નિકાસ થયેલ અને તેમાંથી આશરે 10 કરોડ રૂપિયા જેટલું વિદેશી હૂંડિયામણ મળેલ. સામાન્ય રીતે નિકોટીન સલ્ફેટની જાપાન અમેરિકા, કૅનેડા અને યુ.કે.માં નિકાસ થાય છે. નિકોટીનનો ઉપયોગ નિકોટીન એમાઇડ અને નિકોટીનિક ઍસિડ બનાવવા માટે પણ થઈ શકે છે.

તમાકુના પાનમાં આશરે 0.8 % જેટલું સોલેનોસોલ હોય છે, જે આઇસોપ્રીનોઇડ આલ્કોહૉલ કાર્ડિયાક ડ્રગ્ઝ (હૃદયરોગ માટે) બનાવવા માટે વપરાય છે. આંધ્રપ્રદેશમાંથી એક ખાનગી કંપની 14-15 % સોલેનોસોલ ધરાવતું પ્રવાહી બનાવે છે અને તેની જાપાન ખાતે નિકાસ કરે છે. 1989માં આ કંપનીએ 15000 કિગ્રા. સોલેનોસોલ નિકાસ કરી રૂ. 29.75 લાખ મેળવ્યા હતા.

તદુપરાંત તમાકુમાંથી સેન્દ્રિય ઍસિડ જેવા કે મેલીક સાઇટ્રિક અને ઑક્ઝેલિક ઉત્પન્ન કરવાની ક્ષમતા છે; પરંતુ આ માટે વ્યવસ્થિત પદ્ધતિ વિકસાવવી જરૂરી છે. લીલી તમાકુના પાનમાંથી સારી ગુણવત્તાવાળું શુદ્ધ પ્રોટીન મેળવી શકાય છે. તમાકુના રાડિયામાંથી કાગળ બનાવી શકાય છે.

તમાકુયુક્ત ટૂથપેસ્ટ : તમાકુયુક્ત ટૂથપેસ્ટ પણ બનાવવામાં આવે છે, જેમાં નિકોટીનની માત્રા 0.65થી 3.75 % સુધી જોવા મળે છે. હાલમાં ગુજરાતના બજારમાં ત્રણ માર્કાની તમાકુયુક્ત ટૂથપેસ્ટ વેચાણ હેઠળ છે. સામાન્ય રીતે તમાકુયુક્ત ટૂથપેસ્ટમાં તમાકુને પાણીમાં પલાળી તમાકુનો કસ ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે અન્ય ટૂથપેસ્ટમાં ઉપયોગમાં લેવાય છે તે બીજા પદાર્થો પણ તેમાં હોય છે.

ગોરધનભાઈ જેઠાભાઈ પટેલ