ડીપ સ્પેસ નેટવર્ક

January, 2014

ડીપ સ્પેસ નેટવર્ક : સૌર મંડળમાં સૂર્યની પ્રદક્ષિણા કરતાં તથા ગહન અંતરિક્ષમાં ફરતાં બધાં જ સ્વયંસંચાલિત વૈજ્ઞાનિક અંતરિક્ષયાનો માટેનું, ભૂમિ-સ્થિત સંદેશાવ્યવહાર અને પથશોધન માટેનું તંત્ર. અંતરિક્ષયાનને અમુક ગ્રહ તરફ તેના નિર્ધારિત ભ્રમણપથમાં મૂકવામાં આવે, પછી થોડા સમયમાં જ ‘ડીપ સ્પેસ નેટવર્ક’ની  કામગીરી શરૂ થાય છે. આ તંત્ર, ત્રણ બહુ-ભૂમિમથકોનું સંકુલ (multi-station complex) છે. દરેક ભૂમિમથકમાં 64 મી. વ્યાસનું થાળી આકારનું એક ઍન્ટેના અને 26 મી. વ્યાસનાં બે ઍન્ટેના હોય છે. ઉપરાંત, દરેક ભૂમિમથકમાં રેડિયોસંકેતોનું પ્રસારણ તથા ગ્રહણ કરવાનાં તંત્ર, આંકડા એકત્ર કરવાનું તંત્ર તથા  બે ભૂમિમથકો વચ્ચે સંદેશાવ્યવહાર કરવાનું તંત્ર પણ હોય છે. આ સમગ્ર તંત્રનું મુખ્ય નિયંત્રણકેન્દ્ર અમેરિકાની જેટ પ્રોપલ્ઝન લૅબોરેટરીમાં છે. જ્યાંથી સંદેશાવ્યવહારના સંચાલન તેમજ કાર્ય પર દેખરેખ રાખવામાં આવે છે.

ભૂતકાળમાં નાસાના ચંદ્રને લગતા અન્વેષણ કાર્યક્રમમાં; મંગળ, શુક્ર, બુધ, ગુરુ, શનિ વગેરે ગ્રહોનાં અંતરિક્ષ-અન્વેષણમાં, તથા આંતરગ્રહીય અન્વેષણમાં ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા પથશોધનના આંકડા તેમજ અન્ય વૈજ્ઞાનિક માહિતી ગ્રહણ કરવામાં આવી હતી. હાલમાં ગૅલિલિયો અંતરિક્ષયાનના કાર્યક્રમમાં પણ ડીપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, રેડિયો ખગોળવિજ્ઞાનના પ્રયોગમાં, ભૂમિસ્થિત રડાર દ્વારા ગ્રહોના અભ્યાસમાં તથા પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં અન્ય કોઈ સ્થાન પર વિકસિત માનવવસ્તીનું અસ્તિત્વ જાણવા માટે (Extra–terrestrial Intelligence) ડીપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવેલો છે.

પરંતપ પાઠક