ડાહ્યાભાઈ ધોળશાજી (જ. 19 માર્ચ 1867, અમદાવાદ; અ. 30 એપ્રિલ 1902, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. તખલ્લુસ ‘નવીન’. જૈન વીશા ઓસવાળ જ્ઞાતિના શ્રીમંત ઝવેરી કુટુંબમાં જન્મ. પિતાનો વ્યવસાય ઝવેરાતનો. 1885માં મૅટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. પછી ગુજરાત કૉલેજમાં દાખલ થયા. એક વર્ષ બાદ અભ્યાસ છોડ્યો.  1884માં તેમનાં  પ્રથમ પત્નીનું અવસાન થતાં તેમને નિવાપાંજલિરૂપ ‘ચંપાસ્મરણ’ કાવ્ય રચેલું. તે પહેલાં 1883માં તેમનું પ્રથમ કાવ્ય ‘આત્મશિક્ષા’ ‘સ્યાદવાદ સુધા’ અને ‘સમશેર બહાદુર’માં પ્રગટ થયેલું.

અભ્યાસ છોડ્યા પછી ડાહ્યાભાઈએ મીઠાના એક ઇજારદારને ત્યાં નોકરી લીધી. શેઠે ‘ઓક્ટોમ્બર’ લખેલું  તે સુધારીને તેમના આ વાણોતરે ‘ઑક્ટોબર’ લખ્યું તેથી તેમને નોકરીમાંથી રુખસદ મળી ! 1884ના અંતભાગમાં ડાહ્યાભાઈને અમદાવાદની મિશન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નિમણૂક મળી. સંસ્કૃત તેમનો પ્રિય વિષય હતો. સંસ્કૃત સાહિત્ય ઉપરાંત પિંગળ અને કાવ્યશાસ્ત્રનો તેમણે અભ્યાસ કર્યો હતો. સંસ્કૃતના શિક્ષક તરીકે તેમની નામના થઈ. કાવ્યલેખન ચાલુ હતું. 1889માં યોજાયેલી એક કાવ્યસ્પર્ધામાં ‘નેમીરાજુલ’ની જૈનકથા ઉપરથી ‘પ્રેમીને પત્ર’ નામનું 900 પંક્તિનું કાવ્ય લખેલું તે મોકલ્યું હતું.

નાટક અને રંગભૂમિના ક્ષેત્રે તેમનો પ્રવેશ નાટ્યાત્મક બનેલો. 1888માં અમદાવાદમાં વણિક વીરચંદ ગોકળદાસ ભગત નાગોરીશાળાની પડાળીમાં ભોજકો પાસે કેશવલાલ શિવરામ અધ્યાપકે લખેલું ‘સંગીત લીલાવતી’ નાટક ભજવાવતા હતા. ડાહ્યાભાઈને તે નાટકનાં ગીતોનું ભારે આકર્ષણ હતું. તેમણે એનો ખેલ પંદરથી વીસ વાર જોયો હતો. એક વાર એ નાટક જોતાં જોતાં તેમણે પોતાના પ્રિય ગીતનો બેત્રણ વાર ‘વન્સમોર’ માગ્યો ને પછી પણ માગણી ચાલુ રાખી. તેનાથી કંટાળીને ગાનાર કળાકારે કહ્યું કે ‘એક વાર નાટક કંપની કાઢી જુઓ તો ખબર પડે કે વન્સમોર કેમ અપાય છે.’

ડાહ્યાભાઈ ધોળશાજી

ડાહ્યાભાઈને કદાચ આ પડકાર ઝીલી લેવાનું મન થયું હશે. વારંવાર નાટક જોવા જવાને કારણે તેમને કેશવલાલ સાથે ઓળખાણ થયેલી. 1889ના અંતભાગમાં વીરચંદ ગોકળદાસ ભગતની કંપની ભાંગી. કેશવલાલે એ કંપનીને દેશી નાટક સમાજ નામ આપીને ચાલુ રાખી. ડાહ્યાભાઈ તેના ભાગીદાર બન્યા. 1891–92માં તે નાટક કંપનીના સંપૂર્ણ  માલિક બન્યા. નાટકના વ્યવસાયમાં ડાહ્યાભાઈને જીવનકાર્ય (mission) મળી ગયું. તેમણે નાટકો લખ્યાં, ભજવાવ્યાં અને ઉચ્ચકોટીની સંસ્કાર-પ્રવૃત્તિ તરીકે તેની સ્થાપના કરી. નાટકના વ્યવસાયમાં પડવાથી જુવાન ડાહ્યાભાઈને પિતા સાથે ક્લેશ થતાં ગૃહત્યાગ કરવો પડ્યો હતો. પોતે ‘ઝવેરી’ અટક તજીને ‘દલાલ’ અટક રાખી અને આર્થિક સંકડામણ ભોગવીને પણ નાટક અને રંગભૂમિની એકનિષ્ઠ સેવા કરી. તેમણે રચેલાં નાટકો સૌપ્રથમ દેશી નાટક સમાજ દ્વારા ભજવાતાં.

નાટકો : શાકુન્તલ (1880); સતી સંયુક્તા (1891); સુભદ્રાહરણ (1892); ભોજરાજ (1892); ઉર્વશી અપ્સરા (1892); વીર વિક્રમાદિત્ય ((1893); રામરાજ્યવિયોગ (1893); સતી પાર્વતી (1894); ભગતરાજ (1894); કેશર-કિશોર (1894-95); ભોજરાજ (1895); મ્યુનિસિપલ ઇલેક્શન (1895); અશ્રુમતી (1895); રામવિયોગ (1897); સરદારબા (1897); ઉમા દેવડી (1898); તરુણભોજ (1898); ભોજકુમાર (1898); તારાસુંદરી (1898); વીણા-વેલી (1899); વિજયાવિજય (1900); ઉદય- ભાણ (1901); મોહિની ચંદ્ર (1903); વિજય–કમળા (1898–1904; એક અંક ડાહ્યાભાઈએ અને બે અંક છોટાલાલ ઋખદેવ શર્માએ લખેલા.)

ઉપરનાં નાટકો પૈકી ‘શાકુંતલ’ સિવાયનાં બધાં ભજવાયેલાં છે. ‘અશ્રુમતી’, ‘વીણા-વેલી’, ‘ઉમાદેવડી’ અને ‘સરદારબા’ ખૂબ લોકપ્રિય નીવડેલાં નાટકો છે. આ નાટકોના ખેલ રાહતફંડ એકત્ર કરવા માટે ઉપયોગમાં લઈને ડાહ્યાભાઈએ એક લાખ રૂપિયા દુષ્કાળ રાહત ફંડમાં આપ્યા હતા. તે 1900માં પડેલા દુકાળ વખતે અને પ્લેગની બીમારી ફાટી નીકળી ત્યારે રાહત ફંડ નિમિત્તે બદ્રૂદ્દીન તૈયબજી, ફિરોજશા મહેતા, મહાદેવ ગો. રાનડે, ચિમનલાલ સેતલવાડ, વીરચંદ ગાંધી અને સયાજીરાવ ગાયકવાડ કે મુંબઈ ઇલાકાના ગવર્નરને નાટ્યસમારંભના પ્રમુખપદે સ્થાપીને ડાહ્યાભાઈ દેશભક્તિ અને માનવતા દર્શાવતાં ભાષણો કરતા. તેને પરિણામે તેમને વ્યક્તિગત પ્રતિષ્ઠા મળવા ઉપરાંત ગુજરાતી નાટક અને રંગભૂમિને રાષ્ટ્રીય ગૌરવ મળ્યું.

ડાહ્યાભાઈનાં નાટકોએ ગુજરાતી નાટકની બાંધણી અને ભજવણીમાં કેટલાક ક્રાન્તિકારક સુધારા કર્યા. ‘નાટક દુનિયાનું દર્પણ રૂડું, ગુણદોષ જોવાનું.’ તે ધ્યેય તેમણે પોતાનાં નાટકોમાં સમકાલીન રંગ અને પ્રશ્નો મૂકીને ચરિતાર્થ કરી બતાવ્યું.

1893-1894માં ડાહ્યાભાઈએ શેઠ ચીમનલાલ નગીનદાસની સહાયથી અમદાવાદમાં પહેલવહેલું આનંદભુવન થિયેટર બાંધ્યું. ત્યાં સુધી હજુ નાટક જોવા માટે ટિકિટની પ્રથા શરૂ થઈ નહોતી. માંડવામાં પાટ ગોઠવીને તાડછાના પડદાથી તેમજ શ્રીમંતોને ત્યાંથી ઉછીનાં લાવેલાં વસ્ત્રો અને અલંકારોથી કામ ચાલતું. ડાહ્યાભાઈએ થિયેટર બાંધીને તેમજ ‘સિનસિનેરી’ અને ‘બિઝનેસ’નાં સાધનો વસાવીને ગુજરાતી રંગભૂમિ તળગુજરાતમાં વ્યવસ્થિત પાયા પર મૂકી. 1896 પછી ‘અશ્રુમતી’ નાટક મુંબઈમાં ખૂબ લોકપ્રિય થતાં નાટક કંપનીને પ્રસિદ્ધિ અને ધન મળ્યાં. ડાહ્યાભાઈએ પોતાનું સ્વતંત્ર ઝવેરી થિયેટર મુંબઈમાં બંધાવ્યું. તે જ અરસામાં અમદાવાદમાં પણ શાંતિભવન થિયેટર બંધાવી તેનું ઉદઘાટન ‘ઉમાદેવડી’ નાટકથી કરેલું.

ગુજરાતી નાટકના  ક્ષેત્રે ડાહ્યાભાઈનું પ્રદાન અનેક રીતે વિશિષ્ટ છે. તેમણે ધના દેસાઈ અને ધમલા માળી જેવાં હાસ્યપોષક ખલપાત્રો (comic villains) આપ્યાં. લોકગીતો અને લોકકથાનો નાટકમાં બહોળો ઉપયોગ કર્યો. રંગમંચ ઉપર રંગત જમાવે તેવા સચોટ સંવાદો લખવાની પ્રથા ડાહ્યાભાઈએ શરૂ કરી. ગીતોની આકર્ષક તરજો બાંધવાની, યુગલગીતો મૂકવાની તેમજ ‘ટૅબ્લો’ ગોઠવવાની પ્રથા પણ રંગભૂમિ પર તેમણે શરૂ કરી.

રણછોડભાઈ ઉદયરામના વખતમાં નાટકનું વસ્તુનિરૂપણ નિવેદનાત્મક (narrative) ઢબે થતું તેને કાર્યસ્વરૂપે (action) મૂકવાનો પ્રયત્ન ડાહ્યાભાઈનાં છેલ્લાં નાટકોમાં જોવા મળે છે. પરંતુ તે આંતરિક સંઘર્ષ (interaction) રૂપે પક્વ થાય તે પહેલાં ડાહ્યાભાઈનું અવસાન થયું.

‘શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો’ મણકો 1-2-3 જયન્તિ દલાલે સંપાદિત કરેલ તે ગુજરાત સંગીત નાટ્ય અકાદમી તરફથી 1970ના અરસામાં પ્રગટ થયેલ છે.

ધીરુભાઈ ઠાકર