ડાયૉક્સિન : ક્લોરિનયુક્ત ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન જૂથના ઘટક. તે પૉલિક્લોરિનેટેડ ડાયબેન્ઝો-પૅરાડાયૉક્સિન તરીકે પણ જાણીતાં છે. ઘણાં રસાયણિક સંયોજનોમાં તે અત્યંત વિષાળુ મેદસ્નેહી (lipophilic) સંદૂષક (contaminants) તરીકે મળી આવ્યાં છે. આ દ્રવ્યોના સંસર્ગમાં આવેલાં ઘાસ, ખાદ્ય કે પેય પદાર્થોના ઉપયોગથી તેમની વિષાળુતા માછલી, માંસ, ઈંડાં, મરઘાંબતકાં તથા દૂધમાં પણ ભળી જાય છે. રાસાયણિક રીતે તથા આ વિષાળુતા વિજ્ઞાનની ર્દષ્ટિએ તે ક્લોરિનેટેડ ડાય-બેન્ઝોફ્યૂરાન તથા પૉલિક્લૉરિનેટેડ બાયફિનાઈલ જેવાં જ છે.

ડાયૉક્સિનમાં 2, 3, 7, 8,  – TCDD અથવા ટૂંકમાં TCDD સૌથી વધુ વિષાળુ છે અને તે વાંદરાં, કોળ, ઉંદર, સસલાં, ગિની પિગ વગેરેમાં પણ પ્રસરે છે. PCDD કાષ્ઠ અને કાગળના પરિરક્ષકો તરીકે વપરાતા ક્લોરિનયુક્ત ફીનોલમાં, વનસ્પતિનાશક (herbicide) 2, 4, 5 ટ્રાયક્લોરોફિનૉક્સી – એસેટિક ઍસિડ(2, 4, 5 – T)માં અને જીવાણુનાશક (antibacterial) પદાર્થ તરીકે વપરાતા હેક્ઝાક્લોરોફિનમાં અશુદ્ધિ અથવા સંદૂષક તરીકે મળી આવે છે.

1960ના દશકમાં અને 1970ના શરૂઆતના દશકમાં વિયેટનામ યુદ્ધ વખતે વિપર્ણક (defoliant) તરીકે મોટા પ્રમાણમાં વપરાયેલ ‘એજન્ટ ઑરેન્જ’ (2, 4 – D અને 2, 4, 5 – Tનાં મિશ્રણ)માં અલ્પ માત્રામાં (ppmમાં) 2, 3, 7, 8 – TCDD જોવા મળેલું અને તેને કારણે ડાયૉક્સિનની સ્વાસ્થ્ય ઉપરની અસરો અંગે ઘણી ચિંતા થયેલી.

1976ના જુલાઈમાં ઇટાલીના સેવેસો ગામે રાસાયણિક પ્લાન્ટમાં ધડાકો થતાં તેમાંથી 10થી 60 કિગ્રા. TCDD ડાયૉક્સિન હવામાં ફેલાયું હતું. આ પ્લાન્ટમાં 1, 2, 4, 5 – ટેટ્રાક્લૉરો બેન્ઝિનમાંથી 2, 4, 5 ટ્રાયક્લોરો – ફીનોલ બનાવવામાં આવતું હતું. પરંતુ પ્રક્રિયા દરમિયાન તાપમાન 160° સે. થી વધી જતાં ધાર્યા કરતાં જુદી જ પ્રક્રિયા થવાથી 2, 3, 7, 8 – TCDD બનવા પામેલ. ગર્ભ ઉપર આ રસાયણની વિરૂપતાજનક અસર થાય છે.

ડાયૉક્સિન ચામડીને અડતાં જ ચામડી લાલાશ પકડે છે, મોં  ઉપર ખીલ થવા માંડે છે તેમજ તીવ્રતા વધુ હોય તો ગરદન ઉપર  કાન પાછળ, છાતી, પીઠ તથા ક્વચિત્ લૈંગિક અવયવો ઉપર અસર થાય છે. કોઈ વાર યકૃતને નુકસાન થાય છે. અસરગ્રસ્ત પ્રાણીઓનાં શરીરની ચરબી અને અન્ય પેશીપરીક્ષા (biopsy) કરતાં, તેમાં PCD, ડાયૉક્સિન તથા ફ્યૂરાન સંયોજનો વધુ માત્રામાં મળી આવ્યાં છે.

માનવી ઉપર PCB(પૉલિક્લોરિનેટેડ બાયફિનાઈલ)ની સૌથી વધુ વિષાળુ અસર જાપાનમાં નોંધાઈ છે. ત્યાં 1986માં PCB યુક્ત ખાદ્યતેલ ખાવાથી 1000 માણસો સખત માંદાં પડ્યાં હતાં. 1973માં અમેરિકાના મિશિગનમાં એક રાસાયણિક પ્લાન્ટમાં ભૂલથી પૉલિબ્રોમોબાય-ફિનાઇલને જાનવરોના ખાદ્યમાં ભેળવવામાં આવેલું. ખેડૂતો દ્વારા તેનો ઉપયોગ થવાથી હજારોની સંખ્યામાં દુધાળાં જાનવરો, મરઘાં-બતકાં તથા ઘેટાંને એટલી ખરાબ વિષાળુ અસર થઈ હતી કે તે બધાંનો નાશ કરવાનું અનિવાર્ય બની ગયું હતું.

જગદીશ જ. ત્રિવેદી