ઠાકોર, કીર્તિદા (જ. 11 ઑક્ટોબર 1936) : ગુજરાતી રંગમંચ, ટીવી અને ફિલ્મક્ષેત્રની અભિનેત્રી. અભિનયની ચારેક દાયકાની કારકિર્દીમાં તેમણે પ્રશિષ્ટ નાટકો (‘જહાનઆરા’, ‘ચૌલાદેવી’, ‘ગૃહદાહ’, ‘ચિત્રાંગદા’ વગેરે), લોકકથાઓ (‘શેણી વિજાણંદ’ વગેરે), વ્યાવસાયિક રંગભૂમિનાં નાટકો(‘અમે બરફનાં પંખી’, ‘કૂંપળ ફૂટ્યાની વાત’, વગેરે)માં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ઇસરો (પીજ) ટીવીની નાટ્યશ્રેણીઓ તથા ‘રેવા’, ‘બહેરું આયખું’,  ‘મૂંગી વ્યથા’ જેવી ટીવી-ફિલ્મોમાં, ‘‘મિ. યોગી’’ અને ‘‘કલ્પતરુ’’ જેવી રાષ્ટ્રીય ટીવીની હિંદી શ્રેણીઓ તેમજ ‘‘વાસ્તા’’ (હિંદી), ‘‘નસીબની બલિહારી’’ (ગુજરાતી) વગેરે ફિલ્મોમાં પણ તેમણે નોંધપાત્ર ભૂમિકા કરેલી છે. પાત્ર સાથે તાદાત્મ્ય કેળવતી તેમની અભિનયશૈલી હતી;

કીર્તિદા ઠાકોર

વિશેષ તો મુખભાવ માટે તેઓ જાણીતાં બન્યાં હતાં. તેમણે મુખ્યત્વે જાણીતા દિગ્દર્શકો કાન્તિ મડિયા (નાટ્યસંપદા), સુરેશ રાજડા (આઇ.એન.ટી.) અને કૈલાસ પંડ્યા (‘દર્પણ’) દ્વારા દિગ્દર્શિત નાટકોમાં લોકચાહના  મેળવી હતી.

જનક દવે

હસમુખ બારાડી