ઠકાર, વિમલાતાઈ (જ. 25 માર્ચ 1923, નાગપુર; અ. 11 માર્ચ 2009) : ભારતની સંત-પરંપરાને ઉજ્જ્વળ સ્વરૂપ આપનાર અને સત્યના અધિષ્ઠાન પર આધારિત અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક તથા સંનિષ્ઠ જીવનસાધક. પિતાનું નામ બાપુસાહેબ, જેઓ વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ ચંદ્રિકા, જેઓ ‘અક્કા’ના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતાં હતાં. વિમલાતાઈના જન્મસમયે તેમના નાનાએ તેમનું નામ ‘દુર્ગા’ પાડ્યું હતું, પરંતુ પાછળથી ‘વિમલા’ એ નામ વિધિવત્ પાડવામાં આવ્યું અને સમયાંતરે પ્રશંસકો અને અનુયાયીઓમાં ‘વિમલાતાઈ’ નામ વધારે પ્રચલિત બન્યું. પિતા તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. બી.એ.ની પરીક્ષામાં તેમણે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને છાત્રવૃત્તિ મળતાં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા એલએલ.બી. સુધીનું શિક્ષણ ઉચ્ચ ગુણવત્તા સાથે પૂરું કર્યું હતું. પિતાની તેજસ્વિતાનો વારસો પુત્રી વિમલામાં પણ ઊતર્યો. નાનાના પરિવારમાં સત્સંગનું વાતાવરણ હતું. તેમની પાસેથી વિમલાતાઈએ નાનપણથી જ સ્વાશ્રય, પરિશ્રમ, સચ્ચાઈ અને વ્યવહારશુદ્ધિના સંસ્કાર લીધા. માત્ર પાંચ વર્ષની વયથી ઈશ્વરની ખોજ શરૂ થઈ અને ચૌદ વર્ષની વયે સંન્યાસ લેવાની પ્રતિજ્ઞા કરી. વિમલાતાઈનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્રના વર્હાડ પ્રદેશના અકોલા નગરમાં થયું હતું. ત્યારબાદ નાગપુરની મહિલા કૉલેજમાંથી બી.એ. તથા ત્યાંની જ મૉરિસ કૉલેજમાંથી દર્શનના વિષય સાથે એમ.એ.ની પદવી સર્વોચ્ચ ગુણવત્તા સાથે પ્રાપ્ત કરી. સમગ્ર શૈક્ષણિક કારકિર્દી દરમિયાન નાટક અને સંગીતનો શોખ વિકસ્યો, જેને કારણે કૉલેજકાળ દરમિયાન કૉલેજમાં ભજવાયેલાં મરાઠી તથા અંગ્રેજી નાટકોમાં અભિનય પણ કર્યો. સાથોસાથ વૉલી બૉલ, બાસ્કેટબૉલ તથા ખો-ખો જેવી રમતોમાં પણ સક્રિય ભાગ લેતાં રહ્યાં.  શૈક્ષણિક કારકિર્દી દરમિયાન વક્તૃત્વ-સ્પર્ધાઓમાં ભાગ લેતાં અને દરેક સ્પર્ધામાં અચૂક વિજયપદ્મ મેળવતાં. કૉલેજમાં ભણતાં હતાં ત્યારે અમેરિકામાં યોજાયેલ ‘વર્લ્ડ ઍસેમ્બ્લી ઑવ્ યૂથ’માં દેશની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડી તથા ‘વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ યંગ વિમેન’ની વૈશ્વિક પરિષદમાં ભાગ લેવા ઉપરાંત તેના એક સત્રમાં અધ્યક્ષ પણ બન્યાં. ‘યુનેસ્કો’ દ્વારા પ્રતિનિધિત્વ પ્રાપ્ત થતાં જિનીવા ખાતે યોજવામાં આવેલી યુવાપરિષદમાં પણ સક્રિય ભાગ લીધો. આ પરિષદમાં વિજયાલક્ષ્મી પંડિત વ્યાખ્યાન આપવા માટે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં, જેઓ વિમલાતાઈનાં અભિગમ અને વક્તૃત્વથી બહુ જ પ્રભાવિત થયેલાં. પંડિત જવાહરલાલ નહેરુના કાને તેમના વિશેની પ્રશંસા પહોંચી ત્યારે નહેરુએ તેમને યુવાકૉંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ વિજયાલક્ષ્મી મારફત મોકલ્યું, જે વિમલાતાઈએ સ્વીકારવાની ના પાડી હતી.

નાગપુરમાં ભણતાં હતાં ત્યારથી દાદા ધર્માધિકારીના અંગત પરિચયમાં આવ્યાં અને તેમની સાથે 1949માં આંધ્રના નલગોંડા જિલ્લાના પોયમપલ્લી ખાતે આયોજિત સર્વોદય સંમેલનમાં હાજરી આપી; જ્યાં વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપાલાની જેવા દિગ્ગજો સાથે પરિચય થયો. 1951માં આ સ્થળેથી શરૂ થયેલ વિનોબા ભાવેના ‘ભૂદાન’ આંદોલનથી શરૂઆતમાં બહુ પ્રભાવિત થયાં અને તેને પરિણામે ચૌદ વર્ષ સુધી તેમાં સક્રિય ભાગ લીધો (1951–65). ભૂદાન આંદોલન દરમિયાન વિનોબાજી જોડે પદયાત્રામાં નિયમિત ભાગ લેનારાંઓમાં વિમલાતાઈ પણ અચૂક જોડાતાં. દાદા ધર્માધિકારી, વિનોબા અને જયપ્રકાશ નારાયણ ઉપરાંત જે. કૃષ્ણમૂર્તિના વિચારોથી પણ વિમલાતાઈ પ્રભાવિત થયાં હતાં અને તેમની સાથે અવારનવાર વિચારમંથનની બેઠકો યોજાતી.

વિમલાતાઈ ઠકાર

1975માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટીની જાહેરાત કરી ત્યારે જયપ્રકાશની જોડે કટોકટીનો વિરોધ કરનારાંઓમાં વિમલાતાઈ પણ મોખરે હતાં. જયપ્રકાશ નારાયણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની અંતિમ ક્ષણોમાં તેમની નજીક જે હાજર હતાં તેમાં વિમલાતાઈ પણ ખરાં !

વિમલાતાઈ ‘અનાગ્રહી ચિત્ત’ તથા ‘સંસારમુક્ત ચેતના’ના પુરસ્કર્તા હતાં.  આ ખ્યાલો તેમણે જ વિકસાવ્યા હતા. તેઓ માનતાં હતાં કે જ્યાં સુધી પાશ્ચાત્ય આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય અધ્યાત્મ – આ બંને વચ્ચે પરસ્પર સમન્વયની ભૂમિકા પ્રસ્થાપિત નહીં થાય, ત્યાં સુધી માત્ર વિજ્ઞાનને સહારે માનવજાતિની કોઈ પણ સમસ્યા ઉકેલાશે નહિ. તેઓ મૂલ્યનિષ્ઠ રાજકારણ, અર્થકારણ અને સમાજકારણનાં પ્રખર હિમાયતી હતાં. તેઓ ર્દઢપણે માનતાં કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વમાંથી ઉદભવતો રાષ્ટ્રીયતાવાદ જાતિવાદ જેટલો જ ખતરનાક છે; કારણ કે તે પણ માણસને માણસથી વિખૂટો રાખે છે. તેમના મંતવ્ય મુજબ આવી સંકુચિત વૃત્તિઓ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી સાચા અર્થમાં વૈશ્વિક સમાજના ખ્યાલને મૂર્ત રૂપ આપી શકાશે નહિ.

વિમલાતાઈએ કોઈ સંપ્રદાય, મઠ કે આશ્રમની સ્થાપના કરેલી નથી કે અનુયાયીઓના કોઈ વર્ગને માળખાકીય માન્યતા આપેલી નથી. તેઓ ઘણાં વર્ષોથી આબુ પર્વત પર એકાંતમાં નિવાસ કરતાં હતાં અને અધ્યાત્મ-ચિંતનમાં પોતાનો સમય પસાર કરતાં હતાં. ત્યાં તેમણે એક સભાગૃહ બંધાવ્યું છે; જ્યાં જરૂર પડે ત્યારે ચિંતન-બેઠકો, શિબિરો, પરિસંવાદો વગેરે યોજાય છે.

તેમના માર્ગદર્શન હેઠળ જે પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ત્રણ એકમોની નિશ્રામાં ચાલતી હતી : ગુજરાત બિરાદરી, વિમલ પ્રકાશન અને જીવનયોગ ફાઉન્ડેશન. તેમના વિચારો પર પ્રકાશ પાડતા ગ્રંથોમાં 58 અંગ્રેજી ભાષામાં, 58 ગુજરાતીમાં, 43 હિંદીમાં અને 10 મરાઠીમાં પ્રકાશિત થયા છે. તેમાં ‘લિવિંગ અ ટ્રુલી રીલિજસ લાઇફ’ આ અંગ્રેજી ગ્રંથ (1996) વિશેષ ધ્યાનપાત્ર છે. તેમના કેટલાક ગ્રંથો ડચ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન તથા સ્પૅનિશ ભાષામાં પ્રગટ થયા છે. ‘જીવનયોગ’ ગુજરાતી સામયિક (1989–90), ‘જીવન પરિમલ’ હિંદી સામયિક અને ‘કૉન્ટૅક્ટ વિથ વિમલા ઠકાર’ આ અંગ્રેજી સામયિક દ્વારા તેમના આધ્યાત્મિક ચિંતનનો પ્રસાર-પ્રચાર થતો હતો. તેમનાં પ્રવચનો અને પ્રશ્નોત્તરીની કૅસેટો પણ બહાર પડી છે.

તેમણે વ્યાપક પ્રમાણમાં દેશવિદેશનો પ્રવાસ ખેડ્યો હતો, જેનો ઉદ્દેશ  આધ્યાત્મિક વ્યાખ્યાનો, પરિસંવાદો, શિબિરો અને ચિંતન-બેઠકોમાં હાજરી આપવાનો રહ્યો હતો.

તેમના વિચારોથી પ્રભાવિત થયેલા લોકોની સંખ્યા ગુજરાતમાં સવિશેષ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે