ટ્રૅમ્પર વિક્ટર (જ. 2 નવેમ્બર 1877, ઑસ્ટ્રેલિયા; અ. 28 જૂન 1915, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનો અત્યંત આકર્ષક ફટકાબાજ બૅટ્સમૅન. તમામ પ્રકારની વિકેટ પર અને બધી જાતનાં હવામાન વચ્ચે તે બ્રેડમૅન જેવો કે બ્રેડમૅનથી પણ વધુ કુશળ બૅટ્સમૅન ગણાતો હતો. શાળાના સમયથી જ તે એટલો સમર્થ બૅટ્સમૅન હતો કે એને આઉટ કરવો અઘરો છે એમ કહીને શાળાની ટીમમાંથી તેને બાકાત રાખવામાં આવતો. વિક્ટર ટ્રૅમ્પરે 1899માં અણનમ 292 રન કર્યા, જ્યારે એ જ વર્ષે 1899માં  તેણે સસેક્સની કાઉન્ટી ટીમ સામે અણનમ 300 રન કર્યા હતા. લૉર્ડ્ઝ ખાતેની બીજી ટેસ્ટમાં અણનમ 135 રન કર્યા હતા; પરંતુ આ આંકડાઓ ટ્રૅમ્પરની શક્તિનો પૂરેપૂરો ખ્યાલ આપતા નથી. એની ઝમકદાર રમત જોવા માટે પ્રેક્ષકો ઊમટી પડતા હતા. વિક્ટર ટ્રૅમ્પરે 89 ટેસ્ટમાં 39 રનની સરેરાશથી 3,164 રન કર્યા, જ્યારે 1910–11માં ઍડિલેડ ખાતેની ટેસ્ટમાં આફ્રિકા સામે એનો અણનમ જુમલો 214 રન છે.

વિકટર ટ્રૅમ્પર

કુમારપાળ દેસાઈ