ટ્રૂમૅન ફ્રેડ

January, 2014

ટ્રૂમૅન ફ્રેડ (જ. 6 ફેબ્રુઆરી 1931 યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1 જુલાઈ 2006, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : આગવી પ્રતિભા ધરાવનારો ઇંગ્લૅન્ડનો ઝડપી ગોલંદાજ, ખાણિયાના પુત્ર ફ્રેડ ટ્રૂમૅને 1952માં ભારત સામે વેધક ઝડપી ગોલંદાજી કરીને શાનદાર ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો.

ફ્રેડ ટ્રૂમૅન

માત્ર 13 રનની સરેરાશથી 119.4 ઓવરમાં ભારતની 29 વિકેટો ઝડપવાને કારણે પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણીથી જ ટ્રૂમૅનની ગણના વિશ્વના ઉત્કૃષ્ટ ઝડપી ગોલંદાજ તરીકે થવા લાગી. 1963માં ઍજબાસ્ટનના મેદાન પર વેસ્ટ ઇન્ડીઝના પ્રથમ દાવમાં 75 રનમાં 5 વિકેટ અને બીજા દાવમાં 44 રનમાં 7 વિકેટ ઝડપી હતી. આક્રમક ઝડપી ગોલંદાજ ઉપરાંત ટ્રૂમૅન જમોડી બૅટ્સમૅન હતો. એણે 65 ટેસ્ટ મૅચમાં 21.22ની સરેરાશમાં 301 વિકેટ ઝડપી હતી. ત્રણસો ટેસ્ટ વિકેટ ઝડપવાનો એનો વિક્રમ લાંબા સમય સુધી વણતૂટ્યો રહ્યો હતો. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ટ્રૂમૅને 18.27ની સરેરાશથી 1911 વિકેટ ઝડપી હતી. 1990માં એની સેવાઓ જોઈને બ્રિટિશ સરકારે એને ‘ઑર્ડર  ઑવ્ ધ બ્રિટિશ અમ્પાયર’ (ઓ.બી.ઈ.)નો ખિતાબ એનાયત કર્યો હતો.

કુમારપાળ દેસાઈ