ટ્રિબ્યૂનલ (ન્યાયપંચ) : પરસ્પર સમજૂતી દ્વારા પક્ષકારો વચ્ચે કોઈ વિવાદનો નિવેડો કે ઉકેલ આવી શકે તેમ ન હોય ત્યારે મધ્યસ્થી કરી વિવાદ અંગે ચુકાદો આપવા માટે નીમવામાં આવતું તટસ્થ પંચ. આ ટ્રિબ્યૂનલ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે : (1) દેશના અંદરના ભાગમાં પરસ્પર વ્યાપારી લેવડદેવડ કરતાં સંગઠનો વચ્ચે ઊભા થતા વિવાદોમાં તથા ક્યારેક દેશવિદેશનાં વ્યાપારી લેવડદેવડ કરતાં સંગઠનો વચ્ચે ઊભા થતા વિવાદોમાં મધ્યસ્થી કરવા નિમાયેલી ટ્રિબ્યૂનલ. (2) ઔદ્યોગિક સંગઠનો સાથે સંકળાયેલા માલિકો અને મજૂરો વચ્ચે ઊભી થતી ટ્રિબ્યૂનલ. (3) એક કરતાં વધુ દેશો વચ્ચે ઊભા થતા વિવાદોમાં મધ્યસ્થી કરવા નિમાયેલી આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલ. આ પ્રકારની ટ્રિબ્યૂનલો ગ્રીક નગરરાજ્યોના સમયમાં પણ અસ્તિત્વમાં હતી તેવા પુરાવા સાંપડે છે. 1899માં હેગ ખાતે યોજાયેલી શાંતિ પરિષદમાં પરસ્પરના વિવાદોમાં મધ્યસ્થી કરવા અંગે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલની જોગવાઈ પ્રત્યે બધા દેશોએ સંમતિ આપી હતી.

સમવાયતંત્રી રાજ્યવ્યવસ્થા ધરાવતા દેશોમાં સમવાયતંત્રના બે અથવા વધુ ઘટકો અથવા કેન્દ્ર અને એક અથવા વધુ ઘટકો વચ્ચે ઊભા થતા વિવાદોમાં મધ્યસ્થી કરવા આંતરરાજ્ય ટ્રિબ્યૂનલની પણ નિમણૂક કરવામાં આવે છે. તે ઉપરાંત, કોઈ વિવાદમાં ખાસ પ્રકારના પુરાવા નોંધવા માટે, નીચલા સ્તરે આપેલા ચુકાદાની સામે અપીલ સાંભળીને ચુકાદા આપવા માટે, સરકારની સામે કરેલા આક્ષેપોની તપાસ કરી ચુકાદા આપવા માટે તથા સરકારની સામે નાગરિકો દ્વારા કરવામાં આવેલી અપીલો સાંભળીને યોગ્ય ન્યાય આપવા માટે પણ ટ્રિબ્યૂનલની નિમણૂક કરવામાં આવે છે.

દીવાની અદાલતોની નિમણૂક હેઠળની બાબતોનો નિર્ણય કરવા ખાસ કાયદા ઘડીને ટ્રિબ્યૂનલો રચવામાં આવે છે. દીવાની અદાલતોનો કાર્યબોજ ઘટાડીને વિશિષ્ટ અનુભવ અને તાલીમવાળા ન્યાયાધીશોને ટ્રિબ્યૂનલોમાં નીમવામાં આવ્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં માલિકો અને મજૂરો વચ્ચેના વિવાદોમાં મધ્યસ્થી કરવા માટે બે રીતે ટ્રિબ્યૂનલની જોગવાઈ કરવામાં આવે છે : (1) વિવાદ સાથે સંકળાયેલા પક્ષકારો પરસ્પર સમજૂતી દ્વારા સ્વૈચ્છિક રીતે વિવાદનો નિવેડો લાવવા ટ્રિબ્યૂનલની નિમણૂક કરવા સંમત થતા હોય ત્યારે સ્વૈચ્છિક રીતે અસ્તિત્વમાં આવતી ટ્રિબ્યૂનલો (voluntary arbitration). (2) જ્યારે કોઈ  ઔદ્યોગિક વિવાદની અસર જાહેર જનતાના હિતને સ્પર્શતી હોય ત્યારે અથવા જ્યારે ઔદ્યોગિક વિવાદની અસર રૂપે હડતાળ, તાળાબંધી, હિંસા, ધીમી ગતિથી કામ કરવું (go slow), નિયમ મુજબનું જ કામ હાથ ધરવું (work to rule) જેવાં અનિષ્ટો ઊભાં થવાની સંભાવના હોય ત્યારે તે પ્રકારની પરિસ્થિતિ ટાળવા માટે અને તેવા વિવાદોનો નિવેડો લાવવા માટે સરકારના હુકમ દ્વારા ફરજિયાત મધ્યસ્થી માટે અસ્તિત્વમાં આવતી ટ્રિબ્યૂનલો (compulsoty arbitration). આવી ટ્રિબ્યૂનલોની શરૂઆત સૌપ્રથમ ન્યૂઝીલૅન્ડમાં થઈ હતી.

આ પ્રકારની ટ્રિબ્યૂનલોમાં પંચ તરીકે કામગીરી કરવા માટે  તટસ્થ ન્યાયપંચોની નિમણૂક કરવામાં આવે છે અને તેથી તેમનો ચુકાદો બધા પક્ષકારોને બંધનકર્તા અને તેથી અંતિમ ગણવામાં આવે છે. ટ્રિબ્યૂનલના ચુકાદાને ‘ઍવૉર્ડ’ કહેવામાં આવે છે.

ભારતમાં ઔદ્યોગિક ઝઘડાઓના ઉકેલ માટે ટ્રિબ્યૂનલની જોગવાઈને ઔદ્યોગિક વિવાદ કાયદો, 1948 હેઠળ કાયદાનું રૂપ આપવામાં આવ્યું છે. તાજેતરનાં વર્ષો દરમિયાન આંતરરાજ્ય વિવાદોના ઉકેલ માટે નિમાયેલી ટ્રિબ્યૂનલોના દાખલાઓ પણ ટાંકી શકાય છે. દા.ત., ગુજરાત, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન વચ્ચે નર્મદા નદીના પાણીની વહેંચણી તથા પ્રયોજિત સરદાર સરોવરના બંધની ઊંચાઈના પ્રશ્ને નિમાયેલ ‘નર્મદા નદી ટ્રિબ્યૂનલ’, તમિળનાડુ તથા કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણીની વહેંચણી અંગેના વિવાદમાં મધ્યસ્થી કરવા માટે નિમાયેલ ‘કાવેરી જળ ટ્રિબ્યૂનલ’ વગેરે. આંતરરાષ્ટ્રીય સપાટી પર જુદા જુદા દેશો વચ્ચે ઊભા થતા વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ હેગ ખાતે આંતરરાષ્ટ્રીય ન્યાયપંચ(international court of Justice, The World Court)ની સ્થાપના કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય હોય એવું વિશ્વનું કોઈ પણ રાષ્ટ્ર અથવા સંયુક્ત રાષ્ટ્રસંઘે માન્યતા આપી હોય તેવું કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંગઠન આ ન્યાયપંચ સમક્ષ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધરાવતો કોઈ પણ વિવાદ રજૂ કરી શકે છે. આ ન્યાયપંચ આંતરરાષ્ટ્રીય કાયદા અન્વયે ચુકાદો આપે છે, જેની સામે અપીલ કરી શકાય નહિ. કોઈ પણ રાષ્ટ્રને આ ન્યાયપંચ સમક્ષ ઉપસ્થિત થવાની કે તેની સમક્ષ રજૂઆત કરવાની ફરજ પાડી શકાય નહિ. અત્યાર સુધી આશરે 40 રાષ્ટ્રોએ આ ન્યાયપંચની સત્તાને આંશિક કે સંપૂર્ણ રીતે બહાલી આપી છે. અલબત્ત, આ ન્યાયપંચના ચુકાદાની અવગણના કરનાર રાષ્ટ્ર સામે તે (ન્યાયપંચ) કોઈ પણ પ્રકારનાં શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા ધરાવતું નથી. પંદર સભ્યો ધરાવતું આ આંતરરાષ્ટ્રીય ન્યાયપંચ બહુમતીથી પોતાનો ચુકાદો આપે છે, પરંતુ સમાન મત ધરાવતા ચુકાદાની બાબતમાં ન્યાયપંચમાં અધ્યક્ષને વધારાનો મત (casting vote) આપવાની જોગવાઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના છાડબેટ અંગેના વિવાદનો ઉકેલ આ ન્યાયપંચના ચુકાદા દ્વારા લાવવામાં આવ્યો હતો.

ભારતમાં ઔદ્યોગિક વિવાદોની બાબતમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક ન્યાયપંચની રચના કરવાની સત્તા માત્ર કેન્દ્રસરકાર ધરાવે છે. કેન્દ્રસરકારને જ્યારે એમ લાગે કે દેશના કોઈ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઔદ્યોગિક તકરાર ઊભી થવાની સંભાવના છે અથવા તો ઔદ્યોગિક તકરાર અસ્તિત્વ ધરાવે છે અથવા તો તે તકરાર સાથે જાહેર હિતનો કોઈ પ્રશ્ન સંકળાયેલો છે અને તે તકરાર એવી છે કે જેમાં એક કે તેથી વધારે રાજ્યોના હિતસંબંધો સંકળાયેલા છે અથવા તો તેનાથી હિતસંબંધો પર અસર થવાની સંભાવના છે ત્યારે બંધારણીય રીતે અસ્તિત્વમાં આવેલી કોઈ પણ સરકાર લેખિત હુકમથી તેવી તકરાર સાથે સંબંધિત જણાતી અથવા સુસંગત ગણાતી કોઈ પણ બાબતને રાષ્ટ્રીય ન્યાયપંચને નિર્ણય માટે સોંપી શકે છે; ઉપરાંત કોઈ પણ ઔદ્યોગિક તકરારના પક્ષકારો કાં તો સંયુક્ત રીતે અથવા વિભક્ત રીતે નિયત કરેલ પદ્ધતિ મુજબ પંચ, અદાલત, મજૂર-અદાલત, ન્યાયપંચ અથવા રાષ્ટ્રીય ન્યાયપંચને તેમની તકરાર નિર્ણય માટે સોંપી શકે છે – શરત એ કે અરજી કરનાર પક્ષકારો બહુમતી વતી તે પ્રકારની રજૂઆત કરી રહ્યા છે એવી સરકારને ખાતરી થાય.

ગુજરાતમાં નીચે મુજબની કાયમી ટ્રિબ્યૂનલો કામગીરી કરે છે :

(અ) ગુજરાત સરકાર હસ્તકની ટ્રિબ્યૂનલો : (1) ગુજરાત (જાહેર બાંધકામ કરારને લગતી તકરારોમાં નિર્ણય આપવા સક્ષમ) આરબિટ્રેશન ટ્રિબ્યૂનલ : રાજ્યસરકાર કે જાહેર સંસ્થાઓ સાથેના બાંધકામને લગતા કરારોમાંથી ઉદભવતી તકરારો કે પ્રશ્નોમાં ચુકાદો આપવા રચાયેલી આ ટ્રિબ્યૂનલમાં ચૅરમૅન તરીકે માત્ર હાઈકોર્ટ જજને કે નિવૃત્ત હાઈકોર્ટ જજને જ નીમી શકાય છે. બીજા સભ્યો તરીકે નિવૃત્ત ચીફ એન્જિનિયર, ડિસ્ટ્રિક્ટ જજ કે સચિવને નીમી શકાય છે. (2) ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલ : મહેસૂલી કાયદા અને ગણોતધારા હેઠળ કલેક્ટર જે ચુકાદા કે આદેશ આપે તેને રેવન્યૂ ટ્રિબ્યૂનલમાં પડકારી શકાય છે. (3) ગુજરાત કોઑપરેટિવ ટ્રિબ્યૂનલ : સહકારી કાયદા હેઠળ બૉર્ડ ઑવ્ નૉમિનીઝ જે ચુકાદા કે આદેશ આપે તેને કોઑપરેટિવ ટ્રિબ્યૂનલમાં પડકારી શકાય છે. (4) ગુજરાત સિવિલ સર્વિસિસ ટ્ર્બ્યિૂનલ : નિર્દિષ્ટ સરકારી કર્મચારીઓ અને પંચાયત કર્મચારીઓની સેવાઓ અંગે ઊભા થતા પ્રશ્નોના નિવેડા માટે રચવામાં આવેલ ટ્રિબ્યૂનલ. (5) ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશનલ ટ્રિબ્યૂનલ, સેકન્ડરી એજ્યુકેશન ટ્રિબ્યૂનલ, ગુજરાત હાયર સેકન્ડરી સર્વિસિસ ટ્રિબ્યૂનલ, ગુજરાત એફિલિયેટેડ કૉલેજીસ સર્વિસિસ ટ્રિબ્યૂનલ અનુક્રમે પ્રાથમિક શાળાના શિક્ષકો, માધ્યમિક શાળાના શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને કૉલેજના પ્રાધ્યાપકોની સેવા અંગે ઊભા થતા પ્રશ્નોના નિવેડા માટે કાયદા હેઠળ રચવામાં આવેલી ટ્રિબ્યૂનલો છે. (6) ગુજરાત સેલ્સટૅક્સ ટ્રિબ્યૂનલ : વેચાણવેરાને લગતો આખરી ચુકાદો આપવાની હકૂમત ધરાવતી ટ્રિબ્યૂનલ.

(આ) કેન્દ્રસરકાર હસ્તકની ટ્રિબ્યૂનલો : (1) સેન્ટ્રલ ઍડ્મિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ : કેન્દ્રસરકારના કર્મચારીઓના નોકરી અંગેના કેસોમાં નિર્ણય કરવા સક્ષમ ટ્રિબ્યૂનલ. જેના દિલ્હી ખાતેના ચૅરમૅન તરીકે અને જુદાં જુદાં રાજ્યોમાંના વાઇસ-ચૅરમૅન તરીકે માત્ર હાઈકોર્ટ જજ કે નિવૃત્ત હાઈકોર્ટ જજને જ નીમી શકાય છે. બીજા સભ્યો કેન્દ્રીય સેવાના ઉચ્ચ વહીવટી અધિકારી કે નિવૃત્ત અધિકારી હોય છે. (2) કસ્ટમ ઍન્ડ ઍક્સાઇઝ ટ્રિબ્યૂનલ : કસ્ટમ ઍક્ટ અને ઍક્સાઇઝ ઍક્ટ હેઠળ ઊભા થતા પ્રશ્નોના નિવેડા માટે રચાયેલ કેન્દ્રીય ટ્રિબ્યૂનલ. (3) રેલવે ક્લેઇમ્સ ટ્રિબ્યૂનલ : રેલવેતંત્ર સામેના દાવાઓનો નિર્ણય કરવા રચાયેલ ટ્રિબ્યૂનલ. (4) ઇન્કમટૅક્સ એપેલેટ ટ્રિબ્યૂનલ : ઇન્કમટૅક્સ કમિશનરના આકારણી વિશેના અને અન્ય આદેશોને આ ટ્રિબ્યૂનલમાં પડકારી શકાય. (5) ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યૂનલ : ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ્સ ઍક્ટ અને બૉમ્બે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ ઍક્ટ હેઠળ ઊભા થતા વિવાદો અને પશ્નોના નિકાલ માટે રચાયેલ ટ્રિબ્યૂનલ. (6) ડેટ્સ રિકવરી ટ્રિબ્યૂનલ : બૅન્કોનાં લેણાં નાણાં વિશે નિર્ણય કરવા રચાયેલ ટ્રિબ્યૂનલ.

અનુક્રમે (2) અને (3) વાળી ટ્રિબ્યૂનલમાં ચૅરમૅન તરીકે હાઈકોર્ટના જજ કે નિવૃત્ત જજ સિવાય બીજા કોઈને નીમી શકાતા નથી.

જયશ્રી ઠાકોર