ટ્રાયગોનેલા : વનસ્પતિના દ્વિદળી વર્ગના ફેબેસીકુળના ઉપકુળ પેપીલીઓનેસીની એકવર્ષાયુ પ્રજાતિ. તે 50 જેટલી જાતિઓ ધરાવે છે. તે ભૂમધ્ય સમુદ્રીય દેશો, યુરોપ, એશિયા, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં વિતરણ પામેલી છે. તેની ભારતમાં 11 જેટલી જાતિઓ જોવા મળે છે. સામાન્ય રીતે મેથી તરીકે જાણીતી Trigonella foenum-graecum Linn. સમગ્ર ભારતમાં શાકભાજી (culinary) અને ઔષધકીય હેતુ તથા પશુઓના ખોરાક તરીકે ઉગાડવામાં આવે છે.

મેથીના બે પ્રકારો છે : (1) સામાન્ય અથવા દેશી મેથી (T. foenum graecum) અને (2) કસ્તૂરી મારવાડી અથવા ચંપા મેથી (T. corniculata Linn.). દેશી અને કસ્તૂરી મેથીના નવા પ્રકારો ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બજારમાં મૂકવામાં આવ્યા છે.

આકૃતિ : (અ) મેથીનો છોડ (આ) બીજ.

તે સુવાસિત, એકવર્ષાયુ, 30થી 60 સેમી. ઊંચો છોડ છે અને ભારતના ઘણા ભાગોમાં ઉગાડવામાં આવે છે. તેની વામન જાતિ શાકભાજી તરીકે અને ઊંચી જાતિ પંજાબમાં મેથા તરીકે ઓળખાતી પશુ-આહાર માટે ઉગાડવામાં આવે છે. તેનાં પર્ણો પક્ષવત્, ત્રિપર્ણી સંયુક્ત હોય છે. પર્ણિકા 2થી 2.5 સેમી. લાંબી, અધોમુખ ભાલાકાર – દીર્ઘ લંબગોળાકાર અને આછી દંતૂરીવત્ હોય છે. પુષ્પો કક્ષીય, એક અથવા બે અને સફેદ અથવા પીળાશ પડતા સફેદ રંગનાં હોય છે. શીંગો 3થી 15 સેમી. લાંબી અને 10થી 20 બીજ ધરાવે છે. બીજ લીલાશ પડતાં બદામી, 2.5 થી 5.0 મિમી. લાંબાં અને 2.0 થી 3.5 મિમી. પહોળાં હોય છે. દીર્ઘ લંબગોળાકાર બીજમાં એક ખૂણેથી પસાર થતી ઊંડી ખાંચ બીજને અંકુશ જેવો દેખાવ આપે છે.

લીલાં પર્ણોના ખાદ્ય દ્રવ્યનું મૂલ્ય : ભેજ, 86.1; પ્રોટીન 4.4; મેદ 0.9; રેસા 1.1; કાર્બોદિતો 6.0 અને ભસ્મ 1.5 ગ્રા/100 ગ્રા છે. ખનિજ ઘટકોમાં Ca – 395 Mg – 67.0; P – 51.0; Na – 76.1; K, 31.0; Cu – 0.26; S – 167.0 અને C1 165.0 મિગ્રા. /100 ગ્રામ ખાદ્ય દ્રવ્ય  છે. વિટામિનોમાં કૅરોટીન 2340 માઇક્રોગ્રામ; થાયેમિન 0.04 મિગ્રા.; રિબોફ્લેવિન 0.31 મિગ્રા.; નિકોટિનિક ઍસિડ 0.80 મિગ્રા. અને વિટામિન C 52.0 મિગ્રા / 100 ગ્રામ ખાદ્ય દ્રવ્ય તથા જૂજ પ્રમાણમાં વિટામિન K ધરાવે છે.

બીજ આશરે 13.7 % ભેજ, 26.2 % અશુદ્ધ પ્રોટીન, 5.8 % મેદ, 7.2 % રેસા અને 44.1 % બીજા કાર્બોદિતો તથા ખનિજ ઘટકોમાં Ca – 160. 0; P – 370; Fe – 14.1; Na – 19.0 અને K – 530 મિગ્રા. /100 ગ્રામ ધરાવે છે. બીજ, કૅરોટીન, 96 માઇક્રોગ્રામ; થાયેમિન 0.34 મિગ્રા.; રાઇબોફ્લેવિન 0.29 મિગ્રા. અને નિકોટિનિક ઍસિડ 1.1 મિગ્રા. / 100 ગ્રામ જેવાં વિટામિનો તથા ફૉલિક ઍસિડ ધરાવે છે. અંકુરિત બીજ પાયરિડૉક્સિન, સાયકોનોબાલેમિન, કૅલ્શિયમ પેન્ટોથીનેટ, બાયૉટિન અને વિટામિન–C ધરાવે છે.

લીલાં અને સૂકાં પર્ણો શાકભાજી તેમજ પશુઓના ખોરાક તરીકે ઉપયોગી છે. બીજ મસાલા તરીકે અને ખોરાકને સુગંધી બનાવવા માટે ઉપયોગી છે. તે તીવ્ર સુવાસ અને અરુચિકર કડવો સ્વાદ ધરાવે છે. આફ્રિકાના ઘણા ભાગોમાં શેકેલાં બીજ કૉફીની અવેજીમાં વપરાય છે. છોડ કીટ-પ્રતિકર્ષી (insect repellant) ગુણધર્મો ધરાવે છે. પંજાબમાં ખેડૂતો અનાજની જાળવણી કરવા અનાજ સાથે મેથીના સૂકા છોડ મેળવે છે.

બીજ સુગંધીદાર, વાતહર, શક્તિવર્ધક અને સ્તન્યવર્ધક (galactagogue) હોય છે. તે બાહ્ય રીતે ગૂમડાં (boils), વિદ્રધિ (abscesses) અને ચાંદાં માટેની પોટીસમાં તથા આંતરિક રીતે પાચનમાર્ગના દાહમાં પ્રશામક તરીકે વપરાય છે. પશુ-ઔષધોની બનાવટમાં પણ તે ઉપયોગી છે. બીજનો જલીય નિષ્કર્ષ માઇક્રોકૉક્સ પાયોજીનસ પ્રભેદ ઓરિયસ નામના બૅક્ટેરિયા માટે પ્રતિજૈવિક પ્રક્રિયા દર્શાવે છે.

બીજ શ્લેષ્મલ (mucilagenous) હોવાથી કાગળ-ઉદ્યોગમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) તરીકે ઉપયોગી છે. શુષ્ક શ્લેષ્મ ફૂલવાનો નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે અને ઔષધની બનાવટોમાં સહ-ઔષધ (adjuvant) તરીકે ઉપયોગી છે.

મનીષા દેસાઈ