ટેલર, એલિઝાબેથ રોઝમંડ

January, 2014

ટેલર, એલિઝાબેથ રોઝમંડ (જ. 27 ફેબ્રુઆરી 1932, લંડન; અ. 23 માર્ચ 2011, લૉસ ઍજિલિસ, કૅલિફૉર્નિયા) : હૉલિવૂડની વિખ્યાત અભિનેત્રી. નાની વયથી જ અભિનયમાં રુચિ ધરાવતી. 1939માં પોતાના પરિવાર સાથે અમેરિકાના લૉસ ઍંજિલિસમાં હૉલિવૂડમાં રહેવા ગઈ. 1942માં દસ વર્ષની ઉંમરે બાળ-કલાકાર તરીકે કેટલીક ફિલ્મોમાં ભૂમિકા ભજવી. 1950માં ‘ધ ફાધર ઑવ્ ધ બ્રાઇડ’ ફિલ્મમાં પુખ્તવયની અભિનેત્રી તરીકે અભિનય આપ્યો. ‘કૅટ

એલિઝાબેથ રોઝમંડ ટેલર

ઑન એ હૉટ ટિન રૂફ’ (1958), ‘બટર ફિલ્ડ 8’ (1960) (અકાદમી પુરસ્કાર વિજેતા), ‘ક્લિયોપેટ્રા’ (1962) અકાદમી પુરસ્કાર વિજેતા, ‘હુ ઇઝ અફ્રેડ ઑવ્ વર્જિનિયા વૂલ્ફ’ (1966), ‘નાઇટ વૉચ’ (1973), અગાથા ક્રિસ્ટીની જાણીતી નવલકથા પરથી બનેલી ‘ધ મિરર ક્રેક્ડ’ (1981) ‘યંગ તોસ્કાનિની’ (1988, ઝેફિરિલીની ફિલ્મ) તેની જાણીતી ફિલ્મો છે. લિઝ ટેલરના નામે પણ જાણીતી આ અભિનેત્રી તેનાં લગ્નો અને પ્રેમપ્રસંગો માટે વિખ્યાત છે. તેના પતિઓમાં કોનરાડ હિલ્ટન (વિશ્વવ્યાપી હોટલ હિલ્ટન શૃંખલાનો વારસદાર, 1950), માઇકલ વિલ્ડિંગ (1952), હૉલિવૂડનો અભિનેતા  માઇક ટોડ (1957), એડી ફિશર (1958), રિચર્ડ બર્ટન (બે વાર 1964–74 અને 1975–76), અમેરિકી પ્રમુખ સ્વ. રિચર્ડ નિક્સનના પ્રધાનમંડળના ભૂતપૂર્વ નૌકામંત્રી જ્હૉન વૉર્નર (1976) અને 20 વર્ષે નાના લેરી (1991)નો  સમાવેશ થાય છે. આમ આઠ લગ્ન કરનાર  એલિઝાબેથ ટેલર, 1963માં રજૂ થયેલા ભવ્યપોશાકી ચિત્ર ‘ક્લિયોપેટ્રા’માં ઍન્ટનીનું પાત્ર ભજવનાર અભિનેતા રિચર્ડ બર્ટનના પ્રેમમાં પડી અને આ પ્રણયપ્રસંગે સમસ્ત વિશ્વનું ધ્યાન ખેંચ્યું. રિચાર્ડ બર્ટને એલિઝાબેથને પોતાના પ્રેમની પ્રતીતિ કરાવવા વસ્ત્રો તથા અલંકારોની લાખો ડૉલરના મૂલ્યની ભેટો આપી. બર્ટને કહ્યું, ‘સેકન્ડના એક હજાર ડૉલરના દરે જીવવાની શૈલી પોતે શોધી કાઢી હતી.’ એલિઝાબેથ ટેલરે પોતાના કોઈ પણ પતિની મિલકતમાંથી ક્યારેય હિસ્સો માગ્યો નથી.

નરેન્દ્ર જોશી