ટેનિસન, આલ્ફ્રેડ લૉર્ડ

January, 2014

ટેનિસન, આલ્ફ્રેડ લૉર્ડ (જ. 6 ઑગસ્ટ 1809, સૉમર્સ્બી, લિંકનશાયર; અ. 6 ઑક્ટોબર 1892, ઓલ્ડવર્થ, હેઝલમિયર) : ઓગણીસમી સદીના મહાન અંગ્રેજ કવિ. તે માતા-પિતાનું ચોથું સંતાન હતા. પિતા રૅક્ટર હતા અને કાવ્યો રચતા હતા. આ વત્સલ ભાષાવિદ પિતાનો મોટો ગ્રંથસંચય હતો. ટેનિસને પિતાના માર્ગદર્શનથી છ વર્ષની શિશુવયે ગ્રીક, લૅટિન અને અંગ્રેજી શિષ્ટગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. એ જ વયથી આસપાસના પ્રદેશની પ્રકૃતિ અને આ અભ્યાસની પ્રેરણાથી સૌંદર્યોપાસક ટેનિસને એક સ્વપ્નસૃષ્ટિ રચી હતી અને કાવ્યો રચવાનો આરંભ કર્યો હતો. ઔપચારિક અભ્યાસ એમણે લુથ ગ્રામર સ્કૂલમાં કર્યો હતો. એમના બે મોટા ભાઈઓ–ફ્રેડરિક અને ચાર્લ્સ પણ સારા કવિઓ હતા. 1827માં ટેનિસન ચાર્લ્સનો સંયુક્ત કાવ્યસંગ્રહ ‘પોએમ્સ બાય ટુ બ્રધર્સ’ શીર્ષકથી પ્રગટ થયો હતો. 1828માં ટેનિસને ઉચ્ચ અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ કર્યો. 1829માં એમના એક કાવ્ય ‘ટિમ્બુક્ટુ’ માટે એમને ચાન્સલરનો ચન્દ્રક અર્પણ થયો. કેમ્બ્રિજમાં ત્યારે તેજસ્વી યુવાન વિદ્યાર્થી-બૌદ્ધિકોનું એક પ્રસિદ્ધ મંડળ ‘ધ ઍપોસલ્સ’ હતું. એમાં ટેનિસન સભ્ય થયા. આ મંડળની સભાઓમાં સમકાલીન અંગ્રેજ સમાજના આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રશ્નોની ચર્ચાઓમાં તેઓ સક્રિય હતા. એ દ્વારા એ સ્વપ્નસૃષ્ટિમાંથી વાસ્તવલોકમાં આવીને વસ્યા હતા. અહીં 1829માં આર્થર હૅલમ એમના પરમ મિત્ર થયા. પછીથી ટેનિસનની બહેન મેરી સાથે હૅલમનો વિવાહસંબંધ પણ થયો હતો. આ મૈત્રી એ ટેનિસનના જીવનનો સુખદમાં સુખદ અનુભવ હતો. 1830માં ઉપાધિ પ્રાપ્ત કર્યા વિના જ ટેનિસને કેમ્બ્રિજનો ત્યાગ કર્યો. એ જ વર્ષમાં એમનો પ્રથમ સ્વતંત્ર કાવ્યસંગ્રહ ‘પોએમ્સ ચીફ્લી લિરિકલ’ પ્રગટ થયો. 1831માં પિતાનું અવસાન થયું.

આલ્ફ્રેડ લૉર્ડ ટેનિસન

1832માં આ બંને સંવેદનશીલ સ્વાતંત્ર્યપ્રિય મિત્રો કુટુંબમાં કોઈને કહ્યા વિના જ સ્પેનના સ્વાતંત્ર્યયુદ્ધમાં સહાય કરવા પિરનીઝ લગી પહોંચી ગયા હતા, પણ નિર્ભ્રાંત અને નિરુત્સાહ બનીને પાછા ફર્યા હતા. દક્ષિણ ફ્રાંસ અને ઉત્તર સ્પેનના આ સીમાપ્રદેશની ઉન્માદપ્રેરક અને ઉદ્રેકપૂર્ણ પ્રકૃતિનો આ અનુભવ ઇન્દ્રિયરાગી કવિતાનું સર્જન કરવામાં ટેનિસન માટે જીવનભર પ્રેરણારૂપ રહ્યો હતો. એ જ વર્ષમાં, 1832માં, એમનો દ્વિતીય કાવ્યસંગ્રહ, ‘પોએમ્સ’ પ્રગટ થયો. એમાં એમનાં પ્રસિદ્ધ કાવ્યો ‘ધ લોટસ ઇટર્સ’ અને ‘ધ લેડી ઑવ્ શૅલટ’નો સમાવેશ થયો છે.

1833માં સપ્ટેમ્બરની 15મીએ વિયેનામાં મગજની બીમારીથી 22 વર્ષની અતિ કાચી વયે હૅલમનું અચાનક અવસાન થયું, ત્યારે ટેનિસનનું 24 વર્ષનું વય હતું. ટેનિસનના જીવનનો આ કરુણમાં કરુણ અનુભવ હતો. એથી ટેનિસનનું જીવન શૂન્ય બની ગયું. એમનું વિશ્વ અર્થશૂન્ય બની ગયું. ચિત્તમાં આત્મહત્યાનો વિચાર ચમકી ગયો. હૅલમના મહાન આદર્શો સ્વમાન, સંયમ, સાહસ, સહનશીલતા, વીરતા, ભવ્યતા, ઉદાત્તતાને એમના પ્રસિદ્ધ નાટ્યાત્મક એકોક્તિકાવ્ય ‘યુલિસીઝ’માં તત્કાલ અંજલિ અર્પી અને હૅલમના મૃત્યુ પછી 24 વર્ષની વયે જીવનનો ત્યાગ કરવાને બદલે બીજાં 60 વર્ષ જીવીને 84 વર્ષની વયે મૃત્યુ પામનાર ટેનિસને પોતાના જીવનની આ વિધિવક્રતાને એમના અન્ય પ્રસિદ્ધ નાટ્યાત્મક એકોક્તિકાવ્ય ‘ટિથોનસ’માં વાચા અર્પી. જીવનના આ કરુણતમ અનુભવમાંથી તત્કાલ એમણે ‘ધ ટુ વૉઇસીસ’ કાવ્ય રચ્યું અને એમનું સર્વશ્રેષ્ઠ કરુણપ્રશસ્તિ કાવ્ય ‘ધ ઇન મેમોરિયમ’ રચવાનો આરંભ કર્યો. આ અનુભવ એમનાં અન્ય અનેક કરુણ કાવ્યોમાં પરોક્ષ પ્રેરણારૂપ છે. આ જ સમયમાં 1833માં એમિલી સેલવુડ સાથે મિલન થયું હતું અને પછી 1838માં વિવાહ થયો હતો. પણ 1850 લગી આર્થિક તથા અન્ય કારણોથી લગ્ન થયું ન હતું. આ પછી દસેક વર્ષ લગી ટેનિસન એમના કુટુંબ સાથે વિવિધ સ્થળોએ વસ્યા. આ સમયમાં ‘ઇન મેમોરિયમ’ પર કામ કરવાનું અને અન્ય કાવ્યો રચવાનું ચાલુ રહ્યું હતું. પણ કોઈ પ્રકાશન કર્યું ન હતું. 1842માં એમણે બે ભાગમાં કાવ્યસંગ્રહ ‘પોએમ્સ’નું પ્રકાશન કર્યું અને એક મહાન કવિ તરીકે પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું. એમાં એમનાં પ્રસિદ્ધ કાવ્યો ‘લૉક્સ્લી હૉલ’ અને ‘યુલિસીઝ’નો સમાવેશ થયો છે.

આ પછીની ટેનિસનની આયુષ્યના અંત લગીની જીવનકથા એ અનેક સિદ્ધિઓ અને પ્રસિદ્ધિઓની કથા છે. 1847માં પ્રવાહી પદ્યમાં કથનાત્મક કાવ્ય ‘ધ પ્રિન્સેસ’ પ્રગટ થયું. એમાં એમનાં કેટલાંક પ્રસિદ્ધ લઘુ કદનાં ઊર્મિકાવ્યો ‘ધ સ્પ્લેન્ડર ફૉલ્સ’, ‘ટીઅર્સ’, ‘આઇડલ ટીઅર્સ’ આદિનો સમાવેશ થયો છે. 1850નું  વર્ષ એ ટેનિસનના જીવનનું સુવર્ણ વર્ષ છે. આ એક જ વર્ષમાં ત્રણ સૌથી વધુ મહાન ઘટનાઓ બની હતી. એમિલી સાથે વર્ષોના  સંવનન પછી લગ્ન થયું. આ વર્ષમાં વર્ડ્ઝવર્થનું અવસાન થયું એથી એમને ‘પોએટ લૉરિયેટ’ રાજકવિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જે કાવ્ય પર એમણે અઢાર વર્ષ લગી સતત કામ કર્યું હતું તે એમનું સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘ઇન મેમોરિયમ’ પ્રગટ થયુ. તરત જ એની સાઠ હજાર નકલોનું વેચાણ થયું. અસંખ્ય પ્રજાજનોની જેમ રાણી વિક્ટોરિયાએ પણ પોતાના પતિના અવસાન પછી એમાંથી આશ્વાસન પ્રાપ્ત કર્યું હતું. અંગ્રેજ પ્રજાએ આ કાવ્યનો બાઇબલ જેવો મહિમા કર્યો હતો. આજે પણ અંગ્રેજી કવિતાના ઇતિહાસમાં જે ચાર મહાન કરુણપ્રશસ્તિઓ  અન્ય ત્રણ તે મિલ્ટનની ‘લીસિડાસ’, શેલીની ‘એડોનેસ’ અને આર્નલ્ડની ‘થીર્સિસ’ છે  એમાં આ કરુણપ્રશસ્તિનું ગૌરવભર્યું સ્થાન છે. હૅલમના અવસાનથી ટેનિસનની ઇહલોકમાંની આશાનો અને પરલોકમાંની શ્રદ્ધાનો લોપ થયો હતો. આ જ સમયમાં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી મનુષ્યમાત્રની આશા અને શ્રદ્ધા હચમચી હતી. મગતરું હોય કે મનુષ્ય (હૅલમ જેવો મહાન મનુષ્ય હોય) એ બંનેના મૃત્યુ પ્રત્યે વિશ્વ એકસરખું ઉદાસીન ! આ વિશ્વમાં વ્યક્તિ ક્ષુદ્ર, ક્ષુલ્લક અને ક્ષણિક છે. આ વિચારથી સૌનાં હૃદય અને બુદ્ધિ બંને ક્ષુબ્ધ થયાં હતાં. આ પ્રશ્ન સૌને આહવાનરૂપ હતો. આ કાવ્યમાં આ એક જ વિચાર, એક જ પ્રશ્ન પર ટેનિસને એમનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એમાં એમની સમગ્ર કલ્પના અને સર્જકતા સક્રિય હતી. એથી જ આ કાવ્ય એ એક જ મનુષ્યનું નહિ, પણ મનુષ્યમાત્રનું કાવ્ય છે. એની વિશિષ્ટ શ્લોકરચનામાં શોક, શૂન્યતા, શંકા અને શરણાગતિનો અનુભવ છે; સાથે સાથે સંયમ, સાહસ, સહનશીલતા, ધૈર્ય અને ધાર્મિકતાની અનુભૂતિ છે. શોકમાંથી શાંતિમાં, અસારતામાંથી આશામાં પર્યવસાન પામતું શંકાનું આ મહાન કાવ્ય એ કોઈ શુષ્ક ફિલસૂફનો સુગ્રથિત તર્ક નથી, કોઈ પાદરીનું બોધપ્રધાન પ્રવચન નથી, પણ એક સંવેદનશીલ આત્માની હપતે હપતે આલેખાયેલી ડાયરી છે. આ કાવ્ય ટેનિસનની આધ્યાત્મિક આત્મકથા છે.

રાજકવિ તરીકે ટેનિસને 1852માં ડ્યૂક ઑવ્ વેલિંગ્ટનના અવસાન પ્રસંગે ‘ઓડ’ તથા 1854માં ક્રિમિયાના યુદ્ધ જેવા રાષ્ટ્રની કટોકટી અને કરુણતાના પ્રસંગે ‘ધ ચાર્જ ઑવ્ ધ લાઇટ બ્રિગેડ’ રચ્યું અને એ દ્વારા પ્રજાને પ્રોત્સાહન આપ્યું. 1855માં ઊર્મિકાવ્યોની માળાના સ્વરૂપમાં નાટ્યાત્મક ‘મૉડ’ પ્રગટ થયું. 1859થી 1885 લગીમાં બાર  કથાકાવ્યોનો ગુચ્છ ‘ધ ઇડિલ્સ ઑવ્ ધ કિંગ’ ક્રમે ક્રમે પ્રગટ થયો. ટેનિસને એક આર્થર – આર્થર હૅલમ–ના જીવન અને મૃત્યુમાંથી પ્રેરણા પામીને અન્ય આર્થર – કિંગ આર્થર–ના જીવન અને મૃત્યુ વિશેનો આ કાવ્યગુચ્છ રચ્યો છે. કિંગ આર્થરની અસ્પષ્ટ, ધૂંધળી, શોકઘેરી, ઉદાર, ઉદાત્ત મૂર્તિમાં આર્થર હૅલમનો અણસાર આવે છે. એમાં સમકાલીન સમાજમાં ટેનિસનને જે શ્રદ્ધા અને સંસ્કારોના અભાવનો અનુભવ થયો એનો સતત ઉલ્લેખ થયો છે. આ કાવ્યો બોધાત્મક અને એથી કંઈક અકલાત્મક છે. 1864માં કથનાત્મક કાવ્ય ‘ઈનૉક આર્ડન’ પ્રગટ થયું. 1875થી 1892 લગીમાં એમણે પદ્યનાટકો રચ્યાં  ‘ક્વીન મેરી’ (1875), ‘હૅરલ્ડ’ (1876), ‘ધ ફાલ્કન’ (1879), ‘ધ કપ’ (1881), ‘ધ પ્રોમિસ ઑવ્ મે’ (1882), ‘બેકેટ’ (1884), ‘ધ ફૉરેસ્ટર્સ’ (1892). 1879માં ‘ધ લવર્સ ટેઇલ’, 1885માં ‘ટાયરેસિયાસ ઍન્ડ અધર પોએમ્સ’, 1886માં ‘લૉક્સ્લી હૉલ, સિક્સટી ઈયર્સ આફ્ટર’, 1889માં ડિમીટર ઍન્ડ અધર પોએમ્સ’ (જેમાં ટેનિસનના પ્રસિદ્ધ હંસગીત ‘ક્રૉસિંગ ધ બાર’ તથા ‘ટુ વર્જિલ’નો સમાવેશ થયો છે.), 1892માં ‘ધ ડેથ ઑવ્ ઈનોની’, ‘અકબર્સ ડ્રીમ ઍન્ડ અધર પોએમ્સ’ કાવ્યસંગ્રહો પ્રગટ થયા.

1853થી 1869 લગી ટેનિસન આઇલ ઑવ્ વાઇટમાં, ફેરિંગફર્ડમાં અને 1869થી આયુષ્યના અંત લગી હેઝલમિયરમાં ઑલ્ડવર્થમાં નવું ઘર બંધાવીને રહ્યા હતા. 1884માં એમને ઉમરાવપદ અર્પણ કરવામાં આવ્યું. 1886માં બે પુત્રો હૅલમ અને લાયનલમાંથી નાના પુત્ર લાયનલનું અવસાન થયું. અંતિમ વર્ષોમાં નાની નાની માંદગીઓ પછી આ આઘાતને કારણે 1893માં 84 વર્ષની વયે એમનું અવસાન થયું. એક મહાન કવિને શોભે એમ વેસ્ટમિન્સ્ટર ઍબીમાં એમને દફનાવવામાં આવ્યા છે.

ટેનિસનના જીવનકાળમાં એમનું પ્રસિદ્ધ ઊર્મિકાવ્ય ‘બ્રેક, બ્રેક, બ્રેક’ અનેક કબ્રસ્તાનોમાં કબરો પર મૃત્યુલેખ તરીકે આંકવામાં આવતું હતું. એેમનું એવું જ અન્ય પ્રસિદ્ધ ઊર્મિકાવ્ય ‘ક્રૉસિંગ ધ બાર’ દેવળની પ્રાર્થનાપોથીના પાના પર સ્તવન તરીકે છાપવામાં આવતું હતું. એવા એ સૌથી વધુ લોકપ્રિય કવિ હતા. હેરલ્ડ નિકલ્સન જેવા વિવેચકો તથા એલિયટ, ઑડન જેવા કવિઓની સમતોલ સૂઝસમજને કારણે ટેનિસનનો એક મહાન કવિ તરીકે સ્વીકાર થયો છે.

ટેનિસનની નિરીક્ષણશક્તિ અસાધારણ હતી. એ નિકટદર્શી હતા. એથી નિકટના પદાર્થોનું એમનું નિરીક્ષણ અને નિરૂપણ વિગતપૂર્ણ અને વિશદ છે એટલું જ આનંદપૂર્ણ અને આસ્વાદ્ય છે. એમની શ્રવણશક્તિ પણ એટલી જ અસાધારણ હતી. મધુમક્ષિકાના મૃદુમંદ ગુંજન કે ઉત્તર સમુદ્રના પ્રચંડ ગર્જનથી તે મનુષ્યના કોમળ કે કઠોર કંઠ લગીના વિવિધ અવાજોને એમણે વાણીમાં પ્રગટ કર્યા છે. એડિસનની કચકડાની ચૂડી પર આંકેલો એમનો અવાજ લગભગ એંસી વર્ષની વયે પણ ધાતુ જેવો નક્કર હતો. ટેનિસને ઝરણના જલની વિવિધ ગતિનું વર્ણન વિવિધ ક્રિયાપદો દ્વારા ‘ધ બ્રુક’ કાવ્યમાં કર્યું છે. તો ગતિહીનતાનું એવું જ વર્ણન એમણે ‘ધ ડે-ડ્રીમ’ કાવ્યમાં કર્યું છે. રાઇટ બ્રધર્સનું પહેલું વિમાન કિટી હૉક પર ઊડે એનાં સાઠ વર્ષ પૂર્વે એમણે કલ્પના-ચક્ષુથી સમુદ્રનું વિહંગદર્શન ‘ધ ઈગલ’ કાવ્યમાં કર્યું છે. તો બરોબર એક સદી પછી દ્વિતીય વિશ્વયુદ્ધમાં યુરોપની અનેક મહાનગરીઓ પર વરસનારી બૉમ્બવર્ષાનું ભવિષ્યદર્શન એમણે ‘ધ લૉક્સ્લી હૉલ’ કાવ્યમાં કર્યું છે. છંદોવૈવિધ્ય, દ્રુતવિલંબિત ગતિનું લયપ્રભુત્વ, સંગીતમયતા, વર્ણસગાઈ, રવાનુકારિતા, પ્રાસ, પુનરાવર્તન, વિરામ, સ્વરવ્યંજનનું સંયોજન વગેરે દ્વારા એમણે એક કુશળ કસબી કારીગર કે કીમિયાગરની કવિતાકલા સિદ્ધ કરી છે. એમની બેતૃતીયાંશ કવિતા એમણે શેક્સપિયર, મિલ્ટન અને વર્ડ્ઝવર્થનું સ્મરણ કરાવે એવા બ્લૅંક વર્સ–પ્રવાહી પદ્યમાં રચી છે. અંગ્રેજી કવિતાની સંગીતમયતાની સૂક્ષ્મ સૂઝસમજ સંદર્ભે સ્પેન્સર, મિલ્ટન, પોપ અને કીટ્સની પરંપરામાં એમનું સ્થાન છે.

ટેનિસન માત્ર કલાકાર કવિ ન હતા. જિવાતા જીવનમાં સમરસ એવા એક સજીવ સંવેદનશીલ મનુષ્ય હતા. એથી જ ધર્મ અને વિજ્ઞાનના સંઘર્ષની પીડા અનુભવતી પ્રજાએ એમની કવિતામાંથી આશા અને શ્રદ્ધાપૂર્વક જીવન જીવવાની પ્રેરણા પીધી હતી. શોક અને શંકા પછી પણ અંતે તો ટેનિસને મનુષ્યના આત્માની અજેયતા, અવિનાશિતા અને અમરતાને જ આનંદપૂર્વક પોતાની અંતિમ શ્રદ્ધાનો અર્ઘ્ય અર્પણ કર્યો છે.

નિરંજન ભગત