જ્યામતિ (1900) : પદ્મનાભ ગોહાંઈ બરુવારચિત ઐતિહાસિક નાટક. આ નાટક અહોમ ઇતિહાસ પર આધારિત છે; કરુણાન્ત છે. તેમાં નાટ્યાત્મક અભિવ્યક્તિનું માધ્યમ બ્લૅન્ક વર્સ છે, પ્રમુખ પાત્રો હંમેશાં બ્લૅન્ક વર્સમાં જ બોલે છે. આ નાટક રાણી જ્યામતિનું પરમ સ્વાર્પણ નિરૂપતી કરુણાન્તિકા છે. લક્ષ્મીનાથ બેજબરુવાએ પણ ‘જ્યામતિ કુંવરી’ (1915) નામના નાટકમાં જ્યામતિનું સ્વાર્પણ આલેખ્યું છે. બાન પકડાયેલી જ્યામતિને પોતાના નાસતાફરતા સ્વામી કુમાર ગદાધરનો પત્તો ન આપવા બદલ, જુલમી અહોમ શાસક ભાશ રાજા ત્રાસ આપીને મારી નાખે છે તે આ નાટકનો વિષય (theme) છે. જ્યામતિએ માહિતી આપવાનો ઇન્કાર કર્યો, કારણ કે ગદાધર માત્ર તેનો પ્રિય પતિ જ નહિ; પરંતુ સંભવિત સુરાજ્યનો આધાર હતો. લેખકની સૌથી આરંભની કરુણાન્તિકા હોવા છતાં ‘જ્યામતિ’માં કરુણ વાતાવરણ જળવાઈ રહ્યું છે. આમાં લેખકના બીજા નાટક ‘સાધનિ’ (1911) કરતાં વધુ સારું પાત્રનિરૂપણ થયું છે. નાયિકા જ્યામતિના ચરિત્રમાં અસાધારણ પ્રિયંકારી લક્ષણો છે, જ્યારે નાયિકા સાધનિમાં એવું લાવણ્ય નથી. નાટકકાર ઇતિહાસનાં સંચલનો અને આંદોલનોને સારી રીતે આત્મસાત્ કરી શક્યા છે, પણ નાટકના વિષયવસ્તુવિકાસમાં એટલા સફળ થતા નથી. કંટાળાજનક વર્ણનો, હેતુવિહીન લાંબા સંવાદોને કારણે નાટકના વસ્તુના સુગ્રથનમાં શિથિલતા જોવા મળે છે; ઐતિહાસિક સામગ્રીની રજૂઆતમાં નાટ્યકાર કોઈ નવો અભિગમ દર્શાવતા નથી.

અનિલા દલાલ