જોશી, ઉમાશંકર જેઠાલાલ

January, 2014

જોશી, ઉમાશંકર જેઠાલાલ (‘વાસુકિ’, ‘શ્રવણ’) (જ. 21 જુલાઈ 1911, બામણા, ઈડર; અ. 19 ડિસેમ્બર 1988, મુંબઈ) : અગ્રગણ્ય ગુર્જર-ભારતીય કવિ. સમર્થ એકાંકીકાર તથા વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક. ઉત્કૃષ્ટ ગુજરાતી ગદ્યકાર. મૂળ લુસડિયાના પણ બામણા ગામ(ઉત્તર ગુજરાત)માં આવી રહેલા જેઠાલાલ કમળજી જોશી ‘ડુંગરાવાળા’ તથા નવલબહેન ભાઈશંકર ઠાકરનાં 9 સંતાનો (7 ભાઈઓ તથા 2 બહેનો)માં વયષ્ટિએ તેઓ ત્રીજા. જ્ઞાતિએ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ. માતા નિરક્ષર પણ જાજરમાન વ્યક્તિત્વવાળાં. પિતા દેવની મોરી, સામેરા તથા હાથરોલના કામદાર. માતાપિતાના — પરિવારના શીલસંસ્કારો ઉપરાંત તે પ્રદેશના પ્રકૃતિસૌંદર્ય, લોકસાહિત્ય તેમજ લોકમેળાઓ વગેરેનો તેમના વ્યક્તિત્વ અને કવિત્વના વિકાસમાં ફાળો. આંખોની નબળાઈ છતાં વાચન-અધ્યયનના ભારે વ્યાસંગી. સતેજ સ્મરણશક્તિ અને ઉત્કટ કર્તવ્યનિષ્ઠા. બામણાની ગામઠી શાળામાં પ્રાથમિક 3 ધોરણો સુધી અધ્યયન કર્યા બાદ ચોથા ધોરણથી ઈડરની શાળામાં અંગ્રેજી 6 ધોરણ સુધીનો અભ્યાસ. વિખ્યાત કથાસર્જક પન્નાલાલ પટેલ તેમના સહાધ્યાયી. ઉત્તમ શિક્ષકોનું સાન્નિધ્ય. તેથી તેમની સાહિત્ય- અધ્યયન તેમજ સર્જનની વૃત્તિશક્તિઓનો ઇષ્ટ વિકાસ. દરમિયાન 1927માં અમદાવાદ આવી મૅટ્રિક થયા. મૅટ્રિકમાં તેઓ મુંબઈ ઇલાકામાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ. 1928થી 1930 દરમિયાન ગુજરાત કૉલેજના વિદ્યાર્થી. એ જ ગાળામાં 1928માં આબુના પ્રવાસે. ત્યાં નખી સરોવર જોઈ એક સુંદર સૉનેટ લખ્યું, જેમાંથી ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ એવો કાવ્યદીક્ષામંત્ર એમને લાધ્યો. આ સૉનેટ દ્વારા બલવંતરાય ક. ઠાકોરપ્રેરિત નવીન કાવ્યપરંપરા સાથે તેમનું અનુસંધાન થયું. એ પછી નિજી શૈલીએ આગળ વધતાં 1931માં ‘વિશ્વશાંતિ’ ખંડકાવ્ય સાથે ગુજરાતી કવિતાક્ષેત્રે તેમણે પદાર્પણ કર્યું. એ ખંડકાવ્યનું કાકાસાહેબ કાલેલકરે ઉમળકાભેર સ્વાગત કર્યું તો તેનાં વધામણાં નરસિંહરાવ દિવેટિયા જેવા પંડિતયુગીન અને રામનારાયણ વિ. પાઠક જેવા ગાંધીયુગીન સાક્ષરોએ કર્યાં. નરસિંહરાવે ‘વિશ્વશાંતિ’ (1931)માં ‘સાક્ષરયુગનું ભાવિદર્શન’ પણ કર્યું.

‘વિશ્વશાંતિ’ કાવ્ય તત્કાલીન ગાંધીયુગીન વાતાવરણ તેમજ માનવસંસ્કૃતિનો વૈશ્વિક સંદર્ભ લઈને રચાયેલું ખંડકાવ્ય છે. ઉમાશંકરે ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાવા માટે 19મા વરસે અભ્યાસ છોડ્યો અને સત્યાગ્રહી તરીકે વીરમગામ છાવણીમાં જઈને રહ્યા. તે પછી સત્યાગ્રહમાંની તેમની સક્રિયતાને કારણે સાબરમતી – યરવડાની જેલયાત્રા કરવાની થઈ. જેલવાસે તેમને આધ્યાત્મિક જીવનદીક્ષા આપી. 1931–32 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના વાતાવરણ તેમજ કાકાસાહેબ જેવાના સહવાસે તેઓ કેવા અંતરસમૃદ્ધ થયા તેનું ચિત્ર તેમના ‘‘ ‘31માં ડોકિયું ’’ પુસ્તક(1977, સંવર્ધિત આવૃત્તિ : 2011)માંથી મળે છે.

ઉમાશંકર જેઠાલાલ જોશી

1934માં તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા, 1936માં અર્થશાસ્ત્ર તથા ઇતિહાસ સાથે બી.એ. (ઑનર્સ) અને ત્યારબાદ ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગમાં એમ.એ. (1938) થયા. એ ગાળા દરમિયાન તેઓ મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઈ શિક્ષણ-અધ્યાપનના વ્યવસાયમાં લાગી ગયા હતા. એમ.એ. થયા પછી તેઓ મુંબઈમાં જ સિડનહામ કૉલેજમાં અધ્યાપક પણ થયા. તે અગાઉ, 1937માં ઉમાશંકરે જ્યોત્સ્નાબહેન (અવસાન : 1964) સાથે લગ્ન કર્યું, જેમનાથી તેમને બે વિદુષી પુત્રીઓ પ્રાપ્ત થઈ : નંદિની અને સ્વાતિ.

1939માં ઉમાશંકર અમદાવાદ આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યાસભા)માં સંશોધનઅધ્યાપન માટે જોડાયા. આ પૂર્વે ‘ગંગોત્રી’ (કાવ્યસંગ્રહ, 1934), ‘સાપના ભારા’ (એકાંકી- સંગ્રહ, 1936), ‘શ્રાવણી મેળો’ (વાર્તાસંગ્રહ, 1937) અને ‘ત્રણ અર્ધું બે અને બીજી વાતો’ (વાર્તાસંગ્રહ, 1938) તેઓ આપી ચૂક્યા હતા. 1937માં સ્નેહરશ્મિ સાથે રહી તેમણે ‘ગાંધી કાવ્યસંગ્રહ’નું સંપાદન પણ કર્યું હતું. મુંબઈનિવાસ દરમિયાન કવિ શ્રી હરિશ્ર્ચંદ્ર ભટ્ટ જેવાઓના સંપર્કમાં આવવાથી તેમનો યુરોપીય સાહિત્યનો વ્યાસંગ પણ વધ્યો હતો. તેમણે મુંબઈમાં પ્રથમ ગુજરાતી પ્રગતિશીલ મંડળની સ્થાપના કરવામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. મુંબઈથી અમદાવાદ આવ્યા પછી ઉમાશંકરે સંશોધન-સંપાદનના કાર્યમાં એકાગ્રતા પરોવી, જેના આવકાર્ય ફળ રૂપે ‘અખો : એક અધ્યયન’ (સંશોધન, 1941), ‘ક્લાન્ત કવિ’ (સંશોધનાત્મક સંપાદન, 1942) તથા ‘પુરાણોમાં ગુજરાત (ભૌગોલિક ખંડ)’ (સંશોધન, 1946) – એ ગ્રંથો મળ્યા, જેમણે એ પ્રકારના સંશોધનકાર્યની એક પ્રશસ્ત પરિપાટી ઊભી કરી. 1939માં તેમણે ‘નિશીથ’ કાવ્યસંગ્રહ અને 1940માં ‘પારકાં જણ્યાં’ નામની નવલકથા આપ્યાં. વળી 1939માં પૉલિશ કવિ મિત્સ્કિયેવિચના ‘ક્રીમિયન સૉનેટ્સ’નો અંગ્રેજી પરથી ગુજરાતી પદ્યાનુવાદ ‘ગુલે પોલાંડ’ તેમણે આપ્યો, જે ગ્રીક નાટ્યકૃતિ ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’(1936)ના આંશિક પદ્યાનુવાદ પછીનો તેમનો બીજો પદ્યાનુવાદ હતો.

ઉમાશંકરને કવિતા માટે (‘ગંગોત્રી’ માટે) 1939નો રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. વળી એમના યશસ્વી ‘નિશીથ’ ગ્રંથને પાછળથી 1967નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ (કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સમભાગે) એનાયત થયો. તેમના પદ્યનાટ્યની – કહો કે, નાટ્યાત્મક પદ્યની – દિશાના પ્રયોગો ‘પ્રાચીના’ (1944) તેમજ ‘મહાપ્રસ્થાન’- (1965)માં જોઈ શકાય છે. આ ‘પ્રાચીના’ને 1944ના મહિડા પારિતોષિક તથા 1945ના નર્મદ સુવર્ણચંદ્રકથી પુરસ્કારવામાં આવેલ. ઉમાશંકર 1946માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યાસભા)માંથી છૂટા થયા તે પછી 1954 સુધી વ્યવસાયમુક્ત સ્થિતિમાં સ્વનિયુક્ત શિક્ષક તરીકે કાર્ય કરતા રહ્યા. ઉમાશંકર ગુ. વ. સોસાયટીમાં રહ્યા તે દરમિયાન (1939–1946) તેમણે આનંદશંકર ધ્રુવના ‘કાવ્યતત્વવિચાર’ (1940), ‘સાહિત્યવિચાર’ (1941), ‘દિગ્દર્શન’ (1942) તથા ‘વિચારમાધુરી’ (1946) – એ ગ્રંથોનું રા. વિ. પાઠક સાથે અને ‘આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ’નું પણ અન્ય સાથે રહી સંપાદન કર્યું. તેમણે ‘બુદ્ધિપ્રકાશ’ ત્રૈમાસિકનું પણ એપ્રિલ, 1944થી જુલાઈસપ્ટેમ્બર, 1946 સુધી સંપાદન કરેલું.

ઉમાશંકરે 1947ના જાન્યુઆરીથી ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું, જેને 1980થી 1984 સુધી ત્રૈમાસિક તરીકે ચલાવી તેમણે બંધ કર્યું. આ ‘સંસ્કૃતિ’ના તંત્રીકાર્યે સાહિત્યિક પત્રકારત્વનો એક તેજસ્વી નમૂનો સૌને આપ્યો, તદુપરાંત ‘ઉઘાડી બારી’ (લઘુનિબંધસંગ્રહ, 1959), ‘શિવસંકલ્પ’ (લઘુનિબંધસંગ્રહ, 1978) તથા ‘સમયરંગ’ (1978) અને ‘શેષ સમયરંગ’ (2004) (પ્રકીર્ણ લેખ-નોંધ સંગ્રહ) જેવા સત્વસભર ગ્રંથો સંપડાવ્યા. ઉમાશંકરે એમના આ વ્યવસાયમુક્ત ગાળા દરમિયાન ‘ઉત્તરરામચરિત’ (1950) અને ‘શાકુન્તલ’ (1955) જેવા રસિક પાંડિત્યયુક્ત અનુવાદગ્રંથો પણ ગુજરાતને અર્પ્યા. વળી આ ગાળા દરમિયાન ‘આતિથ્ય’ (કાવ્યસંગ્રહ, 1946) , ‘અંતરાય’ (વાર્તાસંગ્રહ, 1947), ‘ગોષ્ઠિ’ (સર્જનાત્મક નિબંધોનો સંગ્રહ, 1951), ‘શહીદ’ (એકાંકી-સંગ્રહ, 1951) અને ‘વસંતવર્ષા’ (કાવ્યસંગ્રહ, 1954)માં તેમની સર્જનલીલાનો વૈવિધ્યસભર પરિપાક પણ સાંપડે છે. તેમની વિવેચનપ્રવૃત્તિનો ખ્યાલ આપતો પ્રથમ વિવેચનસંગ્રહ ‘સમસંવેદન’ 1948માં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત આ ગાળામાં ‘વરસની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1951), ‘મેઘાણી ગ્રંથ’ (1 અને 2) (1952), ‘અખાના છપ્પા’ (1953)ને ‘મ્હારાં સૉનેટ’ (1953) જેવાં ઉપયોગી સંપાદનો પણ તેઓ આપે છે. તેમણે 1953થી જૂન 1954 દરમિયાન ‘સંદેશ’ દૈનિકમાં ‘સાહિત્ય-સાધના’ની કટાર પણ ચલાવી હતી.

1954ના 12મી માર્ચથી 1972ની 31મી ડિસેમ્બર સુધી ઉમાશંકર દિલ્હીની સાહિત્ય અકાદમીના તથા તેની કારોબારીના સભ્ય રહ્યા. તેઓ જૂન 1954માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપક તથા ભાષાભવનના અધ્યક્ષ તરીકે જોડાયા, જે કામગીરી 31 માર્ચ, 1970 સુધી ચાલુ રહી. વળી એક પ્રાધ્યાપક યુનિવર્સિટીના કુલપતિપદે બે વાર પસંદગી પામ્યા હોય તેવી ઘટના (1966-72) ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં ઘટી તે વિરલ છે. તેમણે 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઓગણીસમા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ તરીકે ‘કવિની સાધના’ વિશે વ્યાખ્યાન આપેલું, જે એ જ નામના 1961ના વિવેચનસંગ્રહમાં પ્રકાશિત થયું છે. તેમણે આ જ વરસે ‘ગંગોત્રી’ ટ્રસ્ટ પણ સ્થાપ્યું. 1956માં કેન્દ્રીય લલિત કલા અકાદમીના સભ્ય, 1957માં અખિલ ભારતીય લેખક પરિષદ(કૉલકાતા)ના વિભાગીય પ્રમુખ, 1961માં ઊડિયાભાષી લેખકોના વાર્ષિક ‘વિષુવમિલન’માં અતિથિ ને પ્રમુખ, 1961માં ‘નૅશનલ ઇન્ટિગ્રેશન કૉન્ફરન્સ’માં સભ્ય, 1962માં પી.ઈ.એન.ના 24મા અધિવેશનના વિભાગીય પ્રમુખ, 1965માં નૅશનલ બુક ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયાની સલાહકાર સમિતિના સભ્ય, 1966માં કેન્દ્રીય ભાષા-સલાહકાર સમિતિના સભ્ય, 1967માં મુંબઈના મરાઠી સાહિત્ય સંઘના માનાર્હ આજીવન સભ્ય, 1968માં અખિલ ભારતીય કવિપરિષદના મુખ્ય અતિથિ, 1968માં ફિલ્મ સેન્સરશિપ તપાસ સમિતિના સભ્ય, 1970થી 1976 સુધી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના નિયુક્ત સભ્ય, 1970માં રાષ્ટ્રીય અકાદમીઓ તથા ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સની રિવ્યૂ કમિટીના સભ્ય, 1972માં ઇન્ડિયન પી.ઈ.એન.ના સંમેલનના પ્રમુખ, 1973થી 1985 સુધી ઇન્ડિયન પી.ઈ.એન.ના પ્રમુખ, 1975થી 1977 સુધી જ્ઞાનપીઠની પ્રવર સમિતિના સભ્ય, 1977માં દૂરદર્શન – આકાશવાણી સ્વાયત્તતા કાર્યકારી જૂથ(વર્ગીઝ સમિતિ)ના સભ્ય, ફેબ્રુઆરી 1978થી ફેબ્રુઆરી 1983 સુધી કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ, 1978માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માસ કૉમ્યુનિકેશન(દિલ્હી)ના માનાર્હ અધ્યક્ષ, 1979થી 1982 સુધી વિશ્વભારતી – શાંતિનિકેતનના માનાર્હ આચાર્ય (ચાન્સેલર), 1983માં પ્રેસ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાના સભ્ય તેમજ મેનેઝીઝ બ્રેગાન્ઝા ઇન્સ્ટિટ્યૂટ(ગોવા)ના માનાર્હ સભ્ય, 1985માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના મહત્તર સદસ્ય (ફેલો)  એમ વિવિધ પ્રકારની હેસિયતથી ઉમાશંકરે માત્ર ગુજરાતના જ નહિ, ભારત સમસ્તના સાહિત્યિક–સાંસ્કૃતિક મંચ પર રહીને પ્રભાવક રીતે કામ કર્યું છે. ઉમાશંકરે 1967માં ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હી ખાતેના અધિવેશનમાં પ્રમુખ તરીકે ‘કવિની શ્રદ્ધા’ એ વિષય પર વ્યાખ્યાન આપેલું, જે તેમના ‘કવિની શ્રદ્ધા’ (1972) નામના વિવેચનસંગ્રહમાં પ્રકાશિત થયું છે. આ ‘કવિની શ્રદ્ધા’ ગ્રંથને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પણ મળ્યો હતો.

ઉમાશંકર અનેક વિશ્વવિદ્યાલયો તથા ગુજરાત અને અખિલ ભારતીય કક્ષાનાં અનેક સાહિત્યિક – સાંસ્કૃતિક મંડળો અને તેમની પ્રવૃત્તિઓ સાથે સક્રિયપણે સંલગ્ન રહ્યા છે. તેમણે લંડન અને તોકિયોની પી.ઈ.એન.ની પરિષદોમાં ભાગ લીધેલો. 1952માં જાવા, બાલી, શ્રીલંકા વગેરે એશિયાઈ દેશોનો; ત્યારબાદ અમેરિકા તથા ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, ગ્રીસ, ઇજિપ્ત વગેરે યુરોપીય દેશોનો; રશિયા વગેરેનો પ્રવાસ કર્યો હતો અને એ પ્રવાસોની ફળશ્રુતિ રૂપે જે કેટલુંક સાહિત્ય લખાયું તે ‘યુરોપયાત્રા’ (1985, નંદિની તથા સ્વાતિ સાથે) જેવા ગ્રંથોમાં પ્રકાશિત થયું છે. ‘ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર’ (1976) એ તેમનો પહેલો પ્રવાસગ્રંથ છે, જેમાં ઉમાશંકરની ઈશાન ભારત ને અંદામાનની સાંસ્કૃતિક યાત્રાનો રસપ્રદ આલેખ છે. ઉમાશંકર એમના પ્રવાસસાહિત્યમાં પણ વ્યક્તિ મટીને વિશ્વમાનવી થવા માગતા અતંદ્ર સાધક તરીકે ઊપસે છે.

ઉમાશંકરે અનેક વ્યાખ્યાનો, વ્યાખ્યાનમાળાઓ, દીક્ષાન્ત પ્રવચનો વગેરે આપ્યાં છે. તેમણે 1959માં મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘કવિતાવિવેક’ વિશે વ્યાખ્યાનો આપેલાં. આ ઉપરાંત 1963માં કલકત્તા યુનિવર્સિટીના ઉપક્રમે ટાગોર લેક્ચર્સ, 1964માં નાનાભાઈ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો, 1979માં કાણે લેક્ચર્સ, 1982માં મહારાજા સયાજીરાવ મેમોરિયલ લેક્ચર્સ – એ રીતે અનેક વ્યાખ્યાનો તેમણે દેશ-વિદેશમાં આપ્યાં છે.

ઉમાશંકરે તેમની વિશ્વતોમુખી સાંસ્કૃતિક, વિદ્યાકીય અને સાહિત્યિક પ્રવૃત્તિઓના જ એક ભાગ રૂપે સર્જન, વિવેચન, અનુવાદ, સંપાદનની પ્રવૃત્તિને આયુષ્યના અંત સુધી અવિરત ચાલુ રાખી હતી. તેમણે ‘પ્રાચીના’ની પરિપાટીમાં 1965માં ‘મહાપ્રસ્થાન’ના પદ્યનાટ્યલક્ષી પ્રયોગો આપી એ ક્ષેત્રના સર્વોત્તમ સર્જક તરીકેનો હિસાબ આપ્યો. એ ગ્રંથને 1983-85ના ગાળાના સર્વોત્તમ સર્જનગ્રંથનું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક અર્પણ થયું હતું. 1967માં ‘અભિજ્ઞા’, 1981માં ‘ધારાવસ્ત્ર’ અને ‘સપ્તપદી’ કાવ્યસંગ્રહો આપી સ્વાતંત્ર્યોત્તર કવિતાની નૂતન મુદ્રાનાયે તેઓ પ્રેરક અને સમર્થક બની રહ્યા. તેમના ‘અભિજ્ઞા’ કાવ્યસંગ્રહને ન્હાનાલાલ પારિતોષિક એનાયત થયું હતું. 1981માં ઉમાશંકરની પાંચ દાયકાની સર્વ કવિતાનો ‘સમગ્ર કવિતા’ નામે સંગ્રહ બહાર પડ્યો. તે પછી પણ તેમની કવનપ્રવૃત્તિ તો ચાલતી જ રહેલી.

1977માં ‘શહીદ’ એકાંકીસંગ્રહની કેટલીક કૃતિઓ રદ કરી, એમાંની કેટલીક લઈ, મઠારી, કેટલીક નવી ઉમેરી ‘હવેલી’ નામનો એકાંકી-સંગ્રહ ઉમાશંકર દ્વારા તૈયાર કરાયો. ‘સાપના ભારા’ દ્વારા એક ઉત્તમ એકાંકીકાર તરીકે બહાર આવેલા ઉમાશંકરનો એકાંકીક્ષેત્રે પણ જે વિકાસ ચાલતો રહ્યો એનો એ સંગ્રહ નિર્દેશક છે. તેમણે ‘અનાથ’ જેવું ત્રિઅંકી દીર્ઘ નાટક પણ આપ્યું છે, જે હજુ અગ્રંથસ્થ છે.

ઉમાશંકરે 1959માં ‘ત્રણ અર્ધું બે અને બીજી વાતો’ તેમજ ‘અંતરાય’ વાર્તાસંગ્રહો રદ કરી, ‘વિસામો’ નામે વાર્તાસંગ્રહ આપ્યો. એ પછી તેમણે પોતે જ પોતાની શ્રેષ્ઠ વાર્તાઓનો સંચય 1985માં ‘ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ’ એ નામે આપ્યો. ઉમાશંકરે મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં કાવ્યતત્વે રસેલી સંવેદનપ્રધાન મનોવૈજ્ઞાનિક અભિગમવાળી વાર્તાઓ દ્વારા ગુજરાતી વાર્તાસાહિત્યમાં સમર્થ વાર્તાકાર તરીકે સ્થાન મેળવ્યું છે.

ઉમાશંકર આપણા ઉત્તમ નિબંધકારો ને પ્રવાસલેખકોમાંયે માનભર્યું સ્થાન ધરાવે છે. લઘુનિબંધના ક્ષેત્રે તો તેઓ અનન્ય છે. ‘ગોષ્ઠિ’, ‘ઉઘાડી બારી’ પછી ‘શિવસંકલ્પ’ના નિબંધો બાદ તેમણે ‘હૃદયમાં પડેલી છબીઓ’ (ભાગ 1 અને 2, 1977) તથા ‘ઇસામુ શિદા અને અન્ય’(1986)માં અનેક હૃદયંગમ વ્યક્તિચિત્રોની, ભાવાંજલિઓ–શ્રદ્ધાંજલિ–લેખોની નવાજેશ કરી છે. ઉમાશંકરે કવિ બાળાશંકર જીવન-કવનના સ્વાધ્યાયના અનુષંગે ‘મસ્ત બાલ: કવિજીવન’ એ નામે એક સ્વતંત્ર ગ્રંથ પણ તૈયાર કરેલો જે 1997માં સ્વાતિ જોશી દ્વારા સંપાદિત થઈને પ્રસિદ્ધ થયો છે. વળી એમનાં આત્મચરિત્રાત્મક લખાણોનો એક અલગ સંચય ડૉ. સ્વાતિ જોશી દ્વારા સંપાદિત થઈને ‘થોડુંક અંગત’ એ નામે 1999માં અને આ પૂર્વે 1995માં ડૉ. નંદિની જોશી દ્વારા ‘જીવનનો કલાધર’ નામે ગાંધીજી-વિષયક લખાણોનો અલગ સંચય સંપાદિત થઈને પ્રસિદ્ધ થયેલ છે. એમના આયુષ્યકાળ દરમિયાન વિદ્યા-કેળવણી, સાહિત્ય ને સંસ્કારસેવા નિમિત્તે ભારતમાં તેમજ વિદેશોમાં અનેક પ્રવાસો કરેલા, તે અંગેનું તેમનું કેટલુંક અગ્રંથસ્થ રહી જવા પામેલું સાહિત્ય તેમની સુપુત્રી સ્વાતિ જોશીએ સંપાદિત કરી ‘ચીનમાં ચોપન દિવસ’ (1994) તથા ‘યાત્રી’ (1994) નામના બે ગ્રંથોમાં પ્રકાશિત કરાવ્યું છે.

ઉમાશંકરના આત્મવિશ્વાસ તેમ જ જીવનવિકાસને સમજવામાં જેમ એમની ડાયરી તેમ એમના પત્રો પણ ખૂબ ઉપયોગી થાય એમ છે. સ્વાતિ જોશી દ્વારા સંપાદિત ઉમાશંકરના પત્રોના બે ખંડ ‘પત્રો–1 (1920–1950)’ તથા ‘પત્રો–2 1951–1970)’ પ્રકાશિત થઈ ચૂક્યા છે અને ‘પત્રો3 (1971–1988)’ પ્રકાશિત થવામાં છે.

ઉમાશંકરે શેક્સ્પિયરની પાંચમી જન્મશતાબ્દીના વર્ષમાં જેમ ‘શેક્સ્પિયર’(1964)ની પુસ્તિકા તેમ ગાંધીજીની જન્મશતાબ્દીના વર્ષમાં ‘ગાંધીકથા’ આપેલી, જેમાં ગાંધીજીના જીવનમાંથી પસંદ કરેલા 125 પ્રસંગોની રજૂઆત છે. આ ‘ગાંધીકથા’ને આધારે જ બાળકો માટે ‘સૌના સાથી, સૌના દોસ્ત’ (1973) પુસ્તિકા તેમણે તૈયાર કરી આપી છે. ગાંધીયુગીન આ કવિની ગાંધીસત્વમાંની શ્રદ્ધાનો સાચો રણકો, એમનાં ગાંધીજીવિષયક ગદ્યપદ્ય લખાણોમાં વારંવાર સાંભળવા મળે છે. ‘વિશ્વશાંતિ’ના ચાહક-સાધક આ કવિ મનુષ્યપ્રેમ  પ્રકૃતિપ્રેમ  ધરાપ્રેમ ને વિશ્વપ્રેમ દ્વારા આત્મશાંતિથી વિશ્વશાંતિ સુધીનો શબ્દસેતુ રચવામાં કવિધર્મની – કવિકર્મની સાર્થકતા પ્રતીત કરે છે.

વિવેચક તરીકે ઉમાશંકર આનંદશંકર અને રામનારાયણ વિ. પાઠકની જે ઉજ્જ્વળ વિવેચનપરંપરા છે તેની સાથે અનુસંધાન ધરાવે છે; કેટલીક રીતે તેમણે એ પરંપરાને નિજી ભાવયિત્રી પ્રતિભાથી વિકસાવી પણ છે. ઉમાશંકરની વિવેચના આસ્વાદમૂલક અવબોધકથાના રુચિકર આલેખરૂપ છે. 1934માં ‘કવિતા અને તત્વજ્ઞાન’ લેખથી આરંભાયેલી એમની વિવેચનપ્રવૃત્તિનો હિસાબ પણ સારો છે. ‘અખો – એક અધ્યયન’ તથા ‘સમસંવેદન’ ઉપરાંત ‘અભિરુચિ’ (1959), ‘શૈલી અને સ્વરૂપ’ (1960), ‘નિરીક્ષા’ (1960), ‘કવિની સાધના’ (1961), ‘શ્રી અને સૌરભ’ (1963), ‘પ્રતિશબ્દ’ (1967), ‘કવિની શ્રદ્ધા’ (1972), ‘શબ્દની શક્તિ’ (1982), ‘નિશ્ચેના મહેલમાં’ (1986), ‘સર્જકપ્રતિભા’ (ભાગ 1 અને 2, 1994), ‘કવિતા વિવેક’ (1997) અને ‘કાવ્યાનુશીલન’ (1997) – એ ગ્રંથોમાં ઉમાશંકરની સમૃદ્ધ વિવેચનાનો મનોહર ને મનભર પરિચય થાય છે. પૂર્વની અને પાશ્ચાત્ય વિવેચનાનો વિવેકપુર:સરનો સમન્વય અને રસલક્ષી અભિગમ એમના વિવેચનનાં આકર્ષણો છે. તેમણે ‘શેક્સ્પિયર’ (1964), ઉપરાંત ‘કાલિદાસ’ (1987) અને ‘પ્રેમાનંદ’ (1988) ઉપર તેમજ ‘કવિતા વાંચવાની કળા’ (1971) વિશે પરિચય-પુસ્તિકાઓ પણ આપી છે. તેમનું ‘ઈશાવાસ્ય ઉપનિષદ’નું ભાષ્ય (1988) પણ ‘શ્રી અને સૌરભ’માંની તેમની સંસ્કૃત સાહિત્યની વિવેચનાની જેમ જ અત્યંત મહત્વનું છે. તેમની ઉત્કૃષ્ટ સંશોધક તરીકેની વિદ્વત્-પ્રતિભાનો ખ્યાલ તો ‘અખો’ – ‘ક્લાન્ત કવિ’ જેવા કવિઓના તેમ અન્ય એવા (‘પુરાણોમાં ગુજરાત’ના જેવા) લેખો-ગ્રંથોથી આવે જ છે. ઉમાશંકરે હિન્દી, અંગ્રેજી જેવી ભાષાઓમાં પણ કેટલીક વિવેચના આપી છે. ખાસ કરીને અંગ્રેજીમાં રજૂ કરેલી એમની વિવેચનાના ત્રણ ગ્રંથો 1988માં મળે છે : ‘એન આઇડિયા ઑવ્ ઇન્ડિયન લિટરેચર’, ‘ઇન્ડિયન લિટરેચર : પર્સનલ એન્કાઉન્ટર્સ’ અને ‘કાલિદાસઝ પોએટિક વૉઇસ’. કાવ્યપદાર્થના મર્મજ્ઞ અને કવિના સહૃદય તરીકે આ ગ્રંથોમાં તેઓ પ્રગટ થાય છે.

તેમનું કેળવણીકાર તરીકેનું તેજસ્વી દર્શન ‘કેળવણીનો કીમિયો’- (1977)માં છે. ‘સમયરંગ’(1978) અને ‘શેષ સમયરંગ’ (2004)માં પણ વર્તમાન જીવન અને જગત સાથેની એક સર્જક – મનીષી તરીકેની તેમની સંવેદનમૂલક નિસબત- (‘કન્સર્ન’)નો નકશો મળી રહે છે. સ્વાતિ જોશીએ ઉમાશંકરના ધર્મ, રાજકારણ, સંસ્કૃતિ વિશેના લેખો ‘જગત-રંગ’ (2011) ગ્રંથમાં સંપાદિત કરીને આપ્યા છે. ઉમાશંકર સમગ્ર જીવનના કલાકાર જ નહીં, ચિંતક-વિચારક તરીકે કેવા સત્વશીલ હતા તે આ લેખોમાંથી પામી શકાય છે.

ઉમાશંકરે અનુવાદ–સંપાદનનાં ક્ષેત્રોમાં પણ એમની કામગીરી સતત ચાલુ રાખેલી. તેમની ઉત્કૃષ્ટ અનુવાદશક્તિનો લાભ જેમ ‘ઉત્તરરામચરિત’ ને ‘શાકુંતલ’ના અનુવાદોમાં તેમ ‘એકોત્તરશતી’, ‘ગીતપંચશતી’ વગેરે ગ્રંથોમાંનાં તેમજ ઑડેનનાં કેટલાંક કાવ્યોના અનુવાદમાં પ્રતીત થાય છે. તેમણે રામાયણના બાલકાંડનો કરેલો અનુવાદ-ખંડ (અગ્રંથસ્થ) પણ પ્રશસ્ય છે. પ્રા. કવિ શ્રી નિરંજન ભગતે સંપાદિત કરેલા ‘કાવ્યાનુવાદ’ (2004) ગ્રંથમાંથી ઉમાશંકરની ભારતીય તેમ જ વિશ્વકવિતા પ્રતિ પણ કેવી સંપ્રજ્ઞતા, રસિકતા ને અનુસર્જકતા કાર્યાન્વિત હતી તેનો નકશો સાંપડે છે. તેમની વિવેકપૂર્ણ સંપાદનશક્તિનો લાભ જેમ અખો, પ્રેમાનંદ જેવા મધ્યકાલીન તેમ બાળાશંકર, આનંદશંકર, કલાપી, બલવંતરાય ક. ઠાકોર, નર્મદાશંકર મહેતા, કાકાસાહેબ, ઝવેરચંદ મેઘાણી, અંબુભાઈ પુરાણી, હરિશ્ચંદ્ર ભટ્ટ, ચૂનીલાલ મડિયા અને સૈયદ સાબિર અલી બુખારી જેવા અર્વાચીન સાહિત્યકારોને પણ મળ્યો છે. તેમનાં ‘સાહિત્યપલ્લવ’ (અન્ય સાથે) જેવાં શૈક્ષણિક તેમ ‘કાવ્યાયન’ (1972), ‘પ્રતિભા અને પ્રતિભાવ’ (1981), ‘સર્જકની આંતરકથા’ (1984) જેવાં સંપાદનો યાદગાર રહેશે. તેમણે ‘શરતચંદ્ર જન્મશતાબ્દી ગ્રંથ’(1977)નું સંપાદન પણ કર્યું છે. ઉમાશંકરે લોકસાહિત્યમાળાના પહેલા બે મણકાઓમાં તેમ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ચાર ખંડોના સંપાદનમાં પણ સહયોગ આપ્યો હતો. વળી ‘નિશીથ’ પુરસ્કાર ગ્રંથમાળા(આરંભ : 1972)નાં સંપાદનોમાંયે તેમની સક્રિયતા ઉલ્લેખનીય રહેલી.

ઉમાશંકરની સારસ્વત પ્રતિભાનો જેમ ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કારોથી તેમ ભારતીય કક્ષાએ પણ કેટલાક ઉત્તમ પુરસ્કારોથી સમાદર થતો રહ્યો હતો. સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર ઉપરાંત ઉમાશંકરને 1976માં ‘રવીન્દ્રતત્ત્વાચાર્ય’ની તથા 1982માં ‘દેશિકોત્તમ’ની પદવીથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1967માં મરાઠી સાહિત્ય સંઘનો સુવર્ણપદક, 1979માં સોવિયેત લૅન્ડ નેહરુ ઍવૉર્ડ, 1981માં વિશ્વગુર્જરી ઍવૉર્ડ તથા 1985માં મહાકવિ કુમારન્ આશાન પારિતોષિક એનાયત કરવામાં આવેલાં. 1989માં મરણોત્તર તેમને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પણ અર્પવામાં આવેલો. તેમને 7 વિશ્વવિદ્યાલયોએ ડી.લિટ.ની પદવી પણ આપી હતી.

ઉમાશંકરે અનેક પરિસંવાદો, સંગોષ્ઠિઓ વગેરેમાં ઉદઘાટક, અધ્યક્ષ યા મુખ્ય વક્તા કે ચર્ચકની રીતેય ભાગ લીધો હતો, જેના ફલ રૂપે કેટલાક સુંદર વક્તવ્યલેખો એમની પાસેથી સાંપડ્યા છે, જેમાંના કેટલાક હજુયે ગ્રંથસ્થ થવાના બાકી છે.

ઉમાશંકર માત્ર ગુજરાતના જ નહિ, ભારત સમગ્રનાં તેજસ્વી કવિ- રત્નોમાંના એક છે. તેઓ ગાંધીયુગના જ નહિ, અનુગાંધીયુગના પણ – કહો કે સર્વ કાળના – એક અગ્રેસર કવિ તરીકે પ્રતિષ્ઠિત છે. એક પ્રાજ્ઞ કવિ – ‘શીલભદ્ર સારસ્વત’ તરીકે, વિવેકબૃહસ્પતિ એવા ગુજરાતના, એની ગુજરાતીતા અને ‘ગાંધીગિરા’ના સંનિષ્ઠ સંસ્કારસેવક તરીકે તેમની કાર્યસાધના ગુજરાતના સાહિત્ય તેમજ સંસ્કારના ઇતિહાસમાં એક મહત્વનું અલગ પ્રકરણ બની શકે એવી છે. ગુજરાતી કવિતાના વિકાસક્રમ સાથે; ગુજરાતી એકાંકી, નિબંધ અને વાર્તાકળાના ગતિવળાંકો સાથે; ગુજરાતી સર્જનાત્મક ને વિવેચનાત્મક ગદ્યના ઉઘાડ ને ઉત્કર્ષ સાથે તેમનું નામ હંમેશાં આદરપૂર્વક લેવાશે. કેટલાંક ઉત્તમ સૉનેટો, ગીતો, મુક્તકો, છંદોબદ્ધ કાવ્યોમાં; પ્રાદેશિક બોલીના સર્જનાત્મક વિનિયોગમાં, નાટ્યપદ્યના અસરકારક પ્રયોગોમાં, સાહિત્યિક પત્રકારત્વના મૂલ્યનિષ્ઠ ખેડાણમાં તેમનું નામકામ અનન્ય છે. વિશ્વતોમુગુજરાતી સાહિત્યખી સંવાદિતાના સાધક સારસ્વત તરીકે, માનવીય ને વૈશ્વિક સ્નેહ-શાંતિના સ્વપ્નદ્રષ્ટા ને સાહિત્યિક સત્ત્વનિષ્ઠ પ્રયોગ-પરંપરાના પુરસ્કર્તા ને પ્રવર્તક સર્જક તરીકે ઉમાશંકરનું નામ ગુજરાતી ભાષામાં જ નહિ, સમસ્ત માનવીય ભાષામાં શર્કરાની જેમ ભળીને ઓગળી ગયાનો અનુભવ થાય છે. તેમણે શબ્દની આંગળીએ સમાજકારણ, રાજકારણ, કેળવણી, પત્રકારત્વ, સૌંદર્યકલા વગેરે અનેક ક્ષેત્રોની યાત્રા કરી વિરાટ માનવપ્રેમની – જીવનપ્રેમ અને વિશ્વપ્રેમની સૌને સ્વસ્થતા ને સમતાપૂર્વક સાક્ષાત્કૃતિ કરાવવામાં શબ્દની જે સર્જનાત્મક મંગલતા સિદ્ધ કરી આપી છે તે એમનું ચિરસ્થાયી પ્રદાન છે. સ્નેહ, શ્રદ્ધા, શક્તિ, સાધના, ધર્મ-કર્મ જેવાં તત્વો સાથે સૂઝસમજપૂર્વક શબ્દની સર્જનાત્મક અન્વિતિ સાધીને કૃતિમાંથી સંસ્કૃતિ તરફની દિશા-ગતિનું જે વિશુદ્ધ અને વિનીત દર્શન તેમણે વાક્સ્તરે આસ્વાદ્ય રીતે પ્રગટ કર્યું તે આ માનવતાના મંત્રદ્રષ્ટા સર્જકની ઉત્કૃષ્ટ સારસ્વતસેવા છે. આ ઉમાશંકરવિષયક વિસ્તૃત વાઙ્મય-સૂચિ ‘ઉમાશંકરનો વાગ્વૈભવ’ના ત્રીજા ભાગમાં (2008) તેમ જ ‘યુગદ્રષ્ટા ઉમાશંકર’ (1995) જેવા ગ્રંથોમાં આપવામાં આવી છે.

ચન્દ્રકાન્ત શેઠ