જોશી, અનંત મનોહર (જ. 8 માર્ચ 1881, કિનહાઈ અ. 12 સપ્ટેમ્બર 1967) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના ગ્વાલિયર ઘરાનાના ગાયક. સંગીતનું શરૂઆતનું શિક્ષણ પિતા પાસેથી લીધું; પરંતુ નાની ઉંમરે પિતાનું અવસાન થતાં મિરજના વિખ્યાત સંગીતકાર બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકર પાસે 6 વર્ષ સુધી ઘનિષ્ઠ તાલીમ લીધી. સાંગલીના ગણપતિ-દેવસ્થાનમાં રાજગાયક તરીકે તેમણે સેવા આપી, ઔંધ રિયાસતના રાજગાયકનું પદ પણ મેળવ્યું. તેઓ ખયાલ ગાયકી માટે વિશેષ જાણીતા બન્યા.

સંગીતને લગતી લઘુ પુસ્તિકા ઉપરાંત શાસ્ત્રીય સંગીત અંગે તેમણે પુસ્તકો પણ લખ્યાં. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના શિક્ષણ માટે તેમણે શ્રેણીબદ્ધ અભ્યાસક્રમો તૈયાર કર્યા તથા ઉપયુક્ત સ્વરલિપિ પણ તૈયાર કરી. સાંગલી ખાતે તેમણે સંગીત વિદ્યાલયની સ્થાપના કરી. મુંબઈ ખાતે ગુરુ સમર્થ જ્ઞાનવિદ્યાલયની સ્થાપના કરી.

સંગીત નાટક અકાદમીએ તેમને 1955ના વર્ષના શ્રેષ્ઠ ગાયક તરીકે સન્માન્યા. એ જ વર્ષમાં રાષ્ટ્રપતિ દ્વારા સન્માન. તેમના વિશાળ શિષ્યવૃંદમાં પંડિત રાતંજનકરનો પણ સમાવેશ થાય છે. વાયોલિનવાદક તથા ગાયક ગજાનનરાવ જોશી તેમના સુપુત્ર છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેમણે ઔંધ નગરના સીમાડે નાનકડું મંદિર બંધાવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે