જૉનસન, બેન (જ. 30 ડિસેમ્બર 1961, ફાલમાઉથ, જમૈકા) : પ્રતિબંધિત માદક દ્રવ્યના સેવનને કારણે વિશ્વવ્યાપી વિવાદ જગાવનાર દોડવીર. 1976માં કૅનેડાનું નાગરિકત્વ મેળવીને કૅનેડા તરફથી રોમની વર્લ્ડ ચૅમ્પિયન સ્પર્ધામાં 100 મી. દોડમાં 9.83 સેકન્ડનો વિક્રમ સ્થાપ્યો. 1988ની સૉલ ઑલિમ્પિકમાં પોતાના પ્રબળ પ્રતિસ્પર્ધી અમેરિકાના કાર્લ લુઇને હરાવીને 9.79 સેકન્ડમાં 100 મી.ની દોડમાં વિશ્વવિક્રમ સ્થાપ્યો; પરંતુ, 45 કલાક બાદ, પ્રતિબંધિત ઔષધ લીધું હોવાનું સાબિત થતાં સુવર્ણચંદ્રક પાછો લેવામાં આવ્યો અને 2 વર્ષ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા સામે પ્રતિબંધ મુકાયો.

બેન જૉનસન દોડવીર

ખેલાડીનો દોડવેગ વધારનારું પ્રતિબંધિત ઔષધ તે લેતો હોવાને કારણે ઇન્ટરનેશનલ ઍમેટર ઍથ્લેટિક ફેડરેશને તેના 100 મી. દોડના અને 50 અને 60 મી. આંતરિક દોડના વિશ્વવિક્રમો રદ કર્યા.

જગદીશ શાહ