જૈવ વર્ણપટ (biological spectrum) : કોઈ પણ પ્રકારના પર્યાવરણમાં અથવા નિયત નિવસનતંત્રની પરિસીમામાં વિકાસ પામતા વનસ્પતિ અને પ્રાણીના સમુદાય. ઉદાહરણ તરીકે, જંગલમાં આવેલાં વૃક્ષો, ક્ષુપ, છોડ, વેલી-મહાકાય લતા, પરરોહી છોડ તથા આ વનસ્પતિઓ પર નભતાં પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, જીવ-જંતુઓ, ફૂગ તથા જીવાણુઓ વગેરે એકકોષી સજીવોથી માંડી બહુકોષી મહાકાય સજીવો જૈવ સમુદાય (bio-community) બનાવે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓને જૈવ સમુદાયમાંથી છૂટાં પાડી શકાતાં નથી કારણ કે તે સમાન પર્યાવરણ હેઠળ જન્મે છે, વિકસે છે અને નાશ પામે છે. આમ, સજીવો નિવસનતંત્ર(ecosystem)ના જૈવ ઘટકો (biotic components) બને છે.

કોઈ પણ જૈવ સમુદાયમાં જૈવ ઘટકોનું પ્રમાણ જો તેની સંખ્યા કે ટકાને અધીન હોય અને પર્યાવરણને અનુરૂપ હોય તો આવાં જૈવ સ્વરૂપોનું પ્રમાણ (ratio of life-forms) જૈવ વર્ણપટ તરીકે ઓળખાય છે. વનસ્પતિના પર્યાવરણ અનુરૂપ વર્ણપટને વનસ્પતિ-જલવાયુ-વર્ણપટ (phytoclimatic spectrum) અને પ્રાણીના આ પ્રકારના વર્ણપટને પ્રાણી-વર્ણપટ (zoo spectrum) તરીકે ઓળખાવાય છે. આ બંને વર્ણપટ ભેગા થવાથી જૈવ વર્ણપટ બને છે. તેના વડે કોઈ પણ સ્થળનું પર્યાવરણ જાણી શકાય છે. પર્યાવરણમાં થતા ફેરફાર અનુસાર જૈવ વર્ણપટમાં પણ ફેરફાર થાય છે.

રૉન્કિયરનાં જૈવ સ્વરૂપો (Raunkiaer’s lifeforms) : ક્રીસ્ટેન રૉન્કિયરે 1934માં જૈવ વર્ણપટ વિશે ઊંડું સંશોધન કરી વનસ્પતિનાં પર્યાવરણ પર આધારિત જૈવ સ્વરૂપો પ્રસ્થાપિત કર્યાં. તેના સંશોધન પ્રમાણે પ્રત્યેક વનસ્પતિનાં વિકાસ-વૃદ્ધિ અનુકૂળ પર્યાવરણને આભારી છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં વનસ્પતિઓની કલિકાઓ અને ભૂમિગત અંગો સુષુપ્ત અવસ્થા (perennation period) ગુજારે છે. આ અવસ્થા વનસ્પતિને સજીવન રહેવા માટે ઉપયોગી નીવડે છે. આવી અવસ્થા થકી વનસ્પતિ પ્રતિકૂળ પરિબળોની સામે જીવંત રહી શકે છે અને પરિબળો અનૂકૂળ થતાં યોગ્ય વૃદ્ધિ પામે છે. રૉન્કિયરના જૈવ વર્ણપટ નીચે પ્રમાણે છે :

(1) વ્યક્તોદભિદ્ (phanerophytes) : આ પ્રકારની વનસ્પતિની વર્ધીકલિકા યોગ્ય રીતે રક્ષાયેલી હોય છે. વૃક્ષ, ક્ષુપ અને મહાકાય આરોહી લતા આ સમૂહમાં આવે છે; જેની ઘનતા વિષુવવૃત્તીય પ્રદેશોમાં – સવિશેષ સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધમાં – ઘટતી જાય છે અને શીત કટિબંધમાં નહિવત્ હોય છે. પૃથ્વીના વાતાવરણને તે નિયંત્રિત કરે છે. તેના ચાર ઉપપ્રકારો છે :

() મહાવ્યક્તોદભિદ (megaphanerophytes) : તેમાં 30 મી.થી વધુ ઊંચાઈ ધરાવતાં મહાકાય વૃક્ષોનો સમાવેશ થાય છે.

() મધ્યવ્યક્તોદભિદ (mesophanerophytes) : આમાં 8થી 30 મી.ની ઊંચાઈવાળાં વૃક્ષોનો સમાવેશ થાય છે.

() લઘુવ્યક્તોદભિદ (microphanerophytes) : 2થી 8 મી.ની ઊંચાઈવાળાં વૃક્ષોનો આ પ્રકાર છે.

() વામનવ્યક્તોદભિદ (nanophanerophytes) : 2મી.થી ઓછી ઊંચાઈવાળાં વૃક્ષોનો આ પ્રકાર છે.

(2) ભૂતલોદભિદ (chamaephytes) : આવી વનસ્પતિની કલિકાઓ જમીનથી 25 સેમી. ઊંચાઈએ પ્રસ્થાપિત થયેલી હોય છે. આવી વનસ્પતિઓ પર્વતો ઉપર અતિ ઊંચાઈએ તથા વધારે અક્ષાંશ ઉપર જોવા મળે છે.

(3) અર્ધગૂઢોદભિદ (hemicryptophytes) : આવી વનસ્પતિઓની કલિકાઓ જમીનની અંદર રક્ષાયેલી હોય છે. પ્રતિકૂળ સંજોગોમાં તે સુષુપ્ત રહે છે. હૂંફાળા પર્યાવરણમાં વૃદ્ધિ પામે છે. એક કે દ્વિવર્ષાયુ-બહુવર્ષાયુ છોડ પ્રકારની અનેક વનસ્પતિઓનો આમાં સમાવેશ થાય છે.

(4) ગૂઢોદભિદ (cryptophytes) : તેને ભૂગર્ભોદભિદ (geophytes) પણ કહેવામાં આવે છે. તેમાં કલિકાઓ લાંબા સમય સુધી, ઠંડી તથા ગરમીમાં સુષુપ્ત રહે છે. જમીનમાં આવી કલિકાઓ ખોરાકનો સંગ્રહ કરે છે. તે કંદ, ગ્રંથિલ વ્રજકંદ રૂપે જોવા મળે છે.

(5) ઋતુદભિદ (therophytes) : એકવર્ષાયુ વનસ્પતિઓમાં જોવા મળે છે, જે ટૂંકા સમયમાં પુષ્પો, ફળ અને બીજ ઉત્પન્ન કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં તે ફક્ત બીજ દ્વારા જીવંત રહી શકે છે.

કોઈ પણ નિવસનતંત્રનો જૈવ વર્ણપટનો અભ્યાસ રૉન્કિયર પદ્ધતિ દ્વારા કરી શકાય. આ અભ્યાસથી જે તે સ્થળની આબોહવાલક્ષી પરિસ્થિતિનો તાગ કાઢી શકાય. જોકે કોઈ પણ પ્રદેશની નૈસર્ગિક સમતુલા માનવપ્રવૃત્તિ (ખેતી કરવી, જંગલો કાપવાં) અગ્નિ, પ્રદૂષણ, ઢોર ચરાવવાંથી ખોરવાઈ જાય છે.

રૉન્કિયર સૂચિત સપુષ્પી વનસ્પતિઓનો પૃથ્વી પરનો જૈવિક વર્ણપટ નીચે પ્રમાણે છે :

જૈવ સ્વરૂપો (જૈવિક વર્ણપટ)

ટકાવારી

(1) વ્યક્તોદભિદ

46

(2) ભૂતલોદભિદ

9

(3) અર્ધગૂઢોદભિદ

26

(4) ગૂઢોદભિદ

6

(5) ઋતુદભિદ

13

પ્રાણીઓનાં જૈવ સ્વરૂપો : જૈવ વર્ણપટને પૂર્ણ કરવા પ્રાણીનાં જીવ સ્વરૂપોનું વર્ગીકરણ કરવા માટે રેમાનીએ 1952માં તથા રશિયન પ્રાણીવિદ ક્રિવૉલ્યુટ્સ્કીએ 1972માં અથાગ પ્રયત્ન કર્યા પછી નીચેનાં જૈવ સ્વરૂપો પ્રસ્થાપિત કર્યાં છે :

        (1)     સ્તરયુક્ત સ્વરૂપી (encrusting forms)

        (2)     પરવાળાં-સ્વરૂપી (coral forms) દરિયાઈ પરવાળા – વિવિધ પ્રકારની વાદળીઓ

        (3)     કિરણ-સ્વરૂપી (radiate forms) : સમુદ્રફૂલ, જેલી ફિશ

        (4)     કોષ્ઠાંત્રયુક્ત (coelenterate forms) : હાઇડ્રા વગેરે

        (5)     ગોકળગાય સ્વરૂપી (snail forms) : સ્નેઇલ

        (6)     કૃમિ-સ્વરૂપી (worm forms) : રેતીકીડો, અળસિયું, કરમ, જળો વગેરે

        (7)     કીટકો (insect forms) : પતંગિયાં, મચ્છર, માખી વગેરે.

        (8)     મત્સ્ય-સ્વરૂપી (fish forms) : તમામ પ્રકારની માછલીઓ

        (9)     સર્પ-સ્વરૂપી (snake forms) : સાપ, અજગર, ઘો વગેરે

        (10)    પક્ષી-સ્વરૂપી (bird forms) : તમામ પ્રકારનાં પક્ષીઓ

        (11)    ચતુષ્પદી (four-footed forms) : ચોપગાં-સસ્તનો. તેના કેટલાક ઉપપ્રકારો છે :

(ક) જલીય તરતા પ્રકારો (aquatic swimming forms) : સીલ, વહેલ જેવી મહાકાય માછલીઓ

(ખ) દર-નિવાસી પ્રકાર (fossorial or burrowing forms) : મોલે, શ્યૂ (shrew)

(ગ) શીઘ્રગતિક પ્રકાર (cursorial or running forms) : હરણાં, ઝિબ્રા વગેરે પ્રાણીઓ

(ઘ) કૂદનાર પ્રકાર (saltatorial or leaping forms) : સસલાં, કાંગારું વગેરે કૂદતાં પ્રાણીઓ

(ચ) આરોહક પ્રકાર (scan sorial) : આરોહણ કરતાં પ્રાણીઓ જેવાં કે ખિસકોલી, વાંદરાં વગેરે.

(છ) ઉયક(હવાઈ)-પ્રકાર (aerial-flying forms) :  આકાશમાં ઊડતાં સસ્તનો; ઉદા. ચામાચીડિયું.

ઘણા પ્રાણીશાસ્ત્રીઓએ વિષુવવૃત્તીય પ્રદેશોનો પ્રાણી-વર્ણપટ તૈયાર કર્યો છે. તે પ્રમાણે રોડન્ટ્સ, અંગુષ્ઠધારી (primates), પક્ષીઓ, સરીસૃપો, મત્સ્યો, કીટકો (insects) 2000 મી.ની ઊંચાઈ સુધી પ્રાપ્ત થાય છે. 3000 મી.ની ઊંચાઈ પછી વર્ણપટ આછો બને છે.

વનસ્પતિમાં અક્ષાંશ અનુલક્ષી વર્ણપટ ઊંચાઈને અનુરૂપ હોય છે. પૃથ્વીના જુદા જુદા અક્ષાંશોનો કટિબંધનો વર્ણપટ ઊંચાઈ સાથે સામ્ય ધરાવે છે જે નીચે દર્શાવેલ સારણીમાં રેનોલ્ડ ગુડ (1953) દ્વારા દર્શાવેલ છે.

તેમાંથી અક્ષાંશ, ઊંચાઈ તથા વનસ્પતિ સમાજના વિતરણનો ખ્યાલ આવી શકે છે :

અક્ષાંશ ઊંચાઈ (મીટરમાં) વનસ્પતિવસાહત

0–20°

0થી 1000 વિષુવવૃત્તીય પ્રકારની

વનસ્પતિઓ

1000થી 2000 ઉપવિષુવવૃત્તીય પ્રકારની

વનસ્પતિઓ

2000થી 4000 સમશીતોષ્ણ કટિબંધની

વનસ્પતિઓ

4000થી 6000 શીત-કટિબંધ, ઠંડા

પ્રદેશની વનસ્પતિઓ

 

 

20°–40°

0થી 1000 ઉપવિષુવવૃત્તીય પ્રકારની

વનસ્પતિઓ

1000થી 2000 સમશીતોષ્ણીય પ્રકારની

વનસ્પતિઓ

> 2000થી વધુ ઠંડા પ્રદેશની

વનસ્પતિઓ

40°–60° 0થી 1000 વિષમશીતોષ્ણ કટિબંધની

વનસ્પતિઓ

>1000થી વધુ ઠંડા પ્રદેશની

વનસ્પતિઓ

60°–80° તમામ અક્ષાંશમાં આલ્પાઇન, ઉત્તરધ્રુવીય

વનસ્પતિઓ અને

દક્ષિણધ્રુવીય વનસ્પતિઓ

જૈમિન વિ. જોશી