જેરાર્ડ્સ ’ટ હૂફ્ટ (Gerard ’t Hooft)

January, 2012

જેરાર્ડ્સ ’ટ હૂફ્ટ (Gerard ’t Hooft) (જ. 5 જુલાઈ 1946, ડેન હેલ્ડર, નેધરલૅન્ડ્સ) : ભૌતિકશાસ્ત્રમાં વિદ્યુત-મંદ પારસ્પરિક ક્રિયાના ક્વૉન્ટમ બંધારણની સ્પષ્ટતા કરવા માટે 1999નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર જેરાર્ડ ટ હૂફ્ટ અને જે. જી. વેલ્ટમૅનને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.

 હૂફ્ટ જેરાર્ડ્સ ’ટ

જેરાર્ડનું કુટુંબ વિદ્વાનોનું હતું. તેમના દાદાના ભાઈ, ફ્રિટ્ઝ ઝર્નિક નોબેલ પુરસ્કાર વિજેતા હતા તથા તેમના નાના પ્રાણીશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. તેમના પિતા ઇજનેર તથા કાકા સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. કૌટુંબિક વાતાવરણને લીધે જેરાર્ડે બાળપણમાં જ વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવી. શાળાકીય અભ્યાસ દરમિયાન તેમણે વિજ્ઞાન અને ગણિતમાં અત્યંત સારું પરિણામ મેળવ્યું તથા તેઓએ ગણિતની ઑલિમ્પિયાડમાં રજત ચંદ્રક મેળવ્યો. શાળાકીય અભ્યાસ પૂરો કર્યા બાદ જેરાર્ડે યુટ્રેક્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી ભૌતિકશાસ્ત્ર વિષય પસંદ કર્યો. તેમની ઇચ્છા ભૌતિકશાસ્ત્રના હાર્દ સમાન કણ ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવાની હતી. 1969માં જેરાર્ડે પીએચ.ડી.ની પદવી માટે માર્ટિનસ વેલ્ટમૅનના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય ચાલુ કર્યું. તત્ક્ષણ સમરૂપતા – ખંડનને કારણે યાન્ગ-મિલ્સ ક્ષેત્રના પુનઃ પ્રસામાન્યીકરણ પરના તેમના મહત્વના સંશોધન માટે તેમને અને વેલ્ટમૅનને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો.

પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ જેરાર્ડ ’ટ હૂફ્ટ જીનીવામાં CERN પ્રયોગશાળામાં જોડાયા અને તેમના સંશોધનો આગળ ધપાવ્યાં. 1974માં તેઓ યુટ્રેક્ટ પાછા ફર્યા. ત્યારબાદ અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટી તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ આમંત્રિત પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. બૉસ્ટન યુનિવર્સિટીમાં પણ થોડો સમય કાર્યરત રહ્યા.

1981માં તેમને પ્રતિષ્ઠિત વુલ્ફ ઇનામ પ્રાપ્ત થયું. 1986માં તેમને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં અત્યંત મહત્વના પ્રદાન માટે લૉરેન્ટ્ઝ ચંદ્રક પ્રાપ્ત થયો. તે ઉપરાંત તેમને ફ્રેન્કલિન ચંદ્રક તથા અમેરિકન એકૅડેમી ઑવ્ અચિવમેન્ટ તરફથી ગોલ્ડન પ્લેટ પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. 2011થી તેઓ  યુટ્રેક્ટ યુનિવર્સિટીમાં વિશિષ્ટ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે.

પૂરવી ઝવેરી