જાસૂદ (જાસવંતી)

January, 2012

જાસૂદ (જાસવંતી) : સં. जपाकुसुम, હિં. गुडहर, મ. जासवंद. લૅ. Hibiscus mulabilis; H. rosa sinensis, H. collinus  વગેરે. કુળ : Malvaceae. સહસભ્યો : ભીંડા, અંબાડી, કપાસ, પારસ ભીંડી વગેરે. મુખ્યત્વે લાલ કે ગુલાબી રંગનાં જ ફૂલ જાસૂદને આવે એવો સૌને અનુભવ છે; પરંતુ હવે H. rosa. sinensisમાં સંકરણ કરીને નવી નવી જાતો વિકસાવવામાં આવી છે.

જાંબલી, ભગવો વગેરે રંગનાં ફૂલવાળી જાતો પણ હવે મળે છે. ફૂલ લગભગ બારેમાસ; પરંતુ ચોમાસામાં તેમજ અર્ધા શિયાળા સુધી વધારે આવે છે. ફૂલો એક પાંખડીનાં તેમજ બે પાંખડીનાં આવે છે.

સામાન્ય જાતોના છોડ બેએક મીટર ઊંચા થાય છે, પણ ફૂલ આવી ગયા પછી છાંટણી કરવાથી છોડ માપસર રહે છે. તે સહેલાઈથી ઉછેરી શકાય છે. નવી જાતોના છોડ ઘણુંખરું એકાદ મીટર ઊંચા થાય છે અને તેને ઉછેરવામાં વિશેષ કાળજીની જરૂર પડે છે. બંને જાતોનાં પાન મધ્યમ – મોટા કદનાં હૃદય આકારનાં અને કાકરવાળી કિનારીવાળાં હોય છે. કટિંગ કે ગુટી કલમથી છોડની વૃદ્ધિ થાય છે.

જાસૂદ તીખી, ઠંડી, મધુર, સ્નિગ્ધ, પુષ્ટિકારક, ગર્ભવૃદ્ધિ કરનારી, ગ્રાહી, કેશ્ય તેમજ કૃમિ અને ઊલટી કરનારી છે. તે દાહ, ધાતુરોગ,

જાસૂદ

પ્રમેહ, પ્રદર, ઊંદરી, પિત્તદોષ, ગર્ભસ્રાવની ખામી, દૂઝતા હરસ, લોહીના ઝાડા તથા અતિશય રક્તસ્રાવ-અત્યાર્તવ (લોહીવા) મટાડે છે. તેના ફૂલનું વધુ સેવન માસિક સ્રાવ બંધ કરી દે છે.

 બળદેવપ્રસાદ પનારા

મ. ઝ. શાહ