જત્તી, બસપ્પા દાનપ્પા

January, 2012

જત્તી, બસપ્પા દાનપ્પા (જ. 10 સપ્ટેમ્બર 1912 અ. 7/8 જૂન, 2002, સાવલગી, કર્ણાટક રાજ્ય) : 1977ના ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન, ફખરુદ્દીન અલી અહમદના નિધન અને સંજીવ રેડ્ડીની ચૂંટણીના વચગાળામાં, ઉપરાષ્ટ્રપતિને નાતે રાષ્ટ્રપતિનું પદ સંભાળનાર બી. ડી. જત્તી હાલના કર્ણાટક રાજ્યના બિજાપુર જિલ્લામાં જમખંડી તાલુકાના એમના વતનવિસ્તારમાં પંચાયત સ્તરેથી પાયાના કાર્યકર તરીકે જાહેરજીવનમાં પ્રવેશ્યા. વકીલ તરીકેની કામગીરીની સાથોસાથ એમણે જમખંડીની દેશી રિયાસતમાં મુક્તિચળવળમાં સક્રિય રસ લેવા માંડ્યો. કેટલોક વખત પ્રજા પરિષદના મંત્રી તરીકેની જવાબદારી સંભાળવા ઉપરાંત જમખંડી મ્યુનિસિપિલ કાઉન્સિલના અધ્યક્ષની કામગીરી પણ સંભાળી.

બસપ્પા દાનપ્પા જત્તી

રિયાસતના સ્તરે મંત્રી અને મુખ્યમંત્રી લેખે જવાબદારી સંભાળ્યા બાદ સ્વાતંત્ર્યોત્તર કાળમાં તે વખતના વિશાળ મુંબઈ રાજ્ય સાથે રિયાસતનું વિલીનીકરણ થતાં તેઓ ધારાસભામાં નિયુક્ત થયા અને પહેલાં મુખ્યમંત્રીના સંસદીય સચિવ તરીકે તથા પાછળથી મોરારજી દેસાઈ મંત્રીમંડળમાં આરોગ્ય અને શ્રમમંત્રી તરીકે સેવા આપી. ત્યાર બાદ, 1956માં રાજ્યોનું પુનર્ગઠન થતાં તેઓ કર્ણાટકની ધારાસભામાં ગયા અને સમગ્ર રાજ્યની ભૂમિ-સુધાર સમિતિના અધ્યક્ષ તરીકે મહત્વની કામગીરી બજાવ્યા બાદ 1958થી 1962 લગી મુખ્યમંત્રીપદે રહ્યા. 1968થી 1972 દરમિયાન પુદુચેરીના લેફ્ટેનન્ટ ગવર્નરના પદે તેમજ 1972–1974 દરમિયાન ઓરિસાના રાજ્યપાલપદે રહેલા જત્તી 1974ના ઑગસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયા અને 1979માં મુદત પૂરી થઈ ત્યાં સુધી તેમણે હોદ્દાની રૂએ રાજ્યસભાનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું.

લાંબી જાહેર સેવાઓ દરમિયાન એમણે જે બાબતોમાં ખાસ ઉત્કંઠા અને રસ દાખવ્યાં, તેમાં દલિત-ઉત્થાન, વહીવટી તંત્રની સુધારણા, સામાજિક સુરક્ષા તથા ભૂમિસુધારાને લગતી બાબતો નોંધપાત્ર છે. પ્રસંગોપાત્ત લખતા રહેલા જત્તીની સામાન્યપણે તત્ત્વજ્ઞાન, સાહિત્ય અને આનુષંગિક વિષયો પર લખવામાં રુચિ રહી.

પ્રકાશ ન. શાહ