જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી)

January, 2012

જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી) : ‘સિદ્ધાંત સમ્રાટ’ નામે ખગોળ-શાસ્ત્રીય ગ્રંથના રચયિતા, વિખ્યાત જ્યોતિર્વિદ. જયપુર નગર વસાવનાર મહારાજા સવાઈ જયસિંહ(રાજ્યારોહણ ઈ. સ. 1693)ની સભાના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી હતા. મહારાજા સવાઈ જયસિંહ પોતે ખગોળ જ્યોતિષના સંશોધક હતા. ગ્રહગણિતની સુધારણામાં તેમનું સ્થાન અગ્રિમ હતું. તેમની સભામાં અનેક ગણિતવિદો તથા જ્યોતિષશાસ્ત્રીઓ હતા. સમ્રાટ જગન્નાથ તે સૌમાં અગ્રગણ્ય હતા. મહારાજાની આજ્ઞાથી તેમણે ‘સિદ્ધાન્તસમ્રાટ’ નામે ગ્રહગણિતનો ગ્રંથ રચ્યો. આ ગ્રંથ રચતાં પહેલાં જગન્નાથ ઇજિપ્શિયન (મૂળ ગ્રીક) વિદ્વાન ટૉલેમીએ રચેલા ‘એલ્માજેસ્ટ’ નામે ગ્રંથના અરબી રૂપાંતર ‘માજિસ્તી’નો અભ્યાસ કરવા સારુ મહારાજા સવાઈ જયસિંહના મોકલ્યા અરબસ્તાન ગયા અને ત્યાં અરબી ભાષાનો પરિચય કરી ‘માજિસ્તી’ ગ્રંથનું જ્ઞાન મેળવી આવ્યા. આ જ્ઞાનને આધારે તેમણે ‘સિદ્ધાન્તસમ્રાટ’ ગ્રંથનું નિર્માણ કર્યું. પોલૅન્ડના પ્રસિદ્ધ ખગોળવિદ કૉપર્નિકસ આ સમયમાં થઈ ગયા. મહારાજાએ સ્થાપેલ જયપુર, દિલ્હી, મથુરા, કાશી અને ઉજ્જૈનની વેધશાળાઓના ખગોળશાસ્ત્રી વિદ્વાનોએ કરેલાં ગ્રહો અને તારાઓનાં અવલોકનોની સહાયથી ગ્રહગતિનું ગણિત સુસ્પષ્ટ કરી ર્દકપ્રત્યય (પ્રત્યક્ષ અવલોકનમાં ચોકસાઈ) થાય એવો ગ્રંથ ‘સિદ્ધાન્ત સમ્રાટ’ જગન્નાથે રચ્યો. આ ગ્રંથના નામને આધારે જગન્નાથ ‘સમ્રાટજગન્નાથ’ તરીકે પ્રસિદ્ધ થયા.

કાવ્યશાસ્ત્રીય ગ્રંથ ‘રસગંગાધર’ના રચયિતા કવિ પંડિતરાજ જગન્નાથથી આ સમ્રાટ જગન્નાથ ભિન્ન છે.

સમ્રાટ જગન્નાથના જન્મસ્થાન અને સમય વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. માત્ર તે મહારાજા સવાઈ જયસિંહના સમકાલીન હતા એટલું કહી શકાય. તેમણે યુક્લિડની ભૂમિતિને આધારે સંસ્કૃતમાં રેખાગણિત પણ રચ્યું.

ભારતી જાની