છૂટાછેડા : લગ્નવિચ્છેદ. ધાર્મિક પ્રથા મુજબ અગર કાયદેસર લગ્નગ્રંથિથી રચાયેલ દાંપત્યજીવનનો વિચ્છેદ. તે અંગેની પરિસ્થિતિનું નિર્માણ દાંપત્યજીવનમાં તિરાડ, અન્યત્ર જાતીય સંબંધ, શારીરિક અગર માનસિક કજોડાં હોવા અંગેની ગ્રંથિ, અહંકારી સ્વમાનભાવના વગેરે દ્વારા થતું હોય છે. તેને કારણે લગ્નજીવનમાં દુ:ખ, કલહ-કંકાસ-કટુતા ઉત્પન્ન થાય છે. આ કારણો સિવાય ખોટી રજૂઆત કે હકીકતો દ્વારા છેતરપિંડી કરી અગર શારીરિક જાતીય રોગો વગેરેની જાણ ન કરી અગર છુપાવી બીજા પક્ષકારને અંધારામાં રાખી લગ્ન કર્યાં હોય તેવાં લગ્ન રદ થવાને પાત્ર છે. છૂટાછેડા લીધા પહેલાં ન્યાયિક અલગતા (judicial separation) અંગે હુકમ મેળવી તે દરમિયાન દૂર રહેવાય તો અવધિ વીત્યે છૂટાછેડાનું હુકમનામું મળી જાય છે. છૂટાછેડા મેળવ્યા બાદ પતિપત્નીના સંબંધોનો અંત આવે છે અને બંને પક્ષકારો એકબીજાથી મુક્ત બની જાય છે. દા.ત., બીજાં લગ્ન કરવાં હોય તો તે માટે વાંધો રહેતો નથી અને કાયદેસર રીતે પુનર્લગ્ન થઈ શકે છે. સંપૂર્ણ લગ્નવિચ્છેદ થતાં સુધી ભરણપોષણ માટેની કાયદાથી જોગવાઈ થઈ શકે છે. સંતાનો હોય તો તેમના વાલીપણા અંગેના અધિકાર માટે Guardianship and Wards Actના આશ્રયે કાયદેસર પગલાં ભરી કોર્ટના હુકમ પ્રમાણે બાળકો છૂટા થયેલા પતિ અગર પત્ની પાસે રહી શકે છે. અમેરિકા, ઇંગ્લૅન્ડ અને પાશ્ર્ચાત્ય દેશોમાં લગ્ન બંધન જેવું ગણાતું નથી અને અગવડરૂપ સંબંધોનો તત્કાળ અંત લાવી શકાય છે.

મુસ્લિમ ધર્મ પ્રમાણેની સમાજવ્યવસ્થામાં તલાક શબ્દ ત્રણ વાર પત્નીને ઉદ્દેશીને બોલી લગ્નજીવનનો વિચ્છેદ આણી શકાય છે. આ અંગે સુધારક મુસ્લિમ યુવાન વર્ગ દ્વારા વિવાદ ઊભો થયો હતો. તલાક પામેલી સ્ત્રીને ભરણપોષણ (maintenance) અંગેની ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125 અંગેની જોગવાઈનો લાભ મળવો જોઈએ તેવો સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો. તત્કાલીન સરકારે શાહબાનુ ચુકાદાની જોગવાઈ રદ કરતો કાયદો કરી છૂટાછેડા પામેલી મુસ્લિમ સ્ત્રીઓને મુસ્લિમ વકફ બોર્ડ વ્યવસ્થા કરે તેવી જોગવાઈ કરી છે. મુસ્લિમ સ્ત્રીઓ પણ મુસ્લિમ લગ્નવિચ્છેદ કાયદા હેઠળ લગ્નજીવનનો અંત આણી શકે છે.

આ સિવાય સ્પેશિયલ મૅરેજીઝ ઍક્ટ હેઠળ કરેલાં લગ્ન માટેની લગ્નવિચ્છેદ અંગેની જોગવાઈ ઘણી સરળ છે. આ અંગે ઉભય પક્ષને સમાન અધિકારો પ્રાપ્ત છે.

છૂટાછેડા–લગ્નવિચ્છેદ–ફારગતી–તલાક (dissolution of marriage-divorce) : ભારતીય સમાજજીવનના અંગરૂપ લગ્નપ્રથાનો ઉદગમ વેદકાળથી ચાલ્યો આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે વર્ણાશ્રમી જાતિઓમાં પ્રથા અને રિવાજ (traditions and customs) પર સમાજ નિર્ભર હતો. લગ્નબંધનથી જોડાવાની ક્રિયા છેડાગાંઠણા, હસ્તમેળાપ, ફૂલહાર પહેરાવવા તેમજ સપ્તપદીના સાત ફેરા દ્વારા પરિપૂર્ણ થતી. કાળક્રમે બ્રાહ્મણેતર બધા જ વર્ણમાં જ્ઞાતિરિવાજ પ્રમાણે છૂટાછેડા અને ફારગતી પ્રથા વગેરેથી જ્ઞાતિના પંચ દ્વારા લગ્નજીવનનો વિચ્છેદ થતો હતો.

મનુસ્મૃતિ દ્વારા અપવાદ રૂપે પુનર્લગ્નની છૂટ આપવામાં આવી. જૈન અને બૌદ્ધ ધર્મના ઉદય પછી મૌર્ય વંશના શાસનકાળમાં પુનર્લગ્નની છૂટછાટ વધી. આમાં લગ્નવિચ્છેદ બાદ છૂટાછેડાવાળી સ્ત્રીઓ અને ત્યક્તાઓના પુનર્લગ્નનો સમાવેશ વિધવાવિવાહ સાથે થઈ શકે. ગુપ્તકાળમાં શુંગ વંશ તથા ગુપ્ત શાસન દરમિયાન ક્ષત્રિયોમાં પણ ત્યક્તા-વિધવાના પુનર્વિવાહની છૂટથી ઉપલા વર્ગના સવર્ણોમાં આ પ્રથા પ્રચલિત થવા માંડી. કેટલાક ઇતિહાસકારોએ નોંધેલ છે કે ચંદ્રગુપ્ત બીજો, જે વિક્રમ તરીકે પંકાયો તેણે તેના મોટા ભાઈ રામગુપ્તની વિધવા સાથે લગ્ન કર્યું હતું. આનાથી રાજ્ય કરનાર વ્યક્તિ દ્વારા નવી પ્રથાનું સંવર્ધન થયું. તેથી બૌદ્ધ-જૈન ધર્મશાસનનાં સામાજિક બંધનો હળવાં બન્યાં.

શંકરાચાર્યે બ્રાહ્મણ ધર્મનો ઉદ્ધાર કરી સમાજજીવનમાં શુદ્ધ મૂલ્યોનો પુનરાવિર્ભાવ કર્યો. તેણે મુસ્લિમ આક્રમણકારોના હુમલા સામે સ્વરક્ષણ માટે બંધનોને વધારે જડ અને ચુસ્ત બનાવ્યાં. બ્રિટિશ અમલ પહેલાંના મુસ્લિમ શાસન દરમિયાન હિંદુ સ્ત્રીઓનાં અપહરણ અને ફરજિયાત લગ્ન દ્વારા ધર્મવટાળની પ્રવૃત્તિએ વેગ પકડ્યો તેને કારણે પણ સ્વરક્ષણ અર્થે લગ્નબંધનમાં જડતા આવી ગઈ. સતીપ્રથાનું દૂષણ વ્યાપ્યું જે સામે બ્રિટિશ શાસનના પ્રારંભે વિલિયમ બેન્ટિન્ક દ્વારા સમાજ-સુધારણાનું કાર્ય ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં આરંભાયું અને રાજા રામમોહન રાયે ખુલ્લી રીતે સતીપ્રથાનાબૂદી તથા વિધવાવિવાહ દ્વારા સામાજિક ક્રાંતિના કાર્યને વેગ આપ્યો. આ જ અરસામાં ગુજરાતના વડોદરામાં તેમજ ભારતનાં અન્ય દેશી રાજ્યોમાં પણ કાયદા દ્વારા પુનર્લગ્નની જોગવાઈ કરવામાં આવી. ભારતે સ્વતંત્રતા મેળવ્યા બાદ 1956માં હિંદુ કોડ બિલ દ્વારા છૂટાછેડાની પ્રથાને કાયદાકીય સ્વરૂપ આપ્યું. આ કાયદા પહેલાં રૂઢિ અને રિવાજ પ્રમાણે પરસ્પરની સંમતિથી છૂટાછેડાની જે પ્રથા હતી તે કાયદાથી સ્વીકૃત બની.

હિંદુ લગ્ન અધિનિયમ, 1955માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પતિ અથવા પત્ની બેમાંથી કોઈ પણ એક નીચેનાં કારણો હેઠળ ન્યાયાલય સમક્ષ અરજી રજૂ કરી છૂટાછેડાની માગણી કરી શકે છે : (1) લગ્ન પછી સામી વ્યક્તિએ લગ્નબાહ્ય સંબંધ બાંધ્યો હોય. (2) લગ્ન પછી સામી વ્યક્તિએ અરજી કરનાર સાથે ક્રૂરતાભર્યું વર્તન કરી શારીરિક ત્રાસ ગુજાર્યો હોય અથવા આવેદનપત્ર રજૂ થયું તે પૂર્વે 2 વર્ષથી ઓછા નહિ તેવા સમય સુધી સામા પક્ષે અરજદારનો ત્યાગ કર્યો હોય. (3) સામા પક્ષે ધર્મપરિવર્તન કરી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હોય, અથવા સામા પક્ષની વ્યક્તિ અસાધ્ય એવી માનસિક વિકૃતિથી પીડાતી હોય, અથવા એવી માનસિક અસ્વસ્થતાવાળી હોય કે આવેદનપત્ર રજૂ કરનાર તેની સાથે રહી શકે એવી કલ્પના પણ કરી શકાય નહિ.

કેટલાક કિસ્સામાં સંસર્ગજન્ય કે સ્પર્શજન્ય અસાધ્ય રોગ અથવા નપુંસકતા જેવાં તબીબી કારણો તથા દહેજનાં કારણોસર છૂટાછેડા માટે ન્યાયાલયની દાદ માગવામાં આવે છે. હવે બંને પક્ષોની સ્વૈચ્છિક સંમતિથી છૂટાછેડા સહેલાઈથી લઈ શકાય છે.

વર્ષ 2012માં છૂટાછેડાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે.

ઘનશ્યામ પંડિત