છીંદવાડા (જિલ્લો)

January, 2012

છીંદવાડા  (જિલ્લો) : મધ્યપ્રદેશ રાજ્યના મોટા જિલ્લાઓમાંનો એક જિલ્લો.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ અને જળપરિવહન : તે 21 28´ ઉ. અ.થી 22 49´ ઉ. અ. અને 78 40´ પૂ.રે.થી 79 24´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે નર્મદાપુરમ અને નરસિંહપુર, પૂર્વે સીઓની જિલ્લો, પશ્ચિમે બેતુલ જિલ્લો, દક્ષિણે મહારાષ્ટ્રના પરભાની અને નાગપુર જિલ્લો સીમારૂપે આવેલા છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી સરેરાશ 675 મી.ની ઊંચાઈ ધરાવે છે. સમુદ્રની સપાટીથી ઊંચાઈમાં ભેદ જોવા મળે છે. તેમ છતાં કહી શકાય કે તે 470 મી.થી 1,160 મી.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સાતપુડા પર્વતની હારમાળા આવેલી છે. જ્યારે દક્ષિણે નર્મદા નદીનો ખીણ પ્રદેશ આવેલો છે.

આ જિલ્લામાંથી કનહાન, પેન્ચ, જામ કુલબેહરા, શક્કર અને દૂધી નદી વહે છે. આ જિલ્લાની દક્ષિણે વહેતી કનહાન નદીને જામ નદી મળે છે જે હેઠવાસ તરફ જતા વેણગંગાને મળે છે. કુલબેશ નદી આગળ જતાં પેન્ચ નદીને મળી જાય છે. પેન્ચ નદી છીંદવાડા અને સીઓની જિલ્લાની સીમાએ વહે છે. કુલબેશ નદી પણ પેન્ચ નદીને મળે છે. આ જિલ્લામાંથી કોલસો, ચૂનાના ખડકો, મૅંગેનીઝ વગેરે ખનીજ મેળવાય છે.

આબોહવા – વનસ્પતિ : આ જિલ્લો ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રકારની આબોહવા અનુભવે છે. એટલે કે ઉષ્ણકટિબંધીય ભેજ અને સૂકી આબોહવા છે. ઉનાળામાં એટલે કે એપ્રિલથી જૂન માસમાં તાપમાન ખૂબ ઊંચું રહે છે. શિયાળો પ્રમાણમાં સૂકો રહે છે. શિયાળામાં તાપમાન 6 સે.ની આસપાસ રહે છે જ્યારે ઉનાળાનું તાપમાન 38 સે.થી 42 સે. જેટલું અનુભવાય છે. જ્યારે સરેરાશ વરસાદ 1183 મિમી. જેટલો રહે છે.

આ જિલ્લામાં સાગ, સાદડ, અરીઠા, હરડે, આમળાં, મહુડો, ટીમરુ, ચારોળી, વાંસ, આંબો અને અન્ય સ્થાનિક વૃક્ષો જોવા મળે છે. વન્યજીવોમાં વાઘ, દીપડો, હરણ, સસલાં, સાબર, જંગલી ભૂંડ, નીલગાય મુખ્ય છે. આ સિવાય સરીસૃપ જેમાં ગરોળી, સાપ, જળબિલાડી વગેરે હોય છે. આ જિલ્લાનો 4,413 ચો.કિમી. વિસ્તાર જંગલઆચ્છાદિત છે.

અર્થતંત્ર : આ જિલ્લામાં જંગલોનું પ્રમાણ અધિક છે. આદિવાસી લોકોની આવક મોટે ભાગે જંગલપેદાશો ઉપર રહેલી છે. જેમાં લાકડું, ગુંદર, લાખ, ઔષધિ, ઘાસ, વાંસ મુખ્ય છે. ખેતીના ધાન્ય પાકોમાં બાજરી, મકાઈ, રાગી, કઠોળ, ડાંગર, ઘઉં જ્યારે રોકડિયા પાકોમાં શેરડી, તમાકુ વગેરે છે. આ સિવાય હળદર, લસણ, મરચાં વગેરેની વ્યાપારિક ધોરણે ખેતી લેવાય છે. પશુપાલનપ્રવૃત્તિ પણ વિકસી છે.

આ જિલ્લામાં આદિવાસીઓનું પ્રમાણ અધિક હોવાથી (સસ્તો શ્રમ), કાચો માલ (ચૂનાના ખડક) અને સંચાલન શક્તિના સાધન (કોલસો) પ્રાપ્ત થતો હોવાથી ખનીજ ઉપર આધારિત તેમજ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો વિકસ્યા છે. આ જિલ્લામાં બહુરાષ્ટ્રીય કંપની સ્થપાઈ જેમાં હિન્દુસ્તાન યુનિલીવર જે વૉશિંગ પાઉડરનું ઉત્પાદન કરે છે. જેમાં રીન, વ્હીલ અને સર્ફ એક્સલ વગેરે છે. આ એકમ છીંદવાડાથી પાંચ કિમી. દૂર લાહગાડુ (Lahgadua) ગામ પાસે સ્થિત છે. રેમન્ડ જૂથના એકમો 1991થી સ્થપાયેલા હતા. ગરમ કાપડ અને રેયૉન કાપડનું ઉત્પાદન થતું હતું. મરચાંની ખેતી વધુ થાય છે. આથી અહીં ‘Spice Park’ ઊભો કરાયો છે. ભારતમાં સૌપ્રથમ આ ‘Spice Park’નું ઉદઘાટન 25 ફેબ્રુઆરી, 2009માં થયું હતું. લસણના પાઉડર બનાવવાના એકમો અને ઑટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રિઝના પણ એકમો આવેલા છે, જેમાં બજાજ મુખ્ય છે. સ્પિનિંગ મિલો પણ આવેલી છે. આ સિવાય અંબુજા સ્પિનિંગ મિલ, કિર્લોસ્કર, એલ ઍન્ડ ટીના ઔદ્યોગિક એકમો પણ છે.

છીંદવાડામાં ‘કોલસાની ખાણોનો પટ્ટો’ આવેલો છે. આ પટ્ટામાં 24 ખાણો આવેલી છે. આ વિભાગમાં એરિયાનો સૌથી મોટો ‘કોલસા ધોવાનો’ પ્લાન્ટ આવેલો છે.

પરિવહન : છીંદવાડા મધ્યપ્રદેશ રાજ્યનો મહત્ત્વનો જિલ્લો હોવાથી પાકા રસ્તાની સુવિધા રહેલી છે. અહીં રાજ્ય ધોરી માર્ગો ઉપર ‘મધ્યપ્રદેશ રાજ્ય પરિવહન’ની બસો ઉપલબ્ધ છે. આ સિવાય ખાનગી પરિવહનનાં સાધનો જિલ્લાના અંતરિયાળ ભાગમાં ઉપલબ્ધ છે. આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ ન. 547 મધ્યપ્રદેશના નરસિંહપુર અને મહારાષ્ટ્રના સાઓનેર(Saoner)ને સાંકળે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 347 જે મુલતાઈ અને સીઓનીને સાંકળે છે.

છીંદવાડા રેલવેસ્ટેશન એ ‘સાતપુડા રેલવે’નો ભાગ છે. જે બિલાસપુર–નાગપુર વિભાગમાં આવે છે. આ રેલવેસ્ટેશન હાવરા–નાગપુર–મુંબઈ રેલમાર્ગનું મુખ્ય સ્ટેશન છે. આ જિલ્લામાં છીંદવાડા મુખ્ય રેલવેજંકશન છે. આ સિવાય 9 મુખ્ય રેલવેસ્ટેશનો આવેલાં છે. છીંદવાડા અને ઈટવારી વચ્ચેનું અંતર 147 કિમી. છે. આ માર્ગ ઉપર સુંદર કુદરતી દૃશ્યો નિહાળવાનો લ્હાવો છે. આ અંતર કાપતાં આઠ કલાક  થાય છે. આ જિલ્લાનું નજીકનું હવાઈ મથક ‘નાગપુર ઍરપૉર્ટ’ છે, જે છીંદવાડાથી 130 કિમી. દૂર છે.

પ્રવાસન : ગીચ જંગલોથી સભર આ જિલ્લામાં અનેક પ્રવાસન સ્થળો આવેલાં છે. અહીં સીઓની અને છીંદવાડા જિલ્લાની વચ્ચે આવેલી સાતપુડા હારમાળામાંથી વહેતી પેન્ચ નદીને કારણે પેન્ચ રાષ્ટ્રીય ઉદ્યાન કે જ્યાં ‘પેન્ચ ટાઇગર રિઝર્વ’ ઊભું કરવામાં આવ્યું છે. આ સિવાય અહીં કુડીખાપ્પા જળધોધ, લીઆહી (liahi) જળધોધ, ટામિયા અને જુન્નારીઓ ટેકરી, હિંગળાજમાતા મંદિર, છોટા મહાદેવની ગુફા, ડીઓગઢનો કિલ્લો, હરાઈ ટીબરા મ્યુઝિયમ, બંજારીમાતાનું મંદિર, અનહોની ગરમ પાણીના ઝરા, જીઆહારી ઘાટ, લોડેશ્વર મહાદેવ મંદિર વગેરે જોવાલાયક છે. આ સિવાય અહીં વાર-તહેવારે વિવિધ મેળા પણ ભરાય છે. પાન્ધુરના ગોમતેશ્વરનો મેળો, રઈની (raini) ધામના મેળાનું મહત્ત્વ વધુ છે. આ જિલ્લામાં સેલા નૃત્ય, ગેડી નૃત્ય, નાગપંચમી નૃત્ય જાણીતાં છે.

વસ્તી : અહીં હિન્દુ ધર્મ મુખ્ય છે. જ્યારે દ્વિતીય ક્રમે ઇસ્લામ ધર્મ આવે છે. અહીં હિન્દી ભાષા બોલનારાનું પ્રમાણ અધિક છે. આ સિવાય મરાઠી, ગોન્ડી, કોરુ અને પવારી ભાષા પણ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 72% જેટલું છે. પછાત જાતિનું પ્રમાણ 11% અને આદિવાસીઓનું પ્રમાણ 33% નોંધાયું છે. જેમાં ગોન્ડ જાતિનું પ્રમાણ અધિક છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 966 છે.

આ જિલ્લાનો વિસ્તાર 10,293 ચો.કિમી. જ્યારે વસ્તી 20,90,922 (2011 મુજબ) છે. વહીવટી સુગમતા ખાતર આ જિલ્લાને કુલ 11 તાલુકામાં વિભાજિત કર્યો છે. ગામડાંની સંખ્યા 1,984 છે. છીંદવાડા એકમાત્ર નગર નિગમ છે, જ્યારે નગરપાલિકા પાંચ છે. નગરપંચાયત 6 અને 11 નાનાં શહેરો આવેલાં છે. આ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આવેલી છે. સરકારી આદર્શ બહુહેતુક શાળાઓ, જવાહર નવોધ્યાય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, દિલ્હી પબ્લિક સ્કૂલો આવેલી છે. રાજા શંકર શાહ યુનિવર્સિટી, જી. એચ. રાઈશોની યુનિવર્સિટી પણ આવેલી છે. આ સિવાય ત્રણ કૉલેજો આવેલી છે.

ઇતિહાસ : આ વિસ્તારમાં છીંદ(chhind)નાં વૃક્ષોનું પ્રમાણ અધિક હોવાથી આ જિલ્લાનું નામ છીંદવાડા પડ્યું હશે એવું માનવામાં આવે છે. અહીં ત્રીજી સદી સુધી વકાટાકાસ(vakatakas) લોકોનું પ્રભુત્વ હતું. 7મી સદીના અંતભાગથી આ પ્રદેશ ઉપર ગલીસ લોકોનું વર્ચસ્વ 14મી સદી સુધી રહ્યું હતું. ત્યારબાદ મોગલ શહેનશાહ ઔરંગઝેબનું પ્રભુત્વ વધ્યું હતું. 1720થી ભક્ત બુલંદની નેતાગીરીને લીધે તે સ્વતંત્ર થયું. ત્યારબાદ મરાઠાઓનું વર્ચસ્વ અહીં સ્થપાયું. 1803થી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાના તાબામાં આવ્યું. 1857થી છીંદવાડા જિલ્લો મધ્ય ભારત રાજ્યમાં 1947 સુધી સમાવાયો હતો. ભારત સ્વતંત્ર થતાં છીંદવાડા જિલ્લાનું પાટનગર નાગપુર બન્યું હતું. 1લી નવેમ્બર, 1956માં મહારાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવતાં નાગપુરનો સમાવેશ મહારાષ્ટ્રમાં થયો. ત્યારબાદ છીંદવાડા મધ્યપ્રદેશનો જિલ્લો બન્યો.

છીંદવાડા શહેર : ભૌગોલિક સ્થાન : આ શહેર 22 7´ ઉ. અ. અને 78 93´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 110 ચો.કિમી. જ્યારે વસ્તી 1,75,052 (2011 મુજબ) છે. આ શહેર સમુદ્રની સપાટીથી 675 મી.ની ઊંચાઈએ છે. આ શહેરને ‘મકાઈના શહેર’ (corn city) તરીકે ઉપનામ મળ્યું છે. આ શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન 32 સે. જ્યારે લઘુતમ તાપમાન 18 સે. રહે છે. છીંદવાડા જિલ્લાનું પાટનગર છે. મધ્યપ્રદેશના ઉચ્ચપ્રદેશ ભાગમાં આવેલું હોવાથી શહેરની આજુબાજુ વનસ્પતિનું પ્રમાણ અધિક છે. કુલબેહરા નદીની શાખા નદી બોડરીના કિનારે વસ્યું છે.

આ શહેરની આજુબાજુ રેમન્ડ, હિન્દુસ્તાન લીવર, અંબુજા સિમેન્ટ, એલ ઍન્ડ ટી વગેરે કંપનીના એકમો તેમજ કાર્યાલયો આવેલાં છે. અહીં મરઘાં-બતકાં ઉછેર, ચર્મઉદ્યોગ, બિનલોહધાતુના એકમો, લાકડાની સો મિલો વગેરે આવેલાં છે. આ શહેરના જાણીતા બજારમાં ફુવારા ચોક, ગોલે ગંજ અને ગાંધી ગંજ, માનસરોવર કૉમ્પલેક્સ, નાગપુર રોડ વગેરેનો સમાવેશ થાય છે.

આ શહેર પડોશી જિલ્લાઓ સાથે રેલવે અને રસ્તાઓ દ્વારા ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. છીંદવાડા એ રેલવેનું મોટું જંકશન છે. પંચવેલી એક્સપ્રેસ, પાતાલકોટ એક્સપ્રેસ, અમલા મેમુ, બેનુલ પેસેન્જર ટ્રેન, નાગપુર પેસેન્જર ટ્રેનોનો લાભ મળ્યો છે. છીંદવાડા જિલ્લાના તાલુકાઓ, નગરપંચાયત, નગરગ્રામપંચાયતોના માર્ગો સાથે સંકળાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 547 અહીંથી પસાર થાય છે. આ શહેરનું નજીકનું  હવાઈ મથક નાગપુર છે.

આ શહેરમાં 300 શાળાઓ આવેલી છે, જે મધ્યપ્રદેશ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંકળાયેલી છે. કેન્દ્રીય વિદ્યાલય જે કેન્દ્રીય સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંકળાયેલ છે. આ સિવાય ખાનગી શાળાઓ પણ આવેલી છે. જે CBSE, ICSE અને MPBS સાથે જોડાણ ધરાવે છે.

આ શહેરમાં સાક્ષરતાનું પ્રમાણ 89% જેટલું છે. અહીં હિન્દુઓની વસ્તી 81%, મુસ્લિમોની વસ્તી 13%, જૈનોની વસ્તી 4% જ્યારે ક્રિશ્ચિયનોની વસ્તી 1.6% (2011 મુજબ) છે. અહીં ગોન્ડ, પ્રધાન, ભારિયા, કોડુ, ગોન્ડી, મુસાઈ જાતિના લોકો વસે છે. તેઓ ગોન્ડ અને હિન્દી મિશ્ર ભાષા, મરાઠી ભાષા પણ બોલે છે.

આ શહેરમાં જોવાલાયક સ્થળોમાં દેવગઢનો કિલ્લો (Deogarh Fort), પાતાલકોટ, ટામિયા હિલ, આદિવાસી મ્યુઝિયમ, શાશહતી (Shashti) માતાનું મંદિર, કુકડી – ખાપા અને લીહાલી જળધોધ, અનહોની ગરમ પાણીના કુંડ, નીલકંઠી મંદિર, રામમંદિર તેમજ જામા મસ્જિદ ગણાવી શકાય. દર વર્ષે ગોટમાર મેળા અને પન્ધુરાણા મેળા ભરાય છે.

આ જિલ્લાનાં ભૂમિદૃશ્યો અને વનસ્પતિ-પ્રાણીસંપત્તિના સંદર્ભમાં કૅપ્ટન જે. ફોરસીથ (J. Forsyth) અને રુડયાર્ડ કિપલિંગ (Rudyard Kipling) પ્રકૃતિશાસ્ત્રીઓએ 19મી સદીના અંતભાગમાં અહીંની વિગતે માહિતી પોતાના પુસ્તક ‘જંગલ બુક’માં જણાવી છે.

નીતિન કોઠારી

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ