છર્દિ (ઊલટી) : કેટલાંક કારણોથી મુખને લીંપીને, શરીરના દરેક અંગને પીડા કરીને, અચાનક જ હોજરીમાંથી મુખ દ્વારા બહાર આવનાર દોષરૂપ દ્રવ અંશ. તેને વમન કે ઊલટી કહે છે.

કારણો : વધુ પડતા પ્રવાહી, વધુ પડતા ચીકણા, વધુ ખારા કે તીખા પદાર્થોના સેવનથી; મનને પ્રતિકૂળ વસ્તુના સેવનથી, અતિ-ઉતાવળે કે અકાળે ભોજન કરવાથી, ચીતરી ચડે તેવા પદાર્થોના દર્શન કે ભક્ષણથી અને તેવા પદાર્થોની દુર્ગંધથી, પેટમાં ઝેરી પદાર્થ જવાથી કે ઝેરી જીવજંતુના ડંખથી; અજીર્ણથી, પેટમાં કૃમિદોષ હોવાથી; અતિ શ્રમ, ભય કે ઉદ્વેગ થવાથી, સગર્ભાવસ્થાને કારણે તથા કૉલેરા, હોજરીનું ચાંદું, અમ્લપિત્ત જેવા રોગોને કારણે પણ ઊલટી કે છર્દિ થાય છે.

પ્રકારો : આયુર્વેદ અનુસાર છર્દિ રોગના મુખ્યત્વે 5 પ્રકારો છે : (1) વાતદોષજ, (2) પિત્તદોષજ, (3) કફદોષજ, (4) ત્રિદોષજ તથા (5) આગંતુક દોષજ. આયુર્વેદ વિજ્ઞાને માનસિક કારણો, કૃમિ, વિષ, સગર્ભાવસ્થા, અજીર્ણ, આહારદોષ (અતિભોજન, કસમય ભોજન, અતિશીઘ્ર ભોજન) વગેરેનો સમાવેશ ‘આગંતુક’ પ્રકારમાં કરેલ છે.

રોગનું પૂર્વરૂપ (પૂર્વલક્ષણો) : છર્દિ કે ઊલટી થતાં પહેલાં મોળ ચડવી, ઓડકાર બરાબર ન થવા, મુખમાંથી પાતળું તથા ખારું પાણી જેવું બહાર આવવું, ભોજનમાં અરુચિ, મસ્તકપીડા કે બેચેની જેવાં લક્ષણો પ્રગટે છે.

રોગના અન્ય ઉપદ્રવો : જો છર્દિ કે ઊલટીની સમયસર બરાબર ચિકિત્સા ન થાય તો તેમાંથી ખાંસી, શ્વાસ, તાવ, હેડકી, તૃષા, અંધારાં, બુદ્ધિવિભ્રમ, હૃદયરોગ તથા તમક  શ્વાસ (દમ) જેવા ઉપદ્રવો થાય છે.

અસાધ્યતાનાં લક્ષણો : ઊલટી અતિનિર્બળ વ્યક્તિને સતત થયા કરતી હોય, ઊલટીમાં લોહી, પરુ અને મોરપીંછામાં હોય છે તેવી ચંદ્રિકા (ચમક) જણાય, તેમજ ઊલટી સાથે ખાંસી તથા શ્વાસ પણ હોય તો તેવી ઊલટીને ‘અસાધ્ય’ કહી છે.

ચિકિત્સા : (1) અજીર્ણ દોષજન્ય છર્દિમાં : ફુદીનાનો અર્ક, કર્પૂરાસવ, સંજીવની વટી, અમૃતધારા (જીવનરસાયન અર્ક), દ્રાક્ષાસવ, અગ્નિકુમાર રસ, ચિત્રકાદિ વટી, રસોનાદિ અર્ક, લશુનાદિ વટી, પીપલ્યાસવ, દશમૂલારિષ્ટ વગેરે લાભપ્રદ છે.

(2) પિત્તપ્રકોપજન્ય છર્દિમાં : છર્દિરિપુ વટી, કુમુદેશ્વર રસ, સૂત- શેખર રસ, પોખરાજ ભસ્મ, એલાદિ ચૂર્ણ કે એલાદિ વટી, પ્રવાલપિષ્ટિ, શુક્તિભસ્મ, શંખભસ્મ, પ્રવાલ પંચામૃત, લાજમંડ, ધાત્રીલોહ, સર્વતોભદ્ર રસ, હરડે ચૂર્ણ, અભયાદિ ક્વાથ, પથ્યાદિ ક્વાથ, અવિપત્તિકરચૂર્ણ, કામદુધારસ વગેરે હિતકર ઉપાયો છે.

(3) કફદોષજ છર્દિમાં : છર્દિરિપુ વટી, લવણભાસ્કર ચૂર્ણ + સ્વર્જીકા ક્ષાર; ચિત્રકાદિ વટી, સંજીવની વટી, લશુનાદિ વટી કે ગંધક વટી, મયૂરપિચ્છ ભસ્મ + પીપલી – મધમાં.

(4) કૃમિદોષજ છર્દિમાં : કૃમિકુઠાર રસ, કૃમિમુદ્ગર રસ, છર્દિરિપુ વટી કે કપૂરકાચલી ચૂર્ણ, ફુદીનાનો અર્ક, વિડંગારિષ્ટ.

(5) વિષદોષજ છર્દિ : વધુમાં વધુ ઘી પિવરાવવું કે પારદાદિ ચૂર્ણ દેવું.

 બળદેવપ્રસાદ પનારા