છત્રપતિ ડૉ. દ્રુપદ નૌતમલાલ

June, 2023

છત્રપતિ, ડૉ. દ્રુપદ નૌતમલાલ (જ. 10 ઑગસ્ટ 1933, ભરૂચ) : ઍનૅટૉમીના પ્રાધ્યાપક અને મેડિકલ ક્ષેત્રના કુશળ વહીવટકર્તા.

પિતા નૌતમરાય અને માતા કપિલાબહેન. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ. તેમના વડદાદા ભગવાનલાલ ઇતિહાસકાર હતા. એમણે ઇન્ડિયન પીનલકોડનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું અને સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખેલો. પિતા નૌતમરાય ઈડર પાસેના વિજયનગરના દીવાન.

દ્રુપદભાઈએ ઈ. સ. 1959માં એમ.બી.બી.એસ. કર્યું, પછી ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ ઍનૅટૉમીમાં બેચલર અને માસ્ટર ઑફ સાયન્સની પદવી લીધી. એ સાથે હૉસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો. રાષ્ટ્રભાષા રત્ન પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી.

તેમણે અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાં 23 વર્ષ સુધી ઍનૅટૉમીના પ્રાધ્યાપક તરીકે વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું. આ જ કૉલેજમાં 17 વર્ષ સુધી ઍનૅટૉમીના વડા તરીકે સેવા આપી. અમદાવાદ અને જામનગરની મેડિકલ કૉલેજોમાં કુલ 28 વર્ષ શૈક્ષણિક કાર્ય કર્યું. તેમના માર્ગદર્શન હેઠળ ઘણા વિદ્યાર્થીઓ એમ.એસ.(ઍનૅટૉમી) થયા હતા. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં 9 વર્ષ, સૂરત સિવિલ હૉસ્પિટલ, સૂરત જનરલ હૉસ્પિટલ અને રાજસ્થાન હૉસ્પિટલમાં 11 વર્ષ સુધી મેડિકલ સુપરિટેન્ડન્ટ તરીકે કાર્ય કર્યું હતું. આ હૉસ્પિટલમાં વહીવટી માળખું વિકસાવવામાં, આઈ.સી.યુ. વિભાગને સુસજ્જ કરવામાં, કાર્ડિઆક સર્જરી અને મેડિસિનના વિભાગો શરૂ કરવામાં એમનો મોટો ફાળો રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન અને ઇન્ડિયન ઍસોસિયેશન ફોર ધ એડવાન્સમેન્ટ ઑફ મેડિકલ ઍસોસિયેશન જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાના તેઓ આજીવન સભ્ય છે. ઍનૅટૉમીવિષયક તેમના સાત સંશોધનપત્રો પ્રકાશિત થયા છે. એમણે ઍનૅટૉમીનાં પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમ જ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના પુસ્તક ઑર્થોપેડિકનાં કેટલાંક પ્રકરણોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેઓ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઇંદોરમાં બોર્ડ ઑફ સ્ટડીઝના સભ્ય અને વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના એકૅડેમિક કાઉન્સિલના સભ્ય રહી ચૂક્યા છે.

ભારતીય સુરક્ષાસેનામાં 20 વર્ષ સુધી થર્ડ ગુજરાત મેડિકલ યુનિટના એન.સી.સી. કમાન્ડિંગ ઑફિસર, જનરલ હૉસ્પિટલના ટેટોરિયલ આર્મીના કમાન્ડિંગ ઑફિસર અને આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ રહી ચૂક્યા છે. એમને 2007માં એમિનન્ટ મેડિકલ ટીચર તરીકેનો ડૉ. બી. સી. રૉય નૅશનલ ઍવૉર્ડ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલના હસ્તે એનાયત થયો હતો. 2009માં ઇંદોરની પ્રોટોન બિઝનેસ સ્કૂલ દ્વારા પ્રોટોન પૉઝિટિવિટી કૉન્ટ્રીબ્યુશન ઍવૉર્ડ એનાયત કરાયો હતો.

અનિલ રાવલ